વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)એ ઓક્સફોર્ડ-એસ્ટ્રાઝેનેકાની કોવીડ-19 વેક્સિનને ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી છે. વેક્સિનની મંજૂરી મળવાથી ગરીબ દેશોને વેક્સિન આપવાના WHO પ્રોગ્રામમાં હવે વેગ આવશે. WHOએ દક્ષિણ કોરિયામાં બનાવાયેલી એસ્ટ્રાઝેનેકા-SKBio અને ભારતમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયામાં બનનારી વેક્સિનને મંજૂરી આપી છે.
વેક્સિનને મંજૂરી આપ્યા બાદ WHOએ કહ્યું કે, જે દેશોમાં હવે વેક્સિન નથી, તેઓ પોતાના સ્વાસ્થ્ય કર્મચારીઓ અને જનતાને આ વેક્સિન આપી શકશે.
ઓક્સફોર્ડ યુનિવર્સિટી અને બ્રિટીશ-સ્વીડિશ ફાર્મા કંપની એસ્ટ્રાઝેનેકાની વેક્સિનને ભારતના પુણે સ્થિત સીરમ ઇન્સ્ટિટ્યૂટમાં બનાવવામાં આવી રહી છે. ભારતમાં તે ‘કોવિશીલ્ડ’ નામથી વેચાય છે. ભારત સરકારે જાન્યુઆરી મહિનામાં આ વેક્સિનને ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી હતી.
SAGEએ કરી હતી વેક્સિનની ભલામણ
WHOની એક્સપર્ટ પેનલ, સ્ટ્રેટેજિક એડવાઈઝરી ગ્રુપ ઓફ એક્સપર્ટ્સ (SAGE)એ વેક્સિનના ઉપયોગની ભલામણ કરી છે. પેનલે કહ્યું હતું કે, આ વેક્સિન તમામ ઉંમરના લોકો માટે યોગ્ય છે. પેનલે તેની ભલામણ કરતા કહ્યું હતું કે, વેક્સિન બે ડોઝમાં આપવી જોઈએ, અને 8થી 12 અઠવાડિયા વચ્ચેનો તફાવત હોવો જોઈએ.
ઓક્સફોર્ડ-એસ્ટ્રાઝેનેકા વેક્સિન પર પ્રશ્નો ઉભા થયા હતા
ઓક્સફોર્ડ અને એસ્ટ્રાઝેનેકા દ્વારા બનાવવામાં આવેલી આ વેક્સિન પર દક્ષિણ આફ્રિકાએ પ્રતિબંધ મૂક્યો છે. સંશોધનકારોએ શોધી કાઢ્યું હતું કે, આ વેક્સિન નવા વેરિયન્ટ વિરુદ્ધ ‘ન્યૂનતમ સુરક્ષા’ આપે છે. કેટલાક યુરોપિયન દેશોએ પણ આ વેક્સિન અંગે પ્રશ્નો ઉભા કર્યા છે, ત્યારબાદ ફ્રાન્સ અને જર્મની સહિત ઘણા દેશોએ 65 વર્ષથી વધુ ઉંમરના લોકોને આ વેક્સિન ન આપવાનો નિર્ણય લીધો હતો.
WHO પાસેથી વેક્સિનને મંજૂરી કેવી રીતે મળી ?
WHOની ઇમર્જન્સી યુઝ લિસ્ટિંગ (EUL), કોવિડ -19 વેક્સિનની ગુણવત્તા, સલામતી અને કાર્યક્ષમતાનું મૂલ્યાંકન કરે છે. COVAX પ્રોગ્રામ હેઠળ, વેક્સિનની ગુણવત્તા જાણવી મહત્વપૂર્ણ છે. આ પ્રોગ્રામ અંતર્ગત WHO ઓછી આવક ધરાવતા દેશોમાં કોવિડ વેક્સિન પહોંચાડી રહી છે.
EUL દેશોને વેક્સિન આયાત કરવા અને પહોંચાડવા માટે તેમની પોતાની રેગુલેટરી મંજૂરી પણ આપે છે.
EUL પ્રક્રિયાના ભાગ રૂપે, WHOએ ઓક્સફોર્ડ-એસ્ટ્રાઝેનેકા વેક્સિન બંનેની ગુણવત્તા, સલામતી, જોખમ સંચાલન અને કાર્યક્ષમતાના ડેટાનો અભ્યાસ કર્યો. તેમા વેક્સિન ડિસ્ટ્રીબ્યૂશન, સંગ્રહ જેવા વિષયો પર પણ ધ્યાન આપવામાં આવે છે. આ પ્રક્રિયામાં લગભગ ચાર અઠવાડિયા લાગે છે.
વિશ્વમાં કોવિડ કેસ 11 કરોડ નજીક
અમેરિકાની જોન્સ હોપકિન્સ યુનિવર્સિટીના ટ્રેકર મુજબ, કોરોના વાયરસના કેસ વિશ્વભરમાં 10.91 કરોડ પર પહોંચી ગયા છે. આના સૌથી વધુ કેસો અમેરિકામાં (2.76 કરોડ), ભારતમાં (1.09 કરોડ) અને બ્રાઝિલમાં (98 લાખ) છે. કોવિડને કારણે સૌથી વધુ મૃત્યુ અમેરિકામાં (4..86) લાખ), બ્રાઝિલમાં(2.39 લાખ) અને મેક્સિકો (1.74 લાખ) થયા છે. ભારતમાં કોરોના વાયરસના કારણે 1.55 લાખ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
