હિંમતનગર: સાબરકાંઠા જિલ્લામાં કોરોનાના કેસોની સંખ્યામાં થઈ રહેલા ચિંતાજનક વધારાથી અનેક તાલુકાઓમાં વેપારી એસોસીએશનોએ સ્વાયંભૂ બંધ પાડવાનો નિર્ણય કરીને તેનો અમલ કરી દીધો છે. ત્યારે જિલ્લામાં સૌથી વધુ કોરોનાના કેસો હિંમતનગર શહેર તથા તાલુકામાં નોધાયા છે. જેને લઈને મંગળવારે બપોર બાદ કેટલાક વેપારીઓ ભેગા થયા હતા. જ્યા તેમને કોરોનાના સંક્રમણને લઈને ચર્ચા કરી હતી. જોકે કોઈ અંતિમ નિષ્કર્ષ પર આવ્યા નથી. તેમ છતા આગામી દિવસોમાં હિંમતનગરમાં બજારોનો સમય ઘટાડવામાં આવે તેવી શક્યતા છે.
આ અંગે આધારભૂત સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ અત્યાર સુધીમાં જિલ્લામાં કોરોના પોઝેટીવના કુલ કેસોની સંખ્યા ૧૪૦૦ થી વધુ થઈ ગઈ છે. ત્યારે તેમાં સૌથી વધુ હિંમતનગર તાલુકામાં ૬૩૧ છે તે પૈકી શહેરી વિસ્તારમાં ૩૫૬ તથા ગ્રામ્ય વિસ્તારમાં ૨૦૫ છે અને હાલ ૪૦ કેસ એક્ટીવ છે. જેના પરથી એવુ લાગી રહ્યું છે કે, જિલ્લાના મુખ્ય મથક એવા હિંમતનગર શહેરમાં ગામડાઓમાંથી ખરીદી કરવા આવતા લોકોનો ધસારો વધુ હોય તે સ્વાભાવિક છે. જેના લીધે કોરોનાનું સંક્રમણ વધુ થઈ રહ્યુ છે. બજારોમાં ફરતા અનેક લોકો માસ્ક અને સેનેટાઈઝરનો ઉપયોગ કર્યા વિના જીવતા બોમ્બની જેમ ભમી રહ્યા છે.
જેથી ચિંતાતુર બનેલા અનેક વેપારીઓ પૈકી અગ્રણીઓએ મંગળવારે બપોર બાદ ટાવર રોડ પર આવેલ હિંમત હાઈસ્કૂલમાં એકત્ર થઈ આ ગંભીર મામલે ચર્ચા કરવામાં આવી હતી. જોકે તેઓ અંતિમ નિર્ણય પર આવ્યા ન હતા તેમ છતા અન્ય વેપારીઓ સાથે ચર્ચા કર્યા બાદ ફરીથી ભેગા થવાનું નક્કી કરાયુ છે. સૂત્રોના જણાવાયા મુજબ કોરોનાનું સંક્રમણ વધે તે પહેલા દિવાળીના તહેવારો દરમિયાન તંત્રએ કાર્યવાહી કરવાની જરૂર હતી. પરંતુ તે સમય વિતી ગયો છે. અને હાલ કોરોનાના કેસોની સંખ્યામાં થયેલો ચિંતાજનક વધારો તેના માટે કારણભૂત છે.
કેટલાક વેપારીઓનું માનવુ છે કે સંક્રમણને ઘટાડવા માટે તંત્ર તથા વેપારી એસોસીએશનો, દુકાનદારો અને સામાજીક સંઘઠનોએ પોતાની રીતે સરકારની ગાઈડ લાઈન મુજબ માસ્ક અને સેનેટાઈઝરના ઉપયોગ માટે લોકોને ટેવ પાડવી જોઈએ અને જરૂર પડે તો તંત્ર દ્વારા દંડનીય કાર્યવાહી કરવી જોઈએ.
