ગોધરા: મહિનાઓથી જેની રાહ જોવાઈ રહી હતી, તેવી કોરોના વેકસીનેશન ડ્રાઈવનો સમગ્ર દેશમાં પ્રારંભ થવા સાથે પંચમહાલ જિલ્લામાં પણ ગોધરા, હાલોલ, કાલોલ અને શહેરા એમ કુલ ચાર કેન્દ્રો ખાતે ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સ એવા સ્વાસ્થ્યકર્મીઓને રસી આપવા સાથે રસીકરણ અભિયાનનો શુભારંભ થયો છે.
કોરોના સામેની જંગમાં સંક્રમણનું જોખમ વહોરીને સતત ફરજ બજાવનાર કુલ ૪૦૦ આરોગ્યકર્મીઓને રસી મુકવામાં આવી છે. જે પૈકી દરેક કેન્દ્ર પર ૧૦ લાભાર્થીઓને મહાનુભાવોની ઉપસ્થિતમાં જ નિર્દેશિત માર્ગદર્શિકાનું પાલન કરતા રસી આપવામાં આવી હતી.
ગોધરા ખાતે સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા ડૉ. પીનલ ગાંધી, આયુર્વેદિક એસોસિએશનના પ્રમુખ ડૉ. શ્યામસુંદર શર્મા, શહેરના જાણીતા ગાયનેકોલોજિસ્ટ ડૉ. સુજાત વલી સહિતના શહેર અને જિલ્લાના અગ્રગણ્ય તબીબો અને સ્વાસ્થ્ય કર્મચારીઓને શરૂઆતમાં રસી મુકવામાં આવી હતી. રસી મુક્યા બાદ તમામને ૩૦ મિનિટ સુધી ઓબ્ઝર્વેશન રૂમમાં બેસાડીને સંભવિત આડઅસર બાબત નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા હતા.
હાલના તબક્કે રસી લેનાર કોઈને આડઅસર થયેલ જણાઈ નહોતી. જિલ્લા કલેકટર અમિત અરોરાએ જિલ્લાના રસીકરણ કેન્દ્રોની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે પંચમહાલ જિલ્લાને પ્રથમ તબક્કામાં કોવિશિલ્ડ વેક્સિનના કુલ 11,320 ડોઝ ફાળવવામાં આવ્યા છે.
આ પ્રસંગે જિલ્લા કલેક્ટર અમિત અરોરા, જિલ્લા પોલીસ વડા ડો. લીના પાટીલ સહિતના વરિષ્ઠ અધિકારીઓ તેમજ એપીએમસીના ચેરમેન રાજુભાઈ ચૌહાણ સહિતના અગ્રણી નાગરિકો, નર્સિંગ કોલેજ તેમજ સિવિલ હોસ્પિટલનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.
