ભરત સુંદેશા, બનાસકાંઠા: બનાસકાંઠાના દિયોદર તાલુકાના ગોધરા ગામ પાસેથી નર્મદા કેનાલમાંથી ગત 12 તારીખે કોથળામાંથી એક મહિલાની લાશ મળી આવી હતી. આ લાશ કાંકરેજ તાલુકાના ડુંગરાસણ ગામની પૂજાબેન ઠાકોર હોવાનું જાણવા મળ્યું હતું. બનાવને પગલે દિયોદર પોલીસે તરવૈયાઓની મદદથી કોથળાને બહાર કાઢ્યો હતો. જેમાં એક મહિલાના પગ બાંધી અને કોથળામાં પથ્થરો અને લાશને ભર્યા બાદ કોથળાને તારથી બંધ કરી દીધો હતો. હવે આ મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. બનાસકાંઠામાં મહિલાની લાશ મળવાના મામલે પોલીસે મહિલાના પ્રેમી સહિત 2ને ઝડપી પાડ્યા છે.
પોલીસે મહિલાની હત્યાના મામલે પ્રેમી સહિત બે લોકોની ધરપકડ કરી છે. મહિલાની હત્યા પ્રેમ પ્રકરણમાં પ્રેમીએ જ કરી હતી. અને હત્યા બાદ પ્રેમીએ પ્રેમિકા પૂજાબેન ઠાકોરની લાશ કોથળામાં બાંધીને ફેંકી દીધી હતી. પ્રેમી અને મૃતક પ્રેમિકા વચ્ચે કોઇ વાતને લઇ વિવાદ ચાલી રહ્યો હતો. જેથી પ્રેમીએ પ્રેમિકાની હત્યાનું કાવતરૂં રચી નાંખ્યું હતું અને આ માટે તેણે પોતાના મિત્રની પણ મદદ લીધી હતી.
હત્યા કરવા માટે પ્રેમીએ પ્રેમિકાને વાતોમાં લઇ મોબાઈલ આપવા ના બહાને બોલાવી હતી. અને પ્રેમિકા આવતા જ પ્રેમીએ પોતાની પ્રેમિકાની હત્યા કરી નાંખી હતી. બાદમાં આરોપીઓએ બનાસકાંઠાના દિયોદર તાલુકાના ગોધરા ગામ પાસેથી નર્મદા કેનાલમાંથી કોથળામાં ભરી લાશને ફેંકી દીધી હતી. લાશ કેનાલમાંથી બહાર ન આવે તે માટે કોથળામાં ઇટો પણ ભરી હતી.
