દિલ્હીની સિંઘુ બોર્ડર પર કૃષિ કાયદાઓની વિરૂદ્ધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતોને હટાવવાની માંગને લઈને શુક્રવારે સ્થાનિક લોકોએ હંગામો મચાવ્યો હતો. જે બાદ સ્થાનિક વિરોધીઓ અને ખેડૂતો વચ્ચે પથ્થરમારો થયો હતો. આ દરમિયાન અથડામણને રોકવા પોલીસે ટીયર ગેસ છોડ્યા અને લાઠીચાર્જ કર્યો હતો અને ભીડને ત્યાંથી હટાવી દીધી હતી. સિંઘુ બોર્ડર પર થયેલી આ હિંસક અથડામણમાં અલીપુરના એસએચઓ ઘાયલ થયા હતાં અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ, સ્થાનિક હોવાનો દાવો કરનારા 150થી વધુ લોકો શુક્રવારે સિંઘુ બોર્ડર પર સૂત્રોચ્ચાર કરવા પહોંચ્યા હતા અને સૂત્રોચ્ચાર કરી હંગામો મચાવવાનું શરૂ કર્યું હતું. કથિત સ્થાનિક પ્રદર્શનકારીઓએ માંગ કરી હતી કે સિંઘુ બોર્ડરને જલ્દીથી ખાલી કરાવવી જોઇએ. સાથે આ લોકો ‘ત્રિરંગાનું અપમાન, નહીં સહેગા હિન્દુસ્તાન’ જેવા સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા, ત્યારબાદ બંને જૂથોમાં ઘર્ષણ અને પથ્થરમારો શરૂ થયો હતો. આ દરમિયાન પોલીસે લાઠીચાર્જ કર્યો અને વિરોધીઓને રોકવાનો પ્રયાસ કર્યો. જેમાં અનેક લોકો ઘાયલ થયા હતા.
હાલમાં તણાવને ધ્યાનમાં રાખીને મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, પરંતુ હજી સુધી તે સ્પષ્ટ થઈ શક્યું નથી કે આટલા લોકો વિરોધ કરી રહેલા ખેડૂતોના તંબૂ સુધી કેમ પહોંચ્યા.
