કોરોનાને રોકવાની કામગીરી મામલે ગુજરાતનો ડંકો, WHOએ લીધી નોંધ

અમદાવાદ: વૈશ્વિક મહામારી કોવિડ-19 સંદર્ભે નાગરિકોને સુરક્ષિત કરવા માટે સમગ્ર વિશ્વ ઝઝુમી રહ્યું હતું. ત્યારે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલના દ્રષ્ટિવંત નેતૃત્વમાં ગુજરાત સરકારે સંક્રમણને રોકવા માટે લીધેલા અસરકારક પગલાંઓની કામગીરીને વૈશ્વિક આરોગ્યસંસ્થા (WHO)એ બિરદાવી હતી. જેના પગલે IIM અમદાવાદ અને IIPH ગાંધીનગર દ્વારા કોવિડ વિરુદ્ધની રાજ્ય સરકારની રણનીતિઓ અને અસરકારક પગલાંઓના અભ્યાસ-આલેખન માટે WHO દ્વારા આ બે સંસ્થાઓને જવાબદારી સોંપવામાં આવી હતી.

મુખ્યમંત્રી વિજય રૂપાણીના વરદ્ હસ્તે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ તથા વિશ્વ આરોગ્ય સંસ્થા(WHO)ના ભારતની ઓફિસના પ્રતિનિધિ ડૉ. રોડરીકો ઓફરીનની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં કોવિડ-19 અંતર્ગત રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલી કામગીરી સંદર્ભે IIM અમદાવાદ અને IIPH ગાંધીનગર દ્વારા તૈયાર કરાયેલી પુસ્તિકાનું વિમોચન કરવામાં આવ્યું હતું.

કોવિડ-૧૯ મહામારીની સામેની લડતમાં ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં જયારથી પ્રથમ કેસ નોંધાયો ત્યારથી જ ગંભીરતાથી લઈને સમયબદ્ધ આયોજન કર્યું હતુ. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલના અધ્યક્ષસ્થાને રાજ્યના ઉચ્ચ સનદી અધિકારીઓની કોર કમિટીની રચના કરવામાં આવી હતી.

આ કમિટીએ છેલ્લાં દસ મહિનાથી નિયમિત રીતે દરરોજ કોવિડ સંદર્ભે ઉભી થતી પરિસ્થિતિઓનું આકલન કરીને યોગ્ય રણનીતિ સાથે પગલાંઓ લઈને અસરકારક આયોજન કર્યું છે. જેના પરિણામે રાજ્યમાં કોરોનાનું સંક્રમણ અટકાવવામાં સફળતા મળી છે. રાજ્ય સરકારના દુરોગામી આયોજન અને વહીવટી તંત્રના અદભૂત સંકલનની વ્યવસ્થા તથા સ્થાનિક પરિસ્થિતિને અનુલક્ષીને તૈયાર કરાયેલી રણનિતિઓ અને પગલાંઓના પરિણામે શક્ય બન્યું છે.

૪૩ ટકા શહેરીકરણ ધરાવતા ગુજરાતમાં કોવિડનાં સંક્રમણનું જોખમ હતું પરંતુ રાજય સરકારની વિશિષ્ટ રણનિતિ અને વિવિધ પગલાંઓને કારણે કોવિડ-૧૯ની ગંભીર અસરોને નિવારી શકાઈ છે.

રાજય સરકારનાં કોવિડ વિરુધ્ધની આ રણનીતિઓ અને પગલાંઓનાં અભ્યાસ તથા તેનું આલેખનમાં વિશ્વ આરોગ્ય સંસ્થાની, ભારતની કચેરી દ્વારા રસ દાખવવામાં આવતા આ માટે ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ, અમદાવાદ, ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ પબ્લિક હેલ્થ, ગાંધીનગર અને સ્ટેટ હેલ્થ સીસ્ટમ રીસોર્સ સેન્ટર – ગુજરાતને જવાબદારી સોંપવામાં આવી હતી. આ માટે WHOનાં માપદંડ/માર્ગદર્શિકા “Intra Action Review” મુજબ ગુજરાતનાં કોવિડ સામેનાં પ્રતિસાદ માટે તૈયાર કરવામાં આવેલ બે ડોકયુમેન્ટ અને વિવિધ વિડીયો કલીપ્સનું વિમોચન કરાયુ છે.

ઇન્ટ્રા એકશન રીવ્યુ અંતર્ગત જાહેર આરોગ્ય વિભાગ દ્રારા કરવામાં આવેલ પ્રતિસાદ તથા કોવિડ-૧૯ના મેનેજમેન્ટના પ્રતિભાવોને WHO દ્રારા સુચવવામાં આવેલ ૧૦ અલગ અલગ કેટેગરીના નિષ્ણાતોના ઇન્ટરવ્યુ કરવામાં આવ્યા હતા. જેમાં સંકલન, આયોજન અને મોનીટરીંગ, રીસ્ક કોમ્યુનીકેશન અને સમુદાય સાથે જોડાણ, સર્વેલન્સ, પ્રતિભાવ, પ્રવેશ ક્ષમતા, લેબોરેટરીનું સશકિતકરણ, ચેપ અટકાયત અને નિયંત્રણ, કેસ મેનેજમેન્ટ અને હોસ્પિટલની તૈયારી, ઓપરેશનલ સપોર્ટ અને લોજીસ્ટીક, સંશોધન નવીનતમ પ્રયાસો અને જ્ઞાનનું આદાન-પ્રદાન તથા જરૂરી આરોગ્ય સેવાઓની જાળવણી જેવાં માપદંડોનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત IIM–અમદાવાદ દ્રારા કોવિડની કામગીરી સાથે સંકળાયેલા વિવિધ અધિકારીઓના ઇન્ટરવ્યુ લઇ કોવિડ રીસ્પોન્સ કેસ સ્ટડી પણ કરાયો છે.

IIM–અમદાવાદ દ્રારા તૈયાર કરાયેલા આ અહેવાલમાં કોવિડની સામેની કામગીરીમાં રાજયનાં મુખ્ય સચિવશ્રીથી લઇ જિલ્લામાં ફીલ્ડની કામગીરી કરતાં ૭0 થી વધુ કોરોના વોરિયર્સ સાથે વાતચીત કરી તૈયાર કરવામાં આવ્યો છે. જે અન્ય રાષ્ટ્રો તેમજ રાજયો માટે ભવિષ્યના આયોજનમાં મહત્વનો માર્ગદર્શક દસ્તાવેજ બની રહેશે. રાજ્ય સરકાર દ્વારા અપનાવેલ વિવિધ રણનિતિઓ, પગલાંઓ અને પહેલનાં અનુભવનો ઉપયોગ કરી તે લોકો સ્થાનિક કોવિડ સામેની લડાઇને વધારે અસરકારક બનાવી શકશે.

આ ઉપરાંત ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ, અમદાવાદ દ્વારા તૈયાર કરવામાં આવેલ Policy Brief Report on COVID Response તથા વિવિધ પાંચ કેટેગરી જેમાં શાસનનો પ્રતિસાદ, સમુદાયનો પ્રતિભાવ, જાહેર આરોગ્ય પ્રતિભાવ, તબીબી સંભાળ અને આરોગ્ય-વહીવટી પ્રતિસાદમાં વિવિધ વિભાગ જેવા કે, કાયદો અને વ્યવસ્થા, નાગરિક પુરવઠો, ખેતી, ઉદ્યોગ વગેરે દ્વારા મહામારીની લડતમાં અત્યંત મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે એવા ૧૦૦થી વધુ અધિકારી/કર્મચારીઓએ પાંચ માસથી વધુ સમય આપી તૈયાર કરવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap