૮મી માર્ચ આંતરરાષ્ટ્રિય મહિલા દિવસની ગાંધીનગરમાં મહાત્મા મંદિર પરિસરમાં અનોખી ઉજવણી

પ્રધાનમંત્રીની સંકલ્પનાનું નયા ભારત નિર્માણ અને આર્થિક મહાસત્તા ફાઇવ ટ્રિલીયન ડોલર ઇકોનોમીનું સપનું હરેક ક્ષેત્રે મહિલાશક્તિની સહભાગીતાથી જ સાકાર થશે:-મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી


 રાજ્યની આંગણવાડી કાર્યકર-તેડાગર બહેનોને હવે DBTથી માનદ વેતન-પગાર સીધુ જ બેંક ખાતામાં મળશે
 વ્હાલી દિકરી યોજના અન્વયે રાજ્ય સરકારે LIC સાથે MoU કર્યા – રૂ. રર કરોડનો ચેક LICને અર્પણ
 મહિલા સ્વાવલંબન યોજના-વ્હાલી દિકરી યોજનાના લાભાર્થીઓને ચેક વિતરણ
……
-: મુખ્યમંત્રી :-
 માતા-બહેનોમાં પડેલી આંતરનિહિત શક્તિ-સૂઝ-સામર્થ્યને રાજ્યના વિકાસમાં જોડી ગુજરાત ઉત્તમથી સર્વોત્તમ બનાવવું છે
 મહિલા સશક્તિકરણની ૮૬૭ જેટલી યોજનાઓ અને ૧૦૦ ટકા મહિલાલક્ષી ૧૮૯ જેટલી યોજનાઓ સહિત સમગ્રતયા જેન્ડર બજેટ અન્વયે આ વર્ષે રૂ. ૮૬૯ર.૬૩ કરોડનો વધારો કર્યો છે
………..
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સ્પષ્ટ મત વ્યકત કર્યો છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ સેવેલા નયા ભારતના નિર્માણના સપનાને ભારતને આર્થિક મહાસત્તા-ફાઇવ ટ્રિલીયન ડોલર ઇકોનોમી તરીકે પ્રસ્થાપિત કરીને પાર પાડવામાં નારી-માતૃશક્તિના હરેક ક્ષેત્રે યોગદાન અને સહભાગીતાથી જ સાકાર કરી શકાશે.
આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ કહ્યું કે દેશની જન સંખ્યાના અડધો અડધ એવી માતા-બહેનોમાં પડેલી આંતરનિહિત શક્તિ, સૂઝ અને સામર્થ્યને બહાર લાવી મહિલાઓને પણ સમાન અવસરથી નયા ભારતના નિર્માણમાં ગુજરાત સક્રિય યોગદાન આપશે.
૮મી માર્ચની આંતરરાષ્ટ્રિય મહિલા દિવસની ઉજવણીના ઉપલક્ષ્યમાં રાજ્ય સરકારના મહિલા-બાળ કલ્યાણ વિભાગ આયોજિત સમારોહના અધ્યક્ષસ્થાનેથી મુખ્યમંત્રી સંબોધન કરી રહ્યા હતા.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આ ઉજવણી અંતર્ગત ગુજરાત સરકારની આગવી પહેલ રૂપે રાજ્યની આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને માનદ વેતનની ચુકવણી DBT મારફતે સીધા જ બેંક ખાતામાં ચુકવવાની પારદર્શી પદ્ધતિનો પ્રારંભ કરાવ્યો હતો.
વિજયભાઇ રૂપાણીએ રાજ્યની આંગણવાડી તેડાગર બહેનોને હવે, પગારના નાણાં સીધા જ બેંક ખાતામાં જમા થવાની ગુજરાતની પહેલને પારદર્શી વ્યવસ્થા, ફેઇસ લેસ સિસ્ટમ અને વચેટિયા નાબૂદીની દિશામાં વધુ એક નક્કર કદમ ગણાવી હતી.
તેમણે કહ્યું કે, અમારી સરકાર સાફ નિયત અને નેક નીતિથી નિર્ણયો લઇને કોઇનેય કયાંય ભ્રષ્ટચારનો ભોગ બનવું ન પડે તેવી પ્રતિબદ્ધતાથી જન સેવારત છે.
મુખ્યમંત્રીએ વ્હાલી દિકરી યોજના અંતર્ગત દિકરીના જન્મ બાદ તેના અભ્યાસની ચિંતા સરકારે કરીને પહેલા ધોરણમાં પ્રવેશ વેળાએ રૂ. ૪ હજારથી શરૂ કરીને ૧૮ વર્ષની ઉંમરે ઉચ્ચશિક્ષણ-લગ્ન માટે કુલ મળીને ૧ લાખ રૂપિયા સરકાર વ્હાલી દિકરીઓને આપે છે તેનો ચિતાર આપ્યો હતો.
રાજ્ય સરકારે આ હેતુસર એલ.આઇ.સી.ને ફંડ મેનેજર તરીકેની જવાબદારી સોંપીને MoU કર્યા છે. આ વ્હાલી દિકરી યોજનાના અમલીકરણ અને સંચાલન એજન્સી તરીકે એલ.આઇ.સી. સાથે રાજ્ય સરકારના મહિલા બાળ વિકાસ વિભાગના થયેલા MoU અન્વયે રર કરોડ રૂપિયાનો ચેક એલ.આઇ.સી.ને અર્પણ કર્યો હતો.

મુખ્યમંત્રીએ મહિલા બાળકલ્યાણ મંત્રી ગણપતસિંહ વસાવા અને રાજ્યમંત્રી વિભાવરીબહેન દવેની ઉપસ્થિતીમાં જેન્ડર ડેશબોર્ડ અને વિભાગની યોજનાકીય માહિતીની ડિઝીટલ બૂકનું પણ લોંચીંગ કર્યુ હતું.
મહાનુભાવોએ આ પ્રસંગે મહિલા સ્વાવલંબન યોજનાના ચેક વિતરણ તેમજ વ્હાલી દિકરી યોજનાના લાભાર્થીઓને ચેક અર્પણ કર્યા હતા.
મુખ્યમંત્રીએ આપણી સંસ્કૃતિમાં નારી ગૌરવ-સન્માનની પરંપરા કોઇ એકાદ દિવસની ઉજવણી પુરતી નથી પરંતુ કાયમી છે અને સદા નારી ગૌરવ ઊજાગર કરનારી છે તેનો વિશેષ ઉલ્લેખ કર્યો હતો.
મુખ્યમંત્રીએ આના ઉદાહરણો ટાંકતા કહ્યું કે, હિન્દુ સંસ્કૃતિમાં માતૃશક્તિને દેવી સ્વરૂપે પૂજાય છે. એટલું જ નહિ, સીતા રામ, રાધા કૃષ્ણ, ઉમા મહેશ એમ દેવોની પૂજામાં પણ પ્રથમ નામ-સ્થાન દરજ્જો નારીશક્તિને અપાયો છે.

વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે, નારીશક્તિમાં આગવી શક્તિ, સામર્થ્ય અને સૂઝ આંતરનિહિત પડેલા જ હોય છે. ઘર-પરિવારનું મેનેજમેન્ટ અને બાળકોના ભરણ-પોષણ કરનારી માતા-બહેનો વગર સશકત સમાજની કલ્પના જ અશકય છે એમ જણાવતાં મુખ્યમંત્રીએ શિવાજીને જન્મ આપનારા માતા ઝિઝા બાઇ, કૃષ્ણનું લાલન-પાલન કરનારા માતા યશોદાના દ્રષ્ટાંતો ભાવસભર સમજાવ્યા હતા.
મુખ્યમંત્રીએ કહ્યું કે, હવેના સમયમાં નારી-મહિલાશક્તિના જોમ-જુસ્સા અને તેની શક્તિઓનો ઉપયોગ સમાજના સર્વગ્રાહી વિકાસ માટે થાય, બહેનો પણ જાહેર જીવનમાં, વહિવટમાં સક્રિય બની શકે તે માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇના નેતૃત્વમાં સરકારે પંચાયતો-સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં પ૦ ટકા અને સરકારી નોકરીમાં ૩૩ ટકા આરક્ષણ આપી મહિલાશક્તિને યોગ્ય તક-અવસર સન્માન આપ્યા છે.

વિજયભાઇ રૂપાણીએ એમ પણ જણાવ્યું કે, રાજ્યની દિકરીઓ કૂપોષિત ન રહે, તેને અભ્યાસના યોગ્ય અવસર મળે તે માટે રાજ્ય સરકારે મહીલા સશક્તિકરણની અનેક પહેલ હાથ ધરી છે.
વિધવા માતા-બહેનોને ઓશિયાળાપણું ન અનુભવવું પડે તે માટે ગંગાસ્વરૂપા જેવું સન્માનજનક નામ આપીને તેને મળતી સહાયમાં પણ વધારો કરી રૂ. ૧રપ૦ની સહાય અપાય છે તેની પણ તેમણે વિસ્તૃત વિગતો આપી હતી.
મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે ઉમેર્યુ કે, ગુજરાતમાં માતા-બહેનો-દિકરીઓની સલામતિ-સુરક્ષા માટે અભયમ 181 હેલ્પલાઇન, કુમળી દિકરીઓ-બહેનો સાથે દુષ્કર્મના કિસ્સામાં આરોપીને સખત કેદ અને ફાંસી સુધીની સજા, ફાસ્ટ ટ્રેક કોર્ટ દ્વારા કેસોની સુનાવણી અને ચેઇન સ્નેચરોને પણ કડક હાથે ડામી દેવાની પ્રતિબદ્ધતા સાથે રાજ્ય સરકાર કાર્યરત છે.
મુખ્યમંત્રીએ સમાજના ઊદ્યોગ, વેપાર, શિક્ષણ, આરોગ્ય, જાહેરજીવન સહિતના હરેક ક્ષેત્રે નારીશક્તિના સામર્થ્યને વધુ ઊજાગર કરી ગુજરાતને ઉત્તમથી સર્વોત્તમ બનાવવાની નેમ દર્શાવી હતી.

તેમણે મહિલાઓને સ્વાવલંબન માટે રોજગારી, ગૃહ ઊદ્યોગ અને વ્યવસાય માટે સહાય આપવા રાજ્ય સરકાર પડખે ઊભી છે. તેમ જણાવતાં કહ્યું કે, ગુજરાતમાં ‘નારી તું નારાયણી’ ચરિતાર્થ કરતાં અલાયદો મહિલા- બાળ કલ્યાણ વિભાગ અનેકવિધ મહિલા કલ્યાણ યોજનાઓ સાથે કાર્યરત છે. મુખ્યમંત્રી મહિલા સ્વાવલંબન યોજનાથી અનેક માતા-બહેનો અને સ્વસહાય જુથો, નાના વ્યવસાયો દ્વારા આર્થિક આધાર મેળવતા થયા છે તેમ તેમણે ઉમેર્યુ હતું.
આ વર્ષના બજેટમાં જેન્ડર બજેટ અન્વયે મહિલા સશક્તિકરણની વિવિધ યોજનાઓ અને ૧૦૦ ટકા મહિલાલક્ષી યોજનાઓ માટે સમગ્રતયા બેય કેટેગરીમાં ગત વર્ષની તુલનાએ રૂ. ૮૬૯ર.૬૩ કરોડનો વધારો કરવામાં આવ્યો છે એમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.
તેમણે આ યોજનાઓનો લાભ લઇ મહિલાશક્તિ રાજ્યની વિકાસ યાત્રામાં ખભેખભા મિલાવી સહભાગી બને તેવું પ્રેરક આહવાન કર્યું હતું.
મહિલા બાળ કલ્યાણ મંત્રી ગણપતસિંહ વસાવા અને રાજ્યમંત્રી શ્રીમતી વિભાવરીબહેન દવેએ પ્રાસંગિક સંબોધનમાં રાજ્ય સરકારની મહિલા કલ્યાણ યોજનાઓની વિસ્તૃત જાણકારી આપી હતી.

મહિલા બાળ કલ્યાણ સચિવ અને કમિશનર મનિષા ચંન્દ્રાએ પ્રારંભમાં સૌને આવકારી કાર્યક્રમની ભૂમિકા આપી હતી.
આ પ્રસંગે મહિલા આયોગ અધ્યક્ષા લીલાબહેન અંકોલીયા, ગાંધીનગરના મેયર રિટાબહેન પટેલ, કમિશનર ડૉ. રતન ચારણ ગઢવી, જિલ્લા વિકાસ અધિકારી શાલિની દૂહાન અને અગ્રણી મહિલાઓ, લાભાર્થી બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
સી.એમ-પીઆરઓ/અરૂણ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap