પ્રો. હેમંતકુમાર શાહ: સચીન તેંડુલકરના દીકરા અર્જુન તેંડુલકરને IPLમાં બોલબેટ રમનારી ટીમોમાંથી એક ટીમ મુંબઈ ઇન્ડિયન્સ દ્વારા રૂ. ૨૦ લાખમાં ખરીદવામાં આવ્યો. IPLમાં રમનારી ટીમ ૨૫ છે અને રમનારા ક્રિકેટરો દેશી-વિદેશી બંને મળીને ૨૯૨ છે.
રમનાર ક્રિકેટરો દુનિયામાં ઘણા છે. તેમાંથી ૨૯૨ની જ યાદી નક્કી થઈ છે. એટલે એમ કહેવાય કે ખાસ્સી હરીફાઈ ક્રિકેટના IPL બજારમાં છે. જે ટીમના માલિક છે તે ક્રિકેટર ખરીદે છે. વિવિધ ટીમના માલિકો વચ્ચે પણ હરીફાઈ છે અને ક્રિકેટરો વચ્ચે વેચાવા માટે પણ હરીફાઈ છે. પરંતુ દરેક ક્રિકેટરનો લઘુતમ ભાવ કેટલો તે IPLના આયોજકો દ્વારા નક્કી થયો છે. એનાથી ઓછા ભાવે એ ક્રિકેટર વેચાય નહિ, વધારે ભાવ ગમે તેટલા હોય. એ તો ખરીદનાર ટીમના માલિકની મરજી પર આધાર રાખે.
આમ છતાં, કોઈ પણ ક્રિકેટરનો ભાવ રૂ. ૨૦ લાખથી ઓછો નથી એવું IPLના આયોજકો દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. ખરીદવો હોય તો ખરીદો, નહિ તો કંઈ નહિ. IPLના આયોજકો તેને Base Price એટલે કે આધાર કિંમત કહે છે.
એટલે એનો અર્થ એ થયો કે કોઈ પણ ક્રિકેટરની કિંમત રૂ. ૨૦ લાખથી ઓછી તો નહિ જ થાય એમ પહેલેથી નક્કી થયેલું છે. આને આમ જુઓ તો ક્રિકેટરનો લઘુતમ ટેકાનો ભાવ (MSP) કહેવાય.
એક ક્રિકેટર ૮૫ દિવસ ચાલનારી ક્રિકેટ મેચોમાં મહત્તમ ૫૦ દિવસ બોલબેટ રમશે એમ માની લઈએ તો બધા ક્રિકેટરોને ઓછામાં ઓછા ₹૨૦ લાખ અને વધુમાં તો જે હરાજીમાં બોલાય તે કિંમત, જે મોટે ભાગે કરોડો રૂપિયામાં હોય છે તે, મળે છે.
મુદ્દો આ જ છે ખેડૂતોનો પણ. સરકાર કહે છે કે APMCની બહાર બજારમાં હરીફાઈ થશે તો ખેડૂતોને વધુ ભાવ મળશે. ખેડૂતો એમ કહે છે કે વધુ ભાવ મળશે જ એની કોઈ ખાતરી નથી. એટલે સરકાર લઘુતમ ટેકાના ભાવથી નીચે ભાવે ખુલ્લા બજારમાં પણ કોઈ કંપની કે વેપારી દ્વારા ખરીદી ના થાય એવો કાયદો કરે. ખેડૂતોને તેમનો પાક ખરીદનાર કંપનીઓ કે વેપારીઓ હરીફાઈ કરે તેની સામે વાંધો છે જ નહિ. પરંતુ એ હરીફાઈમાં તેમને નુકસાન ના થાય એમ તેઓ ઈચ્છે છે. એટલે તેઓ લઘુતમ ટેકાના ભાવોની ખાતરી માગે છે. હવે જો ક્રિકેટરને, કે જેઓ સામાન્ય રીતે લાખો કે કરોડો રૂપિયામાં આળોટતા હોય છે, એમને પણ લઘુતમ ટેકાના ભાવની વ્યવસ્થાની જરૂર પડતી હોય તો ભારતના બે-પાંચ એકર જમીન ધરાવનાર આશરે ૧૦ કરોડ નાના અને સીમાંત ખેડૂતોને લઘુતમ ટેકાના ભાવની જરૂર ના પડે?
અને હા, હવે જરા સચીન તેંડુલકરને સમજણ પડવી જોઈએ કે અબજો રૂપિયાનો માલિક બાપ જીવતો-જાગતો હાજર હોવા છતાં જો અર્જુનને લઘુતમ ટેકાના ભાવની જરૂર પડતી હોય તો નાના ખેડૂતોને તો તેની જરૂર પડે જ. એવા ભાવ મેળવવા માટે આંદોલન કરનારા ખેડૂતોને ટેકો કોઈ વિદેશીઓ આપે તો એમાં દેશનું સાર્વભૌમત્વ જોખમાતું નથી.
અને જો ખેડૂતોના આંદોલનને ટેકો આપનારા વિદેશીઓથી ભારતનું સાર્વભૌમત્વ જોખમમાં પડતું હોય તો IPLમાં જે વિદેશી ક્રિકેટરો ભારતમાં આવીને બોલ બેટ રમીને પોતાના પૈસા ઘરભેગા કરવાના છે તેમનાથી સાર્વભૌમત્વ જોખમમાં પડે કે નહિ?
અને હા, ક્રિકેટ રમનારા જે મહેનત કરે છે તેવી, કદાચ તેનાથી પણ વધારે મહેનત ખેડૂતો અને ખેત મજૂરો કરતા હોય છે. જો ક્રિકેટ રમવામાં કુશળતા ની જરૂર પડે છે તો ખેતી કરવામાં કંઈ ઓછી કુશળતાની જરૂર પડે છે એવું તો છે જ નહિ. દોડતો બોલ પકડવા માટે મેદાનમાં ફટાફટ લસરી પડતા ક્રિકેટર ડાંગરનું ધરૂ રોપે તો પણ તેમને ખબર તો પડે જ કે એમાં કેટલી કુશળતાની જરૂર પડે છે!
જે સમાજ ખેડૂત કે ખેત મજૂર અને ક્રિકેટરની કુશળતા વચ્ચે આટલો બધો ભેદભાવ કરે છે એ સમાજને, અને એની સરકારને શું કહેવું?
(આ લેખમાં વ્યક્ત થયેલા વિચારો લેખકના મૌલિક છે. dustakk.comના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી.)
