વિજયસિંહ સોલંકી,પંચમહાલ: દેશમાં ભલે ગુજરાત મોડેલની વાત થાય પણ આજે એવા પણ છેવાડા વિસ્તારો છે. જ્યા વિકાસ,ગતિશીલ ગુજરાત કે ગુજરાત મોડેલની ગતિ પહોંચી નથી. આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી શહેરા તાલુકા મહેલાણ ગામ ખાતે વિકાસકાર્યોના લોકાપર્ણ કાર્યક્રમમાં આવવાના છે. ત્યાથી નજીક આવેલા સીમલેટ બેટ ટાપુ પર રહેતા ગ્રામીણ વાસીઓ આજે પણ આઝાદી પછી પ્રાથમિક સુવિધા વીજળી રસ્તાથી વંચિત છે. તેમના ગામને પણ પ્રાથમિક સુવિધા આપવામાં આવે તેવી આશા સીએમ પાસેથી રાખી રહ્યાં છે.

પાનમ નદીની વચ્ચે પાણીથી ઘેરાયેલો સીમલેટ બેટ
શહેરા તાલુકામા છેવાડે આવેલુ મહેલાણ ગામ જેની પાસેથી પાનમ નદી પસાર થાય છે. જેની પર પાનમડેમ બાંધવામાં આવ્યો છે. મહેલાણ ગામ પાસે જે પાનમ નદી છે. જે પાનમડેમનો કેચમેન્ટ એરિયા છે. પાનમડેમ બનવાને કારણે ડુબાણમા વિસ્તારો ગયા. પણ આ સીમલેટ બેટ આજે પણ ગ્રામ્યવાસીઓ વસવાટ કરે છે. ચોમાસામા વરસાદને કારણે ચારેકોર પાણી જ દેખાય છે. આઝાદીના વર્ષો બાદ પણ ટાપુ પણ જીવન ગુજારતા લોકોને પ્રાથમિક સુવિધા ન મળતી હોય. તો વિકાસની થતી વાતો માત્ર કાગળ પર ચાલી રહી છે. એમ કહેવામા જરાય અતિશયોક્તિ નથી.

સીમલેટ ટાપુ પર વસતા લોકોનું જીવન
સીમલેટ ટાપુ ચોતરફ પાનમ નદીના પાણીથી ઘેરાયેલો છે. વધુમાં 50 થી વધુ ઘરો તેમજ 400થી વધુ લોકો વસવાટ કરે છે. તેમજ ખેતીવાડી અને પશુપાલન કરી જીવનનિવાર્હ કરે છે. અહીના લોકોને જીવન જરૂરિયાત વસ્તુઓની ખરીદી કરવા માટે શહેરા ખાતે પછી નજીકના ગામોમા આવેલી દૂકાનો પર જવુ પડતુ હોય છે. અહીં સીમલેટથી હલેસાવાળી નાવડીમા બેસીને મહેલાણ ગામને કિનારે ઉતરે છે. ત્યાથી અન્ય વાહનોમા બેસીને અન્ય સ્થળે જીવનજરુરિયાતની ચીજવસ્તુ લેવા જતા હોય છે.

આઝાદી બાદ પણ પ્રાથમિક સુવિધાઓથી વંચિત
મહેલાણ ગામથી નજીકના અંતરે આવેલા સીમલેટ ટાપુ પર રહેતા ગ્રામજનો વીજળી અને રસ્તા જેવી પ્રાથમિક સુવિધાથી વંચિત છે. વિકાસ ભલે ગુજરાતના છેવાડે સુધી પહોંચ્યો હોવાની વાતો થતી રહે છે. પણ અહી સીમલેટ ટાપુ ના ગ્રામજનો વિકાસની આજે પણ કાગડોળે રાહ જોઈ રહ્યા છે. પોતાની પ્રાથમિક સુવિધાઓને લઈને અહીના લોકોએ રજુઆત પણ કરી હોવાનુ જાણવા મળ્યુ છે.અહી રહેતા ગ્રામજનો પાસે પોતાની હલેસાવાળી નાવડી છે. આરોગ્યની સુવિધા પણ જરુરીયાત છે. કોઈ ગ્રામજન બીમાર હોય તે સમયે ભારે તકલીફ પડે છે.

સીમલેટના લોકો મતદાન કરી પોતાની ફરજ અદા કરે છે!
સીમલેટ ટાપુના લોકો પાસે મતદાનકાર્ડ સહિત દસ્તાવેજો છે. તેઓ ચુટણીઓમા મતદાન કરીને જાગૃત નાગરિક તરીકેની ફરજ નિભાવે છે. સીમલેટ ગામમા 242 જેટલા જાગૃત મતદારો છે. મતદાન કરવાનુ હોય તે દિવસે નાવડીમાં બેસીને મહેલાણ ગામના મતદાન મથક પર મતદાન કરવા આવે છે. ત્યારે સરકારે પણ પોતાની જવાબદારીના ભાગરૂપે આ સીમલેટ ટાપુના લોકોને પ્રાથમિક સુવિધા માટેની વ્યવસ્થા કરવી જોઈએ. તેવુ ગ્રામજનોનુ કહેવુ છે.

સીમલેટના ગ્રામજનોની સીએમ પાસે માંગ,અમને પણ સુવિધા આપો
આજે મુખ્યમંત્રી આવી રહ્યા છે. ત્યારે સીમલેટ ટાપુના લોકોની માંગ છે કે, અમારા ગામને પ્રાથમીક સુવિધા વીજળીની સુવિધા તેમજ જવા આવા માટે પુલ બનાવી આપવામા આવે.તેમજ અન્ય સૂવિધાઓ પણ આપવામા આવે.ત્યારે હવે સીમલેટ બેટના ગ્રામજનોની માંગ પુરી થાય છે કે નહી તે જોવુ રહ્યું છે.
