વિયન પરમાર, રાજકોટ: રાજકોટ તાલુકામાં સિંહ પરિવારે છેલ્લા દોઢેક મહિનાથી ધામા નાખ્યા છે. ત્યારે હવે લોધીકા તાલુકાના ઊંડ ખીજડીયા ગામે દીપડો જોવા મળતા સ્થાનિકોમાં ભય ફેલાયો છે. ગત મોડી રાતે લોધીકાના ઉંડ ખીજડિયામાં દીપડાએ વાડી વિસ્તારમાં લટાર મારી હતી એ અંગે સરપંચે પુષ્ટિ કરી છે. આ દીપડાએ 9 શ્વાનોનું મારણ કર્યું હોવાનું પણ ગ્રામજનોએ જણાવ્યું હતું. પરંતુ ઘટનાની જાણ થતા આરએફઓ ગાંગડિયા સહિતનો સ્ટાફ દોડી ગયો હતો. તેઓએ શ્વાનોનું મારણ નહીં થયું હોવાનું અને દીપડાના પગના નિશાન કે કોઈ પુરાવા નહિ મળ્યા હોવાનું જણાવ્યું છે. તેમ છતાં ખેડૂતોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
રાજકોટ જિલ્લામાં અને તાલુકામાં છેલ્લા દોઢેક મહિનાથી સિંહ પરિવાર જુદા-જુદા ગામોમાં પડાવ નાખી શિકાર કરી રહ્યો છે. ત્યારે આ પરિસ્થિતિ વચ્ચે લોધીકા તાલુકાના ઊંડ ખીજડીયા ગામે ગત રાત્રે નવેક વાગ્યા આસપાસ દીપડો રોજીયા માર્ગ પર જોવા મળ્યો હતો. જે વાતની પુષ્ટી સરપંચ અને ગ્રામજનોએ કરી છે.
સરપંચ મિલનભાઈએ એવું જણાવ્યું હતું કે મેટોડાથી નોકરી પુરી કરી પરત આવતા ગ્રામજનોએ રોજીયા માર્ગ ઉપર દીપડો જોતા તેનો વીડિયો ઉતારી મોકલાવ્યો હતો. સિંહોની લટાર વચ્ચે હવે દીપડાએ દેખા દેતા સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ઘટનાની જાણ થતા તુરંત જ વનવિભાગના આરએફઓ વી જે ગાંગડિયા સહિતનો સ્ટાફ દોડી ગયો હતો.
પ્રાથમિક તપાસમાં દીપડાએ 6 જેટલા શ્વાનોનું મારણ કર્યું હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું પરંતુ તેવા કોઈ પુરાવા મળ્યા ન હતા. તેમજ જે દિશામાં દીપડો જોવા મળ્યો હતો ત્યાં તપાસ કરતા ત્યાં પણ દીપડાના પંજાના નિશાન કે તેવા કોઈ પુરાવા મળ્યા ન હતા તેવું આરએફઓ ગાંગડિયાએ જણાવ્યું છે.
