શા માટે આપણે 14મી જાન્યુઆરીએ ઉત્તરાયણ મનાવીએ છીએ?,જાણો

22મી ડીસેંબર એટલે વર્ષનો ટૂંકો દિવસ અને લાંબી રાત્રિ. આજે 22 મી ડિસેમ્બર છે. એટલે સૂર્યનું ઉત્તર તરફનું પ્રયાણ થાય છે. સામાન્ય જન સમૂહમાં આ શબ્દોના અર્થ બાબતે કંઈક દ્વિધા પ્રવર્તે છે. અયન અને ગોલ ની ભેળસળ થઈ ગઈ છે. આપણે આધુનિક જ્યોતિષમાં ઉત્તરાયણનો શું અર્થ થાય છે તે આપણે જોઇએ. પૃથ્વીના ગોળા ઉપર વચ્ચે વિષુવવૃત છે. તેની ઉત્તરે તથા દક્ષિણે અનુક્રમે 2૧|૨°પર કર્ક્વૃત્ત અને મકરવૃત્ત છે.

સૂર્ય ઉત્તરે વધુમાં વધુ કર્કવૃત્ત સુધી જાય અને દક્ષિણે મકર વૃત્ત સુધી જાય સૂર્ય વિષુવવૃતથી ઉત્તરે હોય ત્યારે ઉત્તર ગોલમાં છે. એમ કહેવાય અને દક્ષિણે હોય ત્યારે દક્ષિણ ગોલમાં છે એમ કહેવાય. આ આપણને શાળામાં ભૂગોળ વિષયમાં ભણવામાં આવતું હતું. એટલે સૂર્ય મકરવૃત્તથી કર્ક્વૃત્ત તરફ ગતિ કરતો હોય તો એ સમયગાળો ઉત્તરાયણ અને કર્કવૃત્તથી મકર વૃત્ત તરફ ગતિ કરતો હોય તો દક્ષિણાયન કહેવાય. ગોલ અને અયનની આ અર્વાચીન વ્યાખ્યા છે. જ્યારે પ્રાચીનકાળ માં – સંભવત: વેદકાળમાં વ્યાખ્યા જુદી હતી. ત્યારે સૂર્ય વિષુવવૃત્તની ઉત્તરે ઉત્તર ગોલમાં હોય એ સમયને ઉત્તરાયણ કહેતા. એવી માન્યતા હતી અને હજુ પણ છે કે દેવોના એ દિવસ દરમ્યાન સ્વર્ગનો માર્ગ ખુલ્લો રહેતો અને દક્ષિણાયણ એટલે સૂર્ય દક્ષિણ ગોલમાં હોય ત્યારે દેવોની રાત્રિ ગણાતી.

રાત્રિ દરમ્યાન સ્વર્ગના દરવાજા બંધ રહેતા. ઉત્તરાયણ દરમ્યાન મૃત્યુ થાય તો આત્મા સ્વર્ગમાં જતો. વેદ કાલીન ઉત્તરાયણનો આ અર્થ હજુ પણ જન સમૂહમાં જળવાઈ રહ્યો છે. લોકો માને છે કે 14મી જાન્યુ,સૂર્ય ઉત્તર ગોલમાં પ્રવેશ કરે છે! પણ હકિકતમાં અર્વાચીન વ્યાખ્યા મુજબની ઉત્તરાયણ 22મી ડીસેંબરે થાય છે અને પ્રાચીન વ્યાખ્યા મુજબની (હાલનો ઉત્તર ગોલ) 21મી માર્ચે થાય છે. સૂર્ય ઉત્તર ગોલમાં હોય ત્યારે પૃથ્વીના ઉત્તર ગોળાર્ધમાં ઉનાળો અને દક્ષિણ ગોળાર્ધમાં શિયાળો હોય અને વાઈસા વરસા.

દક્ષિણ આફ્રિકા દક્ષિણ ગોળાર્ધમાં હોઈ, આપણે ત્યાં ઉનાળો હોય ત્યારે ત્યાં ઠાંડી હોય છે.તો પછી 14મી જાન્યુઆરીએ આપણે ઉત્તરાયણ માનવીએ છીએ એ શું છે? ખરેખર તો 14 મી જાન્યુઆરીએ ઉત્તરાયણ કે સંક્રાંતિ કશું જ થતું નથી એટલે 14 મી જાન્યુઆરીએ ઉત્તરાયણ કે સંક્રાંતિ થાય છે. એમ ના કહી શકાય. આકાશમાં ખરેખરી ઉત્તરાયણ તો 22મી ડિસેમ્બરના જ થાય છે. એ દિવસે સૂર્ય મકરવૃત્ત પરથી પાછો વળે છે અને ઉત્તર તરફ પ્રયાણ કરે છે. એ દિવસે સૂર્યની દક્ષિણ ક્રાંતિ વધુમાં વધુ એટલે કે 23 ૧|૨° હોય છે. આથી સાચી મકરસંક્રાંતિ 22 મી ડિસેમ્બરે જ થાય છે. અહિં ક્રાંતિ શબ્દ મહત્ત્વનો છે. 14 મી જાન્યુ.એ કોઇ જ ક્રાંતિ થતી નથી. 22 ડિસેમ્બરે જ ક્રાંતિ થાય છે.

ખરેખર તો ઉત્તરાયણ અને મકર સંક્રાંતિ એકી સાથે જ થવાં જોઇએ (આજે પણ આકાશમાં તો એમ જ થાય છે.) પણ આપણાં નિરયન પંચાંગ માં બન્ને જુદા પડી ગયાં છે. ઉત્તરાયણ 22 મી ડિસેમ્બરે અને મકર સંક્રાંતિ 14 મી જાન્યુઆરીએ લખવામાં આવે છે. જેમ અયનાંશ વધતા જાશે તેમ બન્ને વચ્ચેનો સમય ગાળો પણ વધતો જશે. નજીકના ભવિષ્યમાં જ 15 મી જાન્યુ. એ મકર સંક્રાંતિ થાશે. ભૂતકાળમાં આજથી લગભગ 96 વર્ષ પહેલાં 13મી જાન્યુ. એ થતી હતી.અત્યારે સૂર્ય 14મી જાન્યુઆરીએ નિરયન મકર રાશિમાં પ્રવેશ કરે છે અને સૂર્યનો આ રાશિ પ્રવેશ જેને આપણે સંક્રાંતિ કહીએ છીએ. એટલે 14 મી જાન્યુ.ને આપણે મકરસંક્રાંતિ તરીકે ઓળખીએ છીએ.

એસ્ટ્રોલોજીકલ એજ્યુકેશન એન્ડ રીસર્ચ ફાઉન્ડેશન સંસ્થા ના કાયમી સદસ્ય
(દામીનીબેન લાખીયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap