ભારતના મહાન ગણિતશાસ્ત્રી શ્રીનિવાસ રામાનુજનનો જન્મ 22 ડિસેમ્બર, 1887 ના રોજ થયો હતો અને તેથી તેમની જન્મજયંતિ રાષ્ટ્રીય ગણિત દિન તરીકે ઉજવવામાં આવે છે. તેમણે રીમેન શ્રેણી, લંબગોળ ઇન્ટિગ્રેલ્સ, હાયપરજેમેટ્રિક સિરીઝ, ઝેટા ફંક્શનના સમીકરણો અને ડાયવર્જન્ટ શ્રેણીનો સિદ્ધાંત જેવા અનેક ગાણિતિક સંશોધનો હાથ ધર્યા હતા.
ભારત એક સુવર્ણ વારસો ધરાવતી ભૂમિ છે. પ્રાચીન સાહિત્ય મુજબ, ભારતે “ઝીરો” અને “દશાંશ-પદ્ધતિ” ની શોધ વિશ્વને આપી છે. વૈદિક ગણિતની વિભાવના પણ પ્રાચીન લોકો દ્વારા લેવામાં આવી હતી, જેનો ઉપયોગ સમસ્યાઓ અને સંખ્યાત્મક ગણતરીઓને ખૂબ જ ઝડપથી હલ કરવા માટે વિશિષ્ટ તકનીકીઓથી કરી શકાય છે.
બાળકોમાં ગણિત વિષય પત્યેનો ભય દૂર કરવા માટે નવી પદ્ધતિઓ વિકસાવી વિદ્યાર્થીઓની રસ રુચિમાં વધારો કરી શકાય છે. રાષ્ટ્રીય ગણિત દિવસએ વિધાર્થીઓમાં ભારતીયો દ્વારા ગણિત ક્ષેત્રે પ્રદાન, મહાન ગણિતજ્ઞ શ્રીનિવાસન રામાનુજની સિદ્ધિઓ ઉજાગર કરવાનો શ્રેષ્ઠ અવસર છે.
ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી દ્વારા વિજ્ઞાન પ્રસાર, દિલ્હીના સંયુક્ત ઉપક્રમે 21 અને 22 ડિસેમ્બરના રોજ ઓનલાઇન વ્યાખાનનું આયોજન કરવામાં આવ્યું હતું. 22 ડિસેમ્બરના રોજ સ્પીકર ડો. ભાસ્કર કામ્બલે જોડાયા હતા. તેઓ આઈઆઈટી કાનપુરના ભૂતપૂર્વ વિદ્યાર્થી કે હાલ જેઓ જર્મનીમાં ડેટા સાયન્ટિસ્ટ તરીકે કાર્યરત છે. તેઓ હાલ ગણિત વિષય પર “હિન્દૂ મેથેમેટિક્સ” નામનું પુસ્તક લખી રહ્યા છે.
ડો ભાસ્કર કામ્બલે દ્વારા ભારતીય સંસ્કૃતિના પુરાણોમાં ગણિતનો ઉલ્લેખ તથા ઋષિમુનિઓ અને ગણિતજ્ઞો દ્વારા આ વિષય પર કરેલા સંશોધનો પર ચર્ચા કરવામાં આવી હતી. ડો. કામ્બલે દ્વારા આર્યભટ્ટથી માંડીને સમયાંતરે બધી સંસ્કૃતિઓના સમયગાળામાં ગણિતના ક્ષેત્રે થયેલા મહત્વનાં પ્રદાનને ઉજાગર કરવામાં આવ્યું.
ગણિત વિષય વ્યવહારુ જીવનમાં તથા અવકાશ વિજ્ઞાન, ભૌતિકશાસ્ત્ર, મેડિસિન અને અન્ય ક્ષેત્રોના સંશોધન સાથે કેવી રીતે સંકળાયેલું છે તથા અંકગણિત, બીજ ગણિત જેવા વિષયો પુરાણોમાં કેવી રીતે વેદિક ગણિત તરીકે વણાયેલા છે તે જણાવવામાં આવ્યું હતું. આ વેબિનાર ગુજકોસ્ટની યુટ્યુબ ચેનલ પર ઉપલોડ કરવામાં આવ્યો છે.
ગુજકોસ્ટ દ્વારા સ્થપાયેલા વિવિધ જિલ્લાઓના લોક વિજ્ઞાન કેન્દ્રો દ્વારા પણ આ દિવસ દરમ્યાન વિવિધ પ્રવૃતિઓ કરવામાં આવી હતી, જેમાં વ્યાખ્યાનો, કવીઝ, વેદિક ગણિતનો સમાવેશ થાય છે. બાળકો રસ પૂર્વક ગણિત વિષય શીખે તથા તેમની STEM કારકિર્દીમાં આ ઉપયોગી બને એવા આશયથી બાળકો શિક્ષકો એ પ્રવૃતિઓમાં ભાગ લીધો હતો.
