પંચમહાલ: જિલ્લાના હાલોલ તાલુકાના પાવાગઢ પાસે આવેલા છાજદિવાળી ગામના પાટીયા પાસે બે બાઈકો વચ્ચે અકસ્માત થતા ત્રણના કરૂણ મોત થયા છે.જ્યારે એક મહિલા અને બાળકીને સારવાર માટે વડોદરા ખસેડવામા આવ્યા છે.પોલીસે બનાવ સ્થળે પહોચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહીતી અનુસાર પાવાગઢ નજીક આવેલ છાજ દિવાળી ગામના પાટીયા પાસેના રોડ પર બે બાઇકો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમા વસંતભાઈ પરમારનું ઘટના સ્થળે જ મોત નિપજ્યુ હતું. બાઇક પાછળ બેઠેલા નરવતભાઈ બારીયાને ગંભીર ઇજાઓ પહોંચતા તેઓનુ સારવાર દરમ્યાન મોત નીપજ્યુ હતું. જ્યારે અન્ય સામેની બાઈક પર સવાર છોટાઉદેપુરના પરસિંગભાઈનું ઘટનાસ્થળે મોત થયુ હતું.
બાઇક પાછળ બેઠેલા મહિલા અને બાળકીને ગંભીર ઇજાઓ થતા સ્થાનિક હોસ્પિટલમા સારવાર બાદ વધુ સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા. જેમાં બન્નેની પણ હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. બનાવની જાણ થતાં પાવાગઢ પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. ત્રણના મોતને પગલે પંથકમા શોકનો માહોલ છવાયો છે.
