‘પ્રેસ ડે’: કોરોના કાળમાં મીડિયાની ભૂમિકા અને મીડિયા પર તેની અસરો

પાર્થ મજેઠીયા, ભાવનગર:‘પ્રેસ ડે’ના ઉપક્રમે જિલ્લા માહિતી કચેરી, ભાવનગર અને પ્રેસ અકાદમી, ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે આજે એક વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. ‘કોવિડ કાળમાં મીડિયાની ભૂમિકા અને મીડિયા પર તેની અસરો’ પર તજજ્ઞ વક્તાઓ દ્વારા રસપ્રદ વાર્તાલાપ આ વેબિનારમાં કરવામાં આવ્યો હતો.

વર્ષઃ ૧૯૬૬માં પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની સ્થાપના થઈ હતી. તેની સ્થાપનાના ઉપલક્ષ્યમાં પ્રતિવર્ષ ‘પ્રેસ ડે’નું આયોજન દેશભરમાં કરવામાં આવે છે. પ્રતિવર્ષ સેમિનારનું આયોજન
કોઈ હોલ કે જાહેર જગ્યા પર પત્રકાર કે પત્રકારત્વના વિદ્યાર્થીઓને એક જગ્યા પર એકત્ર કરીને કરવામાં આવે છે. પરંતુ વર્તમાન કોરોનાની સ્થિતિમાં સોશિયલ ડીસ્ટન્સિંગ જળવાય તથા એકસાથે વધુ લોકોને સાંકળી શકાય તેવા ઉદ્દેશથી ટેક્નોલોજીના સમન્વયથી વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

ગાંધીનગર સિવિલના ડો. સેસિલ પરમાર કે જેમણે કોરોનામાં મેડિસિનના કોમ્બિનેશનનો પ્રયોગ કર્યો હતો તેમણે કહ્યું કે, કોરોના ફેફસાં, કીડની અને હાથ-પગની નસોને પણ નુકસાન કરે છે. ત્યારે લોકો કોરોનાને ગંભીતાથી લે તે જરૂરી છે. તેમણે કહ્યું કે, કોરોના ગંભીર છે, તેના કરતા લોકોની બેજવાબદારી કે બેજવાબદાર પૂર્વકાનું વલણ વધુ જવાબદાર છે. આવા વલણોને સુધારવાનું કે તેની કે તેને સકારાત્મક દિશામાં વાળવાનું કામ મીડિયા બખૂબી કરી શકે છે. લોકો પાસે સંસાધનોની માહિતી પહોંચે તો લોકોની માનસિક તાણમાં પણ ઘટાડો થશે.

તેમણે કહ્યું કે, કોરોના વિશેની સમજણ જેટલી લોકોમાં વધશે તેટલી જ તેની તિવ્રતા ઘટશે. ચેતતા નર સદા સુખીના ન્યાયે કોરોના બાબતે નિષ્કાળજી ભયંકર પરિણામ લાવી શકે છે.
તેમણે વેબિનારમાં પૂછાયેલાં માનસિક તાણ વિશેના પ્રશ્નના જવાબમાં કહ્યું કે, લોકોમાં જેટલી કોરોના વિશેની જાગૃતિ હશે તેટલો જ કોરોનાનો હાઉ ઓછો થશે અને તેની માનસિક તાણમાં પણ ઘટાડો થશે.

પ્રેસ અકાદમી, ગાંધીનગરના સચિવશ્રી અને માહિતી ખાતાના અધિક માહિતી નિયામકશ્રી પુલકભાઈ ત્રિવેદીએ‘પ્રેસ ડે’ની શુભકામના પાઠવતા વેબનારની શરૂઆત કરાવતાં જણાવ્યું કે, ‘પ્રેસ ડે’ની ઉજવણી પ્રેસની આઝાદી અને પ્રેસના ઉત્તરદાયિત્વને પ્રતિધ્વનિત કરે છે. તેમણે કહ્યું કે, કોરોનાથી સમગ્ર વિશ્વ પ્રભાવિત છે, તેનાથી મીડિયા પણ બાકાત નથી. મીડિયા સમાજને જાગૃત કરવાનું સશક્ત અને સબળ માધ્યમ છે, ત્યારે કોરોનાના આ સમયમાં મીડિયાની જવાબદારી વિશેષ વધી જાય છે.

જવાબદારીપૂર્વકના અખબારી લેખન વખતે જો જવાબદારી, જાણકારી, જીજ્ઞાશા, જહેમત અને જનૂનનું ધ્યાન રાખવામાં આવે તો લખાણની ગહનતા અને ઊંડાણ વધવા સાથે વાંચનની વિશાળતા પણ ચોક્કસ વધી જાય છે તેમ પાંચ ‘જ’નો મંત્ર આપતા તેમણે કહ્યું કે, પત્રકાર તરીકે સામાન્ય માણસ કરતા વધુ સજ્જતા, સમાજ માટેની સંવેદનશીલતા, ખંતથી મહેનત સાથેની વિશ્લેષણયુક્ત માહિતીથી લોકોને વધુ જાગૃત કરવા માટે પત્રકારોની કોરોનાના આ સમયગાળામાં ખૂબ જરૂર છે.

તેમણે ઉમેર્યું કે, કોરોના થાય તો શું કરવું? તેની સારવાર ક્યાં થઈ શકશે? વગેરે પ્રશ્નો વિશેની સ્ત્રોત સાથેની માહિતી સમાજ સમસ્ત સુધી પહોંચે તે માટે આધારભૂત માહિતી, જરૂરી ડેટા, સંદર્ભ અને ચાર્ટ સાથેની માહિતી સમાજને મળે તો તે ખૂબ ઉપયોગી બની શકે તેમ છે.

આ સમયગાળામાં પત્રકારત્વ જગત સાથે માહિતી ખાતાના કર્મયોગીઓએ પણ પોતાની જાતની પરવા કર્યા સિવાય જે કામથી કર્મયોગ કર્યો છે કે, તેની તેમણે સરાહના કરી હતી.
વરિષ્ઠ પત્રકાર ભાર્ગવ ત્રિવેદીએ કોરોનાના કાળમાં માહિતી ખાતા તરફથી કોરોના તથા કોરોનાની કાળજી માટે અઢળક સ્ટોરી થઈ છે. મીડિયાએ પણ તેના આધારે અનેક સ્ટોરી આગળ ધપાવી છે.

તેમણે ઉદાહરણ આપતાં કહ્યું કે, સિવિલના માનસિક સારવાર વિભાગની સ્ટોરીને પાંચ લાખ કરતાં વધુ હીટ મળી હતી. જે બતાવે છે કે સારી સ્ટોરીને લોકો રસપૂર્વક વાંચે છે અને તેની લોકો પર અસર હોય છે.

તેમણે બદલાઈ રહેલી તરાહ તથા વિદેશમાં તેના પર થઈ રહેલા સંસાધનોનો આપણાં દેશમાં કેવી રીતે સાયુજ્ય સાધીને ઉપયોગ થઇ શકે તે પ્રકારના સંશોધનાત્મક લેખોની અનિવાર્યતા તથા અગત્યતા વ્યક્ત કરી હતી. દુનિયામાં રિએક્ટ-૨, વાયરલ પ્રોટીન પર કામ થઈ રહ્યું છે. તો તેની સરળ ભાષામાં સમજૂતી આપતી સ્ટોરીથી લોકોના માનસિક પરિતાપ ઘટાડવામાં મદદ મળશે તેમ તેમણે જણાવ્યું હતું.

ગુજરાત વિદ્યાપીઠના પત્રકારત્વના વિભાગના અધ્યાપિકા શ્રીમતી પુનિતાબેન હર્ણેએ મુદ્રિત તથા ઇલેક્ટ્રોનિક માધ્યમોની હકારાત્મકતા, નકારાત્મકતા, વલણ વિશેની વિશદ ચર્ચા કરી માધ્યમોને માહિતીથી ભરી દેવા કરતા વિઝ્યુઅલ ઈફેક્ટથી વધુ સરળતાથી સમજૂત કરી શકાય છે તેની ઉપયોગીતા વર્ણવી હતી.

સાર્વજનિક કોલેજ મહેસાણાના એમ.એસ.ડબલ્યુ. વિભાગના અધ્યાપિકા શ્રીમતી ક્રાંતિબેન ત્રિવેદીએ મીડિયાના મિત્રો ‘વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન’ મીડિયા માટે જણાવેલી માર્ગદર્શિકાનું પાલન કરે અને પોતાને સુરક્ષિત રાખે છે તેની વર્તમાન સમયમાં ખૂબ જરૂર છે તેની અગત્યતા વર્ણવી લોકો સામાજિક અંતર જાળવે, ખોટી અફવાઓથી દૂર રહે તે જરૂરી છે તેમ જણાવ્યું હતું. દેશને બચાવવાના લોકડાઉન જેવાં ઉપાયોની અનિવાર્યતા વર્ણવી લોકો પણ સ્વયંભૂ તેનું પાલન કરે તે માટે મીડિયાની ખૂબ મોટી ભૂમિકા રહી છે તેમ તેમણે ઉમેર્યું હતું.

અમદાવાદના નાયબ માહિતી નિયામકશ્રી હિમાંશુભાઈ ઉપાધ્યાયે કોરોનાની વિભિષિકા તથા પોતે તેનાથી સંક્રમિત થયા પછી પોતાની હકારાત્મક માનસિકતા વિશે જણાવી ‘મને કંઈપણ થઈ શકે છે અને કોરોના થયાં પછી મને કંઈ નહીં થાય’ તે વચ્ચેની યાત્રા યાતના ન બની રહે તે માટે હકારાત્મક માનસિકતા ખૂબ જરૂરી છે તેના વિશે સમજણ આપી હતી.

પ્રાદેશિક કક્ષાના આ વેબિનારમાં પ્રાદેશિક માહિતી કચેરી, અમદાવાદના નિયંત્રણ હેઠળના મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા, બોટાદ, ભાવનગર, પાટણ સહિતના જિલ્લાના પત્રકારશ્રીઓ, પત્રકારત્વના વિદ્યાર્થીઓ તથા માહિતી ખાતાના અધિકારીઓ- કર્મચારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap