રવિ નિમાવત, મોરબી: હળવદના ગામડામાં એક લગ્ન પ્રસંગના વરઘોડામાં ફાયરિંગ કરતા હોવાનો વીડિયો વાયરલ થયો છે. જે વીડિયોમાં એક શખ્સ મહિલાઓના સમૂહમાં નાચતા નાચતા રાઈફલમાંથી ફાયરિંગ કરતો દેખાય છે.
બનાવની સુત્રોમાંથી મળતી વિગત મુજબ હળવદના ગ્રામ્ય વિસ્તારમાં લગ્ન પ્રસંગ યોજાયો હતો અને રાત્રીના લગ્ન પ્રસંગમાં વરઘોડો નીકળ્યો હતો. તે દરમ્યાન ફાયરિંગ થયાનો વીડિયો વાયરલ થયો છે. વાયરલ થયેલા વીડિયોમાં વરઘોડા દરમ્યાન ગીતની ધૂન પર સમૂહમાં મહિલાઓ નાચતા દેખાઈ છે. આ મહિલાઓના સમૂહમાં એક શખ્સ પહેલા રાઇફલ લઈને નાચતો દેખાય છે. ત્યારબાદ એક બાળક પણ રાઇફલ હાથમાં લઈને નાચતો દેખાઈ છે બાદમાં એ જ શખ્સ તેની પાસેથી રાઇફલ લઈને નાચતા નાચતા બે રાઉન્ડ ફાયરીગ કરતો જોવા મળે છે.
વધુમાં આ ઘટનાની જાણવા મળતી વિગતો અનુસાર લગ્ન પ્રસંગમાં ફાયરીગ કરનાર શખ્સ મૂળ ખોડ ગામનો હોવાનું જાણવા મળ્યું છે. આ શખ્સ હળવદના ટીકર ગામે રાષ્ટ્રીયકૃત બેકમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવે છે. તેના ભત્રીજાના વરઘોડામાં તેણે બેંકની રાઈફલમાંથી ફાયરીગ કર્યું હોવાનું મનાય છે. બનાવ અંગે હળવદ પી.આઈ. પી.એ.દેક્વાડીયાનો ટેલીફોનીક સંપર્ક કરતા જણાવ્યું હતું કે, વીડિયો વાયરલ થવાની વાત સામે આવી છે. જે બનાવ અંગે યોગ્ય તપાસ કર્યા બાદ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.
