સાર્વભૌમત્વ કોનું, બહુરાષ્ટ્રીય કંપનીઓનું કે ભારતનું ?

પ્રો. હેમન્તકુમાર શાહ: નેધરલેન્ડ્સના હેગમાં આવેલી કાયમી લવાદ અદાલત (PCA)દ્વારા હમણાં એક ચુકાદો આપવામાં આવ્યો છે અને તેમાં ભારત સરકારે કેન એનર્જી(Cairn Energy)નામની વિદેશી કંપની પર પાછલી અસરથી જે કરવેરો લાદ્યો હતો તે “વાજબી અને સમતાપૂર્ણ બાંયધરીના ભંગ”સમાન છે એમ કહીને તે રદ કરવાનો હુકમ કર્યો છે. અદાલતે એમ પણ કહ્યું છે કે તે ભારત અને યુકે વચ્ચે થયેલી સંધિની પણ વિરુદ્ધ છે.

ભારતનું અને ભારત સરકારનું સાર્વભૌમત્વ કેવી રીતે બહુરાષ્ટ્રીય કંપનીઓ દ્વારા જોખમાય છે. તેનો આ એક મહત્ત્વનો કિસ્સો છે અને તે સમજવાની જરૂર છે. અગાઉ સપ્ટેમ્બર-2020માં આ જ અદાલતની સિંગાપોર ખાતેની ટ્રિબ્યુનલ દ્વારા એવો ચુકાદો આપવામાં આવ્યો હતો કે, ભારત સરકારે વોડાફોન કંપની સામે જે પાછલી અસરથી કરવેરો લાદ્યો હતો તે અન્યાયી અને ગેરવાજબી હતો અને તે ભારત તથા નેધરલેન્ડ્સ વચ્ચેની સમજૂતીની વિરુદ્ધ હતો. આત્મનિર્ભરતા માત્ર સૂત્રોથી ના આવે, એને માટે નક્કર પગલાં ભરવાં પડે એ આ ચુકાદાથી કેટલાક દેશભક્તોને સમજાય તો સારું.

હેગની અદાલતે એમ પણ કહ્યું છે કે કેન એનર્જીનો કરવેરાનો કિસ્સો માત્ર વેરાનો કિસ્સો નથી પણ મૂડી રોકાણનો પણ કિસ્સો છે. ભારત સરકારે 2006-07ના નાણાકીય વર્ષ માટે કરવેરાની માંગ કરી હતી. કેન એનર્જી પીએલસી અને કેન યુકે હોલ્ડિંગ્સ લિમિટેડના કિસ્સામાં આ ચુકાદો આપવામાં આવ્યો છે. 2006-07માં કેન યુકે નામક કંપનીએ કેન ઇન્ડિયા હોલ્ડિંગ્સના શેર કેન ઇન્ડિયા નામક ભારતીય કંપનીને તબદીલ કર્યા હતા. પછી ભારત સરકારના આવક વેરા ખાતાએ એમ કહ્યું હતું કે કંપનીને તેથી શેરના ભાવમાં મૂડી લાભ થયો હતો અને તેણે રૂ. 24,500 કરોડનો વેરો ભરવા માટે કંપનીને નોટિસ ફટકારી હતી. મૂડી લાભ એટલે શું તેની વ્યાખ્યા કંપની આવક વેરા ખાતા કરતાં જુદી કરે છે અને તેણે વેરો ભરવાનો ઇનકાર કર્યો હતો.

કંપની આવક વેરાની એપેલેટ ટ્રિબ્યુનલમાં કેસ હારી ગઈ હતી અને કેસ અત્યારે દિલ્હીની વડી અદાલતમાં પડ્યો છે. 2011માં કેન એનર્જીએ તેનો ભારતમાંનો મોટા ભાગનો ધંધો જે કેન ઈન્ડિયા કરતી હતી તે વેદાન્તા નામની કંપનીને વેચી માર્યો હતો. જો કે, આવક વેરા સત્તાવાળાએ કેન યુકેને તેના 10 ટકા શેર વેચવાની મંજૂરી આપી નહોતી. કેન ઇન્ડિયાના શેર પણ જપ્ત કરવામાં આવ્યા હતા અને તેણે તેની પિતૃ કંપની કેન યુકેને જે ડિવિડંડ આપ્યું હતું તે પણ જપ્ત કરવામાં આવ્યું હતું.

ભારતમાં 1991માં નવી આર્થિક નીતિ અમલમાં આવી પછી ભારત સરકારે અનેક દેશો સાથે દ્વિપક્ષી સમજૂતીઓ કરી છે. તેમાં જે કંપનીઓ બંને દેશોમાં મૂડી રોકાણ કરે તે કંપનીઓને રક્ષણ આપવા માટે જોગવાઈ કરવામાં આવી છે. આ વિવાદના કેન્દ્રમાં મૂડી લાભ ઉપર વેરો(capital gains tax) નાખવાનો પ્રયાસ છે. જ્યારે બિન-નિવાસી રોકાણકારો ભારત બહાર સ્થાપવામાં આવેલી કંપનીઓ વેચે છે અને ભારતમાં કંપનીઓ જેવી અસ્કામતો ખરીદે છે ત્યારે તેમને જે મૂડી લાભ થાય છે તેના પર વેરો નાખવાનો પ્રયાસ સરકારના આવક વેરા વિભાગ દ્વારા કરવામાં આવે છે.

વોડાફોન 2007માં ભારતમાં આવી ત્યારે પણ આવો જ વિવાદ થયો હતો. વોડાફોન જૂથની નેધરલેન્ડ્સની એક કંપનીએ કેમેન ટાપુની એક કંપની ખરીદી લીધી, પછી તેણે આડકતરી રીતે ભારતમાં હચિસન એસ્સાર લિમિટેડ કંપનીમાં બહુમતી શેર 11 અબજ ડોલરમાં ખરીદી લીધા અને કંપનીનું નામ પછી વોડાફોન ઇન્ડિયા થઈ ગયું. કેન્દ્ર સરકારે કંપની ઉપર રૂ. 6900 કરોડનો વેરો નાખ્યો અને કહ્યું કે તેણે મૂડી લાભ મળ્યો છે. કંપની પછી મુંબઈની વડી અદાલતમાં ગઈ અને વડી અદાલતે વેરો માન્ય રાખ્યો. પણ સર્વોચ્ચ અદાલતે એ વેરો 2012માં રદ કર્યો. તેથી ભારત સરકારે પાછલી અસરથી કાયદામાં સુધારો કર્યો અને કરની માગણી કરી કે જેને કંપનીઓએ આંતરરાષ્ટ્રીય અદાલતમાં પડકાર્યો હતો. ભારત સરકારે વોડાફોન કંપનીને રૂ. 85 કરોડ કેસના ખર્ચ અને રિફંડ સ્વરૂપે ચૂકવવા પડ્યા હતા. હવે એવું જ કેન એનર્જીના સદર્ભમાં પણ થશે.

ભારત સરકારે 2015માં જુદા જુદા દેશો સાથે કરવેરા અંગે જે દ્વિપક્ષી સમજૂતી કરી હતી તે બધી રદ કરી. સરકાર માટે મહત્ત્વની બાબત એ છે કે બહુરાષ્ટ્રીય કંપનીઓ દેશો વચ્ચે થયેલી સમજૂતીઓનો ઉપયોગ કરીને કરવેરો ચૂકવવાનંર ટાળે છે અને તેથી સરકારને કરોડો રૂપિયાનું નુકસાન થાય છે. વધુ મહત્ત્વનું તો એ છે કે કંપનીઓ પર વેરા નાખવાનો સરકારને જે સાર્વભૌમ અધિકાર છે તે જ તે ગુમાવે છે. કંપનીઓ કાનૂની રીતે સોદા કરે છે અને છતાં વેરો ના ભરવો પડે તેવી રીતરસમો અપનાવે છે. તેમને વેરા ભરતી કેવી રીતે કરવી એ ભારત માટે એક મોટો પડકાર છે.

ઉપરોક્ત કિસ્સા એમ દર્શાવે છે કે (1) બહુરાષ્ટ્રીય કંપનીઓ સરકારોને તાબે થવા તૈયાર નથી, તેઓ પોતાની મનમાની જ કરે છે. (2) મૂડીરોકાણ આકર્ષવાની લાયમાં ભારત સરકાર બહુરાષ્ટ્રીય કંપનીઓ ગમે તે વર્તન કરે તો વાંધો નથી એમ માની લે છે. (૩) બહુરાષ્ટ્રીય કંપનીઓ દેશોની સરકારોના સાર્વભૌમત્વને જ પડકારે છે. એ અર્થમાં સાર્વભૌમત્વ નામનો ખ્યાલ વૈશ્વિકીકરણના આ જમાનામાં સાવ ઘસાઈ ગયો છે. (4) સામાન્ય લોકોને તો સમજ પણ પડતી નથી કે કઈ દેશી-વિદેશી કંપનીએ કઈ દેશી-વિદેશી કંપની ખરીદી અને કેવી રીતે ખરીદી. એટલે તેને આ કરોડો રૂપિયાની ઘાલમેલ સમજાતી જ નથી. મૂડી બજાર એટલું બધું ટેક્નિકલ થઈ ગયું છે.

(આ લેખમાં વ્યક્ત થયેલા વિચારો લેખકના મૌલિક છે, dustakk.comના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap