ભારતને અગ્રણી દરિયાઇ રાષ્ટ્ર બનાવવા માટેનું વિઝન

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા : “ભારતની લાંબો દરિયાકિનારો તમારી રાહ જોઈ રહ્યો છે. ભારતના મહેનતુ લોકો તમારી રાહ જોઈ રહયા છે. અમારા બંદરોમાં રોકાણ કરો. અમારા લોકોમાં રોકાણ કરો. ભારતને તમારી પસંદગીનું વેપાર સ્થળ બનાવો. વેપાર અને વાણિજ્ય માટે ભારતીય બંદરોને ‘પોર્ટ ઑફ કૉલ’ બનાવો.”

આ શબ્દો છે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના, જ્યારે તેઓ મેરીટાઇમ ઇન્ડિયા સમિટ -2021 ની ઉદઘાટન વેળાએ વૈશ્વિક રોકાણકારોને ભારતમાં રોકાણ કરવા આમંત્રણ આપી રહયા હતા. આ શબ્દો મહત્વાકાંક્ષી નવા ભારતની આકાંક્ષાઓને વ્યાખ્યાયિત કરે છે, એવું ભારત જે બંદરો અને દરિયાઇ ક્ષેત્રે તકોને ઝડપી લેવા આતુર છે.

કદની દ્રષ્ટિએ 95% એક્ઝિમ વેપાર અને નોંધપાત્ર રોજગાર સર્જનને કારણે ભારતીય દરિયાઇ ક્ષેત્ર એ ભારતીય અર્થવ્યવસ્થાનો મુખ્ય ભાગ છે. વૈશ્વિક દરિયાકિનારામાં 1.05% હિસ્સા અને નાણાકીય વર્ષ 2019 માં વૈશ્વિક દરિયાઇ વેપારમાં 10.4% હિસ્સેદારી સાથે ભારત વૈશ્વિક દરિયાઇ વેપારમાં મહત્વની ભૂમિકા ભજવે છે. વૈશ્વિક સ્તરે કુલ સાગરખેડૂ (અધિકારીઓ)માં ભારતે 9.03% યોગદાન આપ્યું છે, જે તેને શિપિંગ ઇકોસિસ્ટમનો એક અભિન્ન ભાગ બનાવે છે.

હું માત્ર એટલું કહીશ કે, વૈશ્વિક દરિયાઇ ક્ષેત્રમાં ભારતની સ્થિતિ આંતરરાષ્ટ્રીય વેપાર માટે મૂળભૂત છે. ભારતમાં વધતી જતી બંદર ક્ષમતા આ વેપારને સુવિધા પૂરી પાડે છે. નાણાકીય વર્ષ 2019 માં, ભારતીય બંદરોની ક્ષમતા 1,281 એમટીપીએના ટ્રાફિકને સંચાલિત કરવા માટે 2,377 એમટીપીએની હતી. જેમાં ભારતના 12 મોટા બંદરોની ક્ષમતાના 1514 એમટીપીએ છે અને નાણાકીય વર્ષ 2019 માં 699 એમટીપી ટ્રાફિકનું વહન કર્યું છે, જે તેની કુલ ક્ષમતાના 46.2% નો ઉપયોગ દર્શાવે છે.

બીજી તરફ કુલ ક્ષમતામાં અન્ય બંદરોનો હિસ્સો 863 એમપીટીએ છે અને 582 એમટીપીએ ટ્રાફિકનુ વહન કર્યું છે, જે તેની કુલ ક્ષમતાના 67% નો ઉપયોગ દર્શાવે છે. આમ, ભારતને વૈશ્વિક દરિયાઇ વેપાર ઇકોસિસ્ટમમાં મોખરે લાવવા નીતિ, રોકાણ, કામગીરી અને તકનીકીમાં મહત્ત્વપૂર્ણ વૃદ્ધિ ખૂબ જરૂરી છે.

ઝડપથી બદલાતા વૈશ્વિક પરિદૃશ્યની ગતિને ધ્યાનમાં રાખીને બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયે દરિયાઈ સેક્ટરમાં ગતિશીલ વૃદ્ધિ ચાલુ રાખવા માટે મેરીટાઇમ ઇન્ડિયા વિઝન 2030 (એમઆઈવી -2030)નો શુભારંભ કર્યો છે. એમઆઈવી 2030 ના અહેવાલ પ્રમાણે 2030 સુધીમાં 2,570 એમટીપીએ કાર્ગો ટ્રાફિકનું અનુમાન કરવામાં આવ્યું છે. આ વિઝનમાં ભારતીય સમુદ્રી ક્ષેત્રના તમામ પાસાઓને આવરી લેતી 150થી વધુ પહેલો ધરાવતી 10 વિસ્તૃત થીમની રૂપરેખા રજૂ કરી છે તેમજ આ વિઝન રાષ્ટ્રીય દરિયાઇ ઉદ્દેશોને વ્યાખ્યાયિત કરવા અને તેને પહોંચી વળવા માટે એક વ્યાપક પ્રયાસ છે. આ તમામ પહેલો બંદર ઇકોસિસ્ટમ, બંદર કામગીરી અને સેવાઓ, જળમાર્ગ તથા શિપિંગ અને ક્રુઝના વિકાસને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે.

બંદરો માટે વિશ્વ કક્ષાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પરિવર્તનનું પીઠબળ બનશે. મેગા બંદરોના વૈશ્વિક પ્રવાહોને અનુલક્ષીને, ગુજરાત, મહારાષ્ટ્ર, તામિલનાડુ અને પશ્ચિમ બંગાળ-ઓડિશા ક્લસ્ટરના ઉચ્ચ સંભવિત વિસ્તારોમાં 300 એમટીપીએ કરતા વધારે ક્ષમતાવાળા ચાર મેગા પોર્ટ ક્લસ્ટરોના વિકાસની યોજના બનાવવામાં આવી છે. આ ક્લસ્ટરોને તેમના ઔદ્યોગિકરણ અને અંતરિયાળ કનેક્ટિવિટીની ક્ષમતાનું મૂલ્યાંકન કર્યા પછી પસંદ કરવામાં આવ્યા છે. આ ક્ષેત્ર મેગા વહાણો તરફ આગળ વધી રહ્યું હોવાથી, તમામ મોટા ભારતીય બંદરો પર ડ્રાફ્ટ વધારવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.

ભારતનું વ્યૂહાત્મક સ્થાન હંમેશા ભારતમાં ટ્રાંસશીપમેન્ટ હબ વિકસાવવાની જરૂરિયાત પર ભાર મૂકે છે. તેથી, ભારતના દરિયાઇ વેપારની કાર્યક્ષમતા વધારવા માટે, મંત્રાલય દક્ષિણ ભારતમાં ટ્રાન્સશીપમેન્ટ હબ (ટીએસ) વિકસાવવા તરફ પણ કામ કરશે. હાલમાં, ભારતનો લગભગ 75% ટ્રાન્સશિપમેન્ટ કાર્ગો કોલંબો, સિંગાપોર અને ક્લાંગ સહિત ભારતની બહારના બંદરો દ્વારા સંચાલિત થાય છે. જેનાથી એક્ઝિમ સાથે જોડાયેલા ઉદ્યમીઓ માટે કિંમત/TEU વધી જાય છે. તેથી, યોજના હેઠળ રહેલા ટીએસ બંદરોના ઝડપી સંચાલન, કન્યાકુમારી અને કેમ્પબેલ ખાડીના ગ્રીન ફીલ્ડ બંદરોનો તબક્કાવાર વધારાના ટ્રાન્સશીપ હબ તરીકે વિકાસ અને કોચીન જેવા હાલના બંદરોની ક્ષમતામાં વધારો કરી દેશની ટ્રાન્સશીપમેન્ટ ક્ષમતામાં વધારો કરવાની પહેલ કરવામાં આવી છે. આવા ટ્રાન્સશીપમેન્ટ હબની સફળતા સુનિશ્ચિત કરવા માટે વૈશ્વિક બેંચમાર્કિંગ દ્વારા સફળતા માટેના મુખ્ય પરિબળોની પણ ઓળખ કરવામાં આવી છે.

વૈશ્વિક દરિયાઇ વેપારમાં દેશની મહત્વપૂર્ણ ભૂમિકા સુનિશ્ચિત કરવા બંદરોનું ઓટોમેશન, કાર્ગોની નિર્બાધ આવનજાવન અને પેપરલેસ ટ્રાન્ઝેક્શન એ કોઈપણ દરિયાઇ દેશની ન્યુનતમ જરૂરિયાતો છે. હાલમાં, ડિજિટલાઇઝેશનનો અભાવ, રીઅલ-ટાઇમ માહિતીની ઉપલબ્ધતાનો અભાવ અને બંદર કાર્યવાહીના મર્યાદિત માનકીકરણ નિર્બાધ વેપારને નકારાત્મક અસર કરી રહ્યા છે. તેથી, ભારતીય મેરીટાઈમ ક્ષેત્રે ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસમાં સુધારો કરવા માટે જરૂરી પગલાઓની ઓળખ કરવામાં આવી છે. પ્રક્રિયાઓને 100% પેપરલેસ બનાવવા માટે તમામ એક્ઝિમ હિતધારકો માટે એકલ સંકલિત પ્લેટફોર્મ તરીકે એક રાષ્ટ્રીય લોજિસ્ટિક્સ પોર્ટલ (મરીન) શરૂ કરવામાં આવશે. આ પોર્ટલ સ્થાનિક શિપમેન્ટ ટ્રેકિંગ, ક્લાઉડ આધારિત દસ્તાવેજ સંચાલન, ડિજિટલ ચુકવણી વગેરે જેવી ઘણી ઈ-સુવિધાઓ પૂરી પાડશે. વધુમાં, મુખ્ય બંદરોને સ્માર્ટ બંદરોમાં રૂપાંતરિત કરવા માટે 50 થી વધુ સ્માર્ટ હસ્તક્ષેપો જેવા કે રખરખાવની આગોતરી જાણકારી, સ્વચાલિત ક્વે ક્રેન્સની ફાળવણી વગેરેની ઓળખ કરવામાં આવી છે.

દેશમાં ઉત્પાદનમાં વધારા અને લોજિસ્ટિક્સ ખર્ચમાં ઘટાડા દ્વારા આત્મનિર્ભર ભારતનું સપનું સાકાર કરવા માટે નક્કર પગલાઓની ઓળખ કરવામાં આવી છે. સરકારે બંદરો આધારિત ઔદ્યોગિકીકરણ માટે ઉચ્ચ ક્ષમતા ધરાવતા વિસ્તારોને ઓળખી કાઢયા છે, જે 6000 એકર કરતા વધુ વિસ્તારમાં ફેલાયેલા છે. દરિયાકાંઠાના શિપિંગ અને કામગીરીના ઓટોમેશન/યાંત્રિકીકરણને પ્રોત્સાહન આપવા બંદરો પર વસ્તુ-વિશિષ્ટ માળખાગત વિકાસ જેવા પરિવહન ખર્ચ ઘટાડવા માટે હાથ ધરવામાં આવેલા પ્રોજેક્ટ્સ તેમાં સહાયતા પ્રદાન કરશે. એકત્રિત રીતે આ તમામ પહેલો મેક ઈન ઈન્ડિયા, મેક ફોર વર્લ્ડને પ્રોત્સાહન પૂરું પાડશે.

ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને બંદર કામગીરીમાં સુધારણા ઉપરાંત, એમઆઇવી -2030 નો હેતુ સુરક્ષિત અને પર્યાવરણની દ્રષ્ટિએ ટકાઉ બંદરો બનાવવાનો છે. બંદર કામગીરીમાં નવીનીકરણીય ઉર્જાના ઉપયોગમાં વધારો, ડ્રેજિંગ સામગ્રીનો ટકાઉ ઉપયોગ, તાજા પાણીનો વપરાશ અને હવા ઉત્સર્જન ઘટાડવું, ‘શૂન્ય અકસ્માત’ બંદરોના વિકાસને પ્રોત્સાહન આપવું અને HSE KPI નું રીઅલ ટાઇમ મોનિટરિંગ, આ કેટલાક એવા મહત્ત્વપૂર્ણ પગલાં છે જે ગ્રીન બંદરોના વિકાસ માટે હાથ ધરવામાં આવશે.

શિપિંગ ક્ષેત્રે, આ વિઝન ભારતમાં બનાવવામાં આવેલા વહાણોની કુલ ટનેજમાં 15 ગણાથી વધુનો વધારો કરવાની સાથોસાથ ભારતને અગ્રણી શિપ રિસાયક્લિંગ અને રિપેર હબ બનાવવાનું લક્ષ્ય રાખે છે. આત્મનિર્ભર ભારત યોજના હેઠળ રાઇટ ઑફ ફર્સ્ટ રિફ્યુઝલ (RoFR) ના નિયમોનો લાભ લઈને તેમજ શિપ બિલ્ડિંગ, શિપ રિપેરિંગની સ્થાનિક માંગને યોગ્ય દિશા આપીને આ લક્ષ્ય પ્રાપ્ત કરવામાં આવશે. ભૂતકાળમાં ઘણા શિપયાર્ડ્સ વૈશ્વિક સ્તરે સારી ગુણવત્તાવાળા જહાજો પૂરા પાડીને પહેલાથી જ ભારતની મજબૂત શિપબિલ્ડિંગ ક્ષમતા દર્શાવી ચૂક્યા છે. આ ઉપરાંત, અલંગ ખાતે વધારાના શિપ રિપેરિંગ અને રિસાયક્લિંગ ક્લસ્ટરો વિકસાવવામાં આવશે. બીઆઈએસ નિયમોમાં ફેરફાર અને શિપ રિસાયક્લિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો પુનઃ વિકાસ કરીને સ્ક્રેપ (ભંગાર) સામગ્રીના ઉપયોગને પ્રોત્સાહન આપવામાં આવશે.

વધુમાં, પ્રાદેશિક દરિયાઇ સહકાર અને વેપાર વધારવા માટે, બંગાળ ખાડી બહુ ક્ષેત્રીય તકનીકી અને આર્થિક સહયોગ ઉપક્રમના (BIMSTEC) પ્રાદેશિક કેન્દ્રની સ્થાપના ભારતમાં કરવાની યોજના છે. આ કેન્દ્ર બિમસ્ટેક દેશો સાથે ઈન્ફ્રાસ્ટ્રક્ચર રોકાણ અને પરસ્પર વેપાર સંધિઓ કરવાનું સરળ બનાવશે. અન્ય વિકાસશીલ દેશોને સહાયના ભાગરૂપે ભારતની મૂળ ક્ષમતાઓ જેવી કે આઈટી, નૌકાદળ આર્કિટેક્ચર, અને દરિયાઇ તાલીમ વગેરેના વિકાસ અને નિકાસ માટેના પ્રયત્નો પણ કરવામાં આવશે.
ભારત પાસે વિવિધ આંતરિક જળ પરિવહનના (આઈડબ્લ્યુટી) વિકલ્પો પણ છે, જેમાં નદીઓ, નહેરો, બેકવોટર, ખાડીઓ અને ભરતીનો સમાવેશ થાય છે. જે વૈકલ્પિક, પર્યાવરણને અનુકૂળ, ઓછા સંચાલન ખર્ચ સાથે માલવાહક લોજિસ્ટિક્સ અને મુસાફરોના પરિવહન માટેની સુવિધા પૂરી પાડે છે. આગામી 10 વર્ષના લક્ષ્યાંક તરીકે, સરકારે 23 રાષ્ટ્રીય જળમાર્ગોના વિકાસને પ્રાધાન્ય આપ્યું છે, જેમાં પૂરતો ટ્રાફિક મળવાની નોંધપાત્ર સંભાવના છે. રાષ્ટ્રીય જળમાર્ગ 1 (ગંગા-ભગીરથી-હુગલી સિસ્ટમ) અને રાષ્ટ્રીય જળમાર્ગ 2 (બ્રહ્મપુત્રા નદી) ખૂબ મહત્વપૂર્ણ છે કારણ કે તેઓ પડોશી દેશોને ભારતના અંતરિયાળ ભાગ સાથે જોડે છે. આ જળમાર્ગોને જોડીને ઇસ્ટર્ન વૉટરવેઝ કનેક્ટિવિટી ટ્રાન્સપોર્ટ ગ્રીડ બનાવવાની યોજના છે, જે બાંગ્લાદેશ, ભૂટાન, મ્યાનમાર અને નેપાળ જેવા દેશો સાથે વાજબી ખર્ચે એક્ઝિમ સુવિધા પૂરી પાડશે.

વિઝન દસ્તાવેજના ભાગરૂપે ક્રુઝ ટૂરિઝમ જેવા ક્ષેત્રોમાં વિકાસ ક્ષમતાની (બંને નદી અને સમુદ્ર ક્રુઝ) પણ ઓળખ કરવામાં આવી છે. આ હેતુ માટે, સરકારે પહેલાથી જ બંદર શુલ્કનું તર્કસંગતકરણ, વિદેશી જહાજો માટે તટ વેપાર શુલ્કમાં (કેબોટાજ) રાહત , ઝડપી ઇમિગ્રેશન અને ક્રુઝ ટર્મિનલ્સના વિકાસ જેવા અનેક પગલા લીધા છે. આના વધુ વિકાસ માટે, સેક્ટર થીમ્સ-આધારિત દરિયાકાંઠા અને ટાપુ સર્કિટ્સની પ્રાધાન્યતાના આધારે ઓળખ કરવામાં આવી છે.

અંત: આ વિઝનનો હેતુ દેશની દરિયાઇ સ્થિતિ અને વૈશ્વિક બજારમાં ભારતીય સાગરખેડૂઓનો હિસ્સો વધારવાનો છે. દરિયાઇ વેપારમાં થયેલા વિકાસથી બંદરોની કામગીરી ક્ષમતાઓમાં ઉત્ક્રાંતિ થશે. તદનુસાર, ઉદ્યોગ અગ્રણીઓ સાથે ભાગીદારીમાં દરિયાઇ કુશળતા પર કેન્દ્રિત નવા તાલીમ કાર્યક્રમો શરૂ કરવામાં આવશે. આ પગલાં આપણા યુવાનો માટે નોકરીની ઘણી તકો ખોલશે.

આ વિઝન ભારતીય દરિયાઇ ક્ષેત્રને નવી ઊંચાઈ આપશે અને વિશ્વ કક્ષાના સ્તરે લઈ જશે જે ભારતને દરિયાઇ મહાસત્તા બનવવામાં સક્ષમ બનાવશે. દરિયાઇ ક્ષેત્રમાં વધારાની 20,00,000 થી વધુ નોકરીઓ સર્જાવાની સંભાવના છે, જે 5 ટ્રિલિયન ડોલર તરફ આગળ ધપી રહેલી આપણી અર્થવ્યવસ્થામાં નવા પ્રાણ ફૂંકશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap