રવિ નિમાવત, મોરબી: ગુજરાતમાં આમ તો દારૂબંધી છે. જો કે સૌ જાણે છે કે ગુજરાતમાં કેટલો દારૂ વેચાણ છે અને કેટલો દારૂ પીવાય છે. આ દારૂની બદી ડામવામાં પોલીસ નિષ્ફળ રહી છે. એટલું જ નહિ હવે અન્ય નશીલા દ્રવ્યો જેવા કે ગાંજો, બ્રાઉન સુગરનું વેચાણ પણ થતું હોય યુવાનો બરબાદી તરફ ધકેલાઈ રહયા છે. મોરબીમાં આવા નશીલા દ્રવ્યોના સેવનથી એક દીકરો બરબાદ થયો ત્યારે માતાએ ડીજીપીને પત્ર લખી ગુહાર લગાવી છે કે, મારો દીકરો તો બરબાદ થયો અન્યના દીકરા બરબાદ ના થાય તેવી કાર્યવાહી કરજો સાહેબ.
મોરબીના ન્યુ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા પ્રભાબેન નાગજીભાઈ જાદવે રાજ્યના ડીજીપીને પત્ર લખી જણાવ્યું છે કે, મોરબી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ગાંજો, ચરસ, બ્રાઉનસુગર, દારૂનું બેફામ વેચાણ થતું હોય જે દુષણનો ભોગ તેનો પુત્ર બન્યો છે. નશીલા દ્રવ્યોનું સેવન કરી ઘરમાં મારકૂટ અને તોડફોડ કરે છે. નશીલા દ્રવ્યોથી અનેક પરિવારો અને યુવાનો બરબાદ થયા છે. અરજદારે વધુમાં જણાવ્યું છે કે, આવા દુષણનો ભોગ બનેલ તેના પુત્રની ફરિયાદ એસપી કંટ્રોલ રૂમમાં થયેલ અને બી ડીવીઝન પોલીસ આવી હતી. જોકે કોઈ કાર્યવાહી કરાઈ નથી આવા દુષણને ડામવા પોલીસ કેમ નક્કર કાર્યવાહી કરતી નથી. જો આગામી દિવસોમાં નશીલા દ્રવ્યોનું વેચાણ બંધ ના થાય તો અનેક પરિવારોના યુવાનોને બરબાદ થતા નહિ અટકાવવામાં આવે તો આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
જો કે ગુજરાતમાં દારૂબંધી પણ માત્ર કાગળ પર જોવા મળે છે. ત્યારે દારૂ ઉપરાંત હવે યુવાધનને બરબાદી તરફ લઇ જનાર આવા નશીલા દ્રવ્યો પણ મોરબીમાં વેચાઈ રહ્યા છે અને યુવાનો બરબાદ થઇ રહ્યા છે. ત્યારે પોલીસે ખરેખર ગંભીરતા દાખવવી જોઈએ.
