વિનય પરમાર,રાજકોટ: જેલમાં રખાયેલા સ્ટોન કિલર સહિત બે ઝનૂની કેદી વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા ડખામાં બન્ને કેદીએ પોતાની જાતને નુકશાન પહોંચાડવાનો પ્રયાસ કરતા બન્નેને પોલીસ જાપ્તા હેઠળ સિવીલ હોસ્પિટલમાં ખસેડાયા છે. ત્રણ ત્રણ હત્યા કરવાના ગુનામાં પકડાયેલા સ્ટોન કિલર હિતેષ દલપતરામ રામાવતે દવાના વધુ પડતા ટીકડા ખાઇ લીધા હતા. જ્યારે બ્લેક મેઇલીંગના ગુનામાં પકડાયેલા ભચાઉના ખૂંખાર અપરાધી હરિશ્ચંદ્રસિંહ બળવતંસિંહ વાઘેલા પણ સ્ટોન કિલર ત્રાસ આપતો હોવાના આરોપ સાથે દિવાલ સાથે માથા અફળાવીને પોતાને જ ઇજા કરી હતી. પોલીસે વિશેષ તપાસ શરૂ કરી છે.
પ્રાપ્ત વિગત મુજબ, સમલૈંગિક સંબંધો બાંધવાની લાલચ આપીને નિર્જન સ્થળે લઇ જઇ પથ્થરના ઘા ફટકારીને એક પછી એક ત્રણ હત્યા કરીને હાહાકાર મચાવી દેનાર સ્ટોન કિલર હિતેષ રામાવત લાંબા સમયથી જેલવાસ ભોગવી રહ્યો છે. સ્ટોન કિલર હિતેષ (ઉ.વ.૪૨)એ ગઇ કાલે રાતે જેલની બેરેકમાં દવાના વધુ પડતા ટિકડા ખાઇ લેતા તેની તબિયત લથડી હતી. આ સમયગાળામાં જ અન્ય એક કેદી હરિશ્ચંદ્રસિંહ વાઘેલા (ઉ.વ.૪૦,મૂળ ભચાઉ) એ પણ બેરેકમાં દિવાલ સાથે પોતાના માથા અફળાવતા તેને ઇજા થઇ હતી. બન્ને કેદીને સારવાર માટે લોખંડી જાપ્તા સાથે સિવીલ હોસ્પિટલના પ્રિઝનર વોર્ડમાં સારવાર માટે દાખલ કરાયા છે.
બેરેકમાં દિવાલ સાથે માથા અફળાવનાર હરિશ્ચંદ્રસિંહ વાઘેલાએ પોલીસને જણાવ્યા મુજબ, જેલમાં તેને સ્ટોન કિલર હિતેષ ત્રાસ આપતો હોવાથી તેની વિરૂધ્ધ જેલતંત્રને ફરિયાદ, અરજી કરવા માગતો હતો. પરંતુ અરજી નહીં કરી શકતા આવેશમાં આવીને પોતે દિવાલ સાથે માથા અફળાવ્યા હતા. આ બનાવ બાદ જેલ સત્તાધિશો કડક કાર્યવાહી કરશે એવા ડરથી સ્ટોન કિલર હિતેષે પણ તેની સારવારની દવા વધુ માત્રામાં ગળી જઇ આપઘાતની કોશિષ કરી (!) હોવાનો ખુલાસો રજૂ કર્યો હતો. જો કે સ્ટોન કિલરે પોતે વધુ પડતી માત્રામાં ટિકડા ખાઇ લેવા પાછળના કારણ અંગે મૌન સેવી લીધું છે.
હિંસક મનોવૃત્તિ ધરાવતા ઝનૂની કેદીએ જેલમાં એક જ સમયે પોતાની જાતને નુકશાન પહોંચાડવાની કરેલી હરકત પાછળ કોઇ કાવતરું હોવાની શક્યતા પણ જોવાઇ રહી છે. સિવીલ હોસ્પિટલમાં સારવાર હેઠળ રખાયેલા બન્ને આરોપી ઉપર કડક જાપ્તો ગોઠવી દેવાયો છે.
જેલમાંથી બહાર નિકળવાનો કારસો હોવાની ચર્ચા
રાજકોટ જેલમાં એક સાથે બે ખૂંખાર કેદીએ અલગ અલગ રીતે પોતાની જાતને નુકશાન પહોંચાડવાના કરેલા પ્રયાસ પાછળ બન્નેની મેલી મુરાદ હોવાની શંકા છે. એક ચર્ચા મુજબ લાંબા સમયથી જેલની ચાર દિવાલ વચ્ચે કેદ બન્ને આરોપીએ જેલની બહાર નિકળવા માટે રચેલા પૂર્વયોજીત કાવતરાના ભાગરુપે આવું કૃત્ય કર્યું હતું. જેથી બન્નેને સારવાર માટે સિવીલ હોસ્પિટલમાં દાખલ કરવા ફરજીયાત જેલમાંથી બહાર કાઢવા પડે. જો કે, જેલમાંથી બહાર નિકળવા પાછળનો હેતુ શું હોઇ શકે? એ તપાસ જરૂરી છે.
સ્ટોન કિલરે ૪ મર્ડર કર્યા છે, બીજા કેદી સામે પણ લૂંટ, બ્લેકમેઇલીંગના ૧૪ ગુના
સ્ટોન કિલર હિતેષ રામાવતે સમલૈંગિક સંબંધોની લાલચ આપીને ત્રણ હત્યા અને એક હત્યાનો પ્રયાસ કર્યો હતો. આ ગુનામાં પકડાયા પછી તેણે ૨૦૧૧ માં પણ મિત્રો સાથે એક મહિલાની હત્યા કર્યાની કબૂલાત આપી હતી. જ્યારે હરિશ્ચંદસિંહ મૂળ ભચાઉનો વતની છે. તેણે રાજકોટમાં રાજપૂત સમાજના એક મેસેન્જર ગ્રુપમાંથી પરિણિતાનો નંબર મેળવીને ફોટા વાયરલ કરી બદનામ કરવાની ધમકી આપીને રોકડા ૬ લાખ અને સ્વીફ્ટ કારની માગણી કરી હતી. તેમજ એક વખત રોકડા ૫૦ હજાર પડાવ્યા હતા. આ મામલે ફરિયાદ નોંધાતા ક્રાઇમ બ્રાંચે આરોપીની ધરપકડ કરી હતી. હરિશ્ચંદ્રસિંહ ઉર્ફે હરદિપસિંહ વાઘેલા લૂંટ, મારામારી સહિત ૧૪ ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે.
