વિનય પરમાર,રાજકોટ: રાજકોટ ખાતે નિર્માણ પામનાર રાજ્યની પ્રથમ એઈમ્સનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ડિઝિટલ ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું જે કાર્યક્રમમાં મુખ્યમંત્રી ઉપસ્થિત રહ્યા હતા. રાજકોટ ખાતે નિર્માણ પામનાર રાજકોટની એઈમ્સ અદ્યતન સુવિધા સભર હશે અને શ્રેષ્ઠ તબીબોનું નિર્માણ કરશે સાથે સાથે મેડિકલ ટૂરિઝમનું હબ બનશે તેમ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું.
આરોગ્ય ક્ષેત્રે અદ્યતન સવલતો આપવાના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના દૂરંદેશી આયોજનના ભાગરૂપે દેશભરમાં અમલી બનાવાયેલી વિવિધ આરોગ્યલક્ષી યોજનાઓની ટૂંકી વિગતો મુખ્યમંત્રીએ તેમના વક્તવ્યમાં વણી લીધી હતી. પ્રત્યેક જિલ્લાદીઠ એક મેડિકલ કોલેજ સ્થાપવાનો રાજયસરકારનો આશય સ્પષ્ટ કરતાં મુખ્યમંત્રીએ રાજયભરમાં સ્થપાયેલી વિવિધ યુનિવર્સિટીઓ અને ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓની આંકડાકીય વિગતો ટાંકી હતી. એઇમ્સ એ રાજયના આરોગ્યક્ષેત્રની સુવિધાઓ ક્ષેત્રની યશકલગી સાબિત થશે, તેવી અપેક્ષા ઉચ્ચારી હતી.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનું સ્વાગત કર્યું હતું અને સ્વાગત પ્રવચનનું પઠન કર્યું હતું. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું હતું કે, આઝાદીના 70 વર્ષો સુધી ગુજરાતને એઇમ્સવિહીન રાખવાના અન્યાયને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ રાજકોટને એઇમ્સ ફાળવીને દૂર કર્યો છે, જેનો લાભ ગુજરાતની જનતાને મળશે. એઇમ્સમાં સુપર સ્પેશીયાલિસ્ટ સારવાર ઉપલબ્ધ બનશે, અને અહીંના નાગરિકોને ઘરઆંગણે આરોગ્યની ઉચ્ચ સવલતો મળી રહેશે.
આમંત્રિતોના હસ્તે દિપપ્રાગટ્યથી કાર્યક્રમનો શુભારંભ થયો હતો. અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાનના અધ્યક્ષ ડો.પી.કે.દવેએ વર્ચ્યુઅલ સ્વાગત પ્રવચનમાં રાજકોટ ખાતે સ્થપાનારી એઇમ્સ ચિકિત્સા અને તબીબી શિક્ષણ ક્ષેત્રે સીમાચિહ્નરૂપ સાબિત થશે, તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો. સાંસદ મોહનભાઇ કુંડારિયાએ પ્રાસંગિક પ્રવચનમાં રાજકોટ ખાતે સાકાર થનારી દેશની 21મી એઇમ્સના શિલાન્યાસ બદલ વડાપ્રધાન અને મુખ્યમંત્રી પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો, અને આ સંસ્થા ગુજરાતભરમાં આરોગ્યનું ધામ બનશે, તેઓ આશાવાદ વ્યક્ત કર્યો હતો.

આમંત્રિતોએ કાર્યક્રમ સ્થળે આવતાં પહેલાં એઇમ્સના ત્રિપરિમાણીય મોડેલનું નિદર્શન નિહાળ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ રીમોટ કંટ્રોલથી રાજકોટ ખાતે આકાર લેનારી અખિલ ભારતીયઆયુર્વિજ્ઞાન સંસ્થાનનું ઇ-ખાતમુહૂર્ત કર્યું હતું. આ પ્રસંગે રાજયની આરોગ્ય વિભાગની કામગીરી અને એઇમ્સ હોસ્પિટલના નિર્માણને દર્શાવતી ડોકયુમેન્ટ્રીનું પ્રસારણ કરાયું હતું.
આ પ્રસંગે મુખ્ય સચિવ અનિલ મુકીમ, આરોગ્ય સચિવ ડો. જયંતી રવિ, વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી, સંસદસભ્ય સી.આર.પાટીલ અનેપુનમબેન માડમ, કલેકટર રેમ્યા મોહન, પોલિસ કમિશ્નર મનોજ અગ્રવાલ, ગ્રામ્ય પોલિસ અધિક્ષક બલરામ મીના, જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવસીયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે.કે.પટેલ, જિલ્લા પુરવઠા અધિકારી પુજા બાવડા, પ્રાંત અધિકારી વીરેન્દ્ર દેસાઇ, અગ્રણી નીતિનભાઇ ભારદ્વાજ, શહેર ભા.જ.પ.પ્રમુખ કમલેશ મિરાણી, ડો. અમી યાજ્ઞિક, તબીબી વિદ્યાશાખાના છાત્રો વગેરે ઉપસ્થિત રહયા હતા.
પોલ્યૂશન કંટ્રોલ સીસ્ટમ આધારિત ગ્રીન બિલ્ડીંગની રચના કરાશે
હાલ સમગ્ર વિશ્વ જયારે પર્યાવરણને લઈને ચિંતિત છે ત્યારે રાજકોટ ખાતે 1.51 લાખ સ્કેવર મીટરમાં એઇમ્સના વિવિધ ભવનોના નિર્માણ થનાર છે. આ ભવનો પોલ્યૂશન કંટ્રોલ સિસ્ટમ આધારિત ગ્રીન બિલ્ડીંગના નિયમો અને ૠછઈંઇંઅ અને ઊ.ઙ.ઈં સ્ટાન્ડર્ડ મુજબ ઇકો ફ્રેન્ડલી બનશે, તેમ એઇમ્સના ડેપ્યુટી ડિરેક્ટર શ્રમદીપ સિંહાએ જણાવ્યું છે.
એઇમ્સના આ ભવનોમાં વિશાળ સંખ્યામાં રૂમ બનવાના છે, આ તમામ રૂમમાં કુદરતી સૂર્યપ્રકાશનો મહત્તમ લાભ મળે તેમજ ઉજાસ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ બને તે રીતે તૈયાર કરવામાં આવશે. સમગ્ર બિલ્ડિંગમાં ઇકો ફ્રેન્ડલી અને પાવર સેવિંગ ઇન્સ્ટ્રુમેન્ટનો વપરાશ કરાશે. સૂર્યના તાપની અસર નહિવત થાય તે પ્રકારની બિલ્ડીંગની દીવાલ અને છતમાં મટીરીયલ વપરાશે. રાત્રી પ્રકાશ માટે કાર્બનનું પ્રમાણ નહિવત રહે તે માટે એનર્જી સેવિંગ સી.એફ.એલ અને એલ.ઇ.ડી. લેમ્પ નો મહત્તમ વપરાશ કરાશે.
આ ઉપરાંત સૂર્યપ્રકાશ આધારિત પાણી ગરમ કરવાની વ્યવસ્થા, ઓઈલ બેઝ ટ્રાસનફોમ્ર્સ અને કેપેસિટર બેન્કનો ઉપયોગ, એર કન્ડિશનની હિટ ન્યુનતમ ઉભી થાય તે પ્રકારે વ્યવસ્થા ઉભી કરવામાં આવશે, તેમ સિંહાએ જણાવ્યું છે.
આ ઉપરાંત પાણીની વિપુલ પ્રમાણમાં જરૂરિયાતને પહોંચી વળવા ખાસ આયોજન કરવામાં આવશે, જેમાં વરસાદી પાણીનો સંગ્રહ માટે રેતીનું તેમજ ઘાસનું ફ્લોરિંગ, પાણીના પુન: વપરાશ માટે દુષિત પાણીનું રીસાયક્લિંગ સહિતની આધુનિક વ્યવસ્થા અહીં ઉપલબ્ધ કરાશે.
વાતાવરણમાં પ્રદુષણ ઉત્પન્ન કરતા કાર્બન ડાયોક્સાઇડ અને અન્ય ઘટકોનું ન્યુનતમ ઉત્સર્જન થાય તેમજ કાર્બન, હાઇડ્રોજન, ક્લોરીન ગેસનું શમન થાય તે પ્રકારે સીસ્ટમ ગોઠવાશે, તેમ શ્રમદીપ સિંહાએ વધુ માહિતી આપતા ઉમેર્યું હતું.
750 બેડની વ્યવસ્થા ઉપલબ્ધ
એઇમ્સ હોસ્પિટલના સ્પેશિયાલિટી વિભાગમાં 120 બેડ રહેશે, જેમાં જનરલ સર્જરીના 60 બેડ, ઓર્થોપેડિકસના 30, આંખના વિભાગના 15, નાકની સારવાર માટે 15 બેડ ઉપલબ્ધ રહેશે. મેડિસિન વિભાગમાં 165 બેડની વ્યવસ્થા રહેશે, જે પૈકી જનરલ મેડિસિનના 60, બાળકોના 60, ચામડીના રોગ માટે 15 તેમજ મનોચિકિત્સક વિભાગમાં 30 બેડની અને ગાયનેક વિભાગમાં 75 બેડની સુવિધા ઉપલબ્ધ થશે.
સુપર સ્પેશિયાલિટી વિભાગમાં કાર્ડિયોલોજી, ગેસ્ટ્રોલોજી, નેફ્રોલોજી, યુરોલોજી, ન્યુરોલોજી, બર્ન્સ તેમજ પ્લાસ્ટિક સર્જરી, બાળકોની સર્જરી, ઓન્કોલોજીના વિભાગની કુલ 215 બેડની વ્યવસ્થા આ વિભાગોમાં રહેશે.
આ ઉપરાંત ઇન્ટેન્સિવ કેર અને ક્રિટિકલ યુનિટમાં 75 બેડ તેમજ ટ્રોમા, આયુષ, પી.એમ.આર તેમજ અન્ય પેઈડ બેડ મળી કુલ 750 બેડની સવલત સાથે દર્દીઓને સારવાર સેવા ઉપલબ્ધ કરાશે તેમ એઇમ્સના ડેપ્યુટી ડાયરેક્ટર શ્રમદીપ સિંહાએ જણાવ્યું છે.
અભયભાઈના અવસાનથી મે મારા સારા મિત્ર ગુમાવ્યા : મોદી
એઈમ્સના ઈ-ખાતમુર્હૂત પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજકોટના પનોતાપુત્ર અને રાજ્યસભાના સાંસદસભ્ય સ્વ.અભયભાઈ ભારદ્વાજને યાદ કરતા જણાવ્યું હતું કે મે મારા સારાા મિત્ર ગુમાવ્યા છે. આ પ્રસંગે તેમનું સ્મરણ થવુ સ્વભાવિક છે તેમ કહી શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી.
ટેકનીકલ ખામી સર્જતા કેન્દ્રિય આરોગ્યમંત્ર હોઠ ફફડાવતા રહ્યા
વડાપ્રધાનના હસ્તે આજે રાજકોટ એઈમ્સનું ડિઝિટલ ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. જે સમારોહમાં કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રાલયના કેન્દ્રિય મંત્રી ડો.હર્ષવર્ધન રાઠોડ ઓનલાઈન જોડાયા હતા. જ્યારે કેન્દ્રિય મંત્રીના ઉદ્બોધનના સમયે સીસ્ટમમાં ટેકનીકલ ખામી સર્જાતા સાઉન્ડનો અવાજ નહીં આવતા કેન્દ્રિય મંત્રી માત્ર હોઠ ફફડાવતા રહ્યા હતા અને ઉદ્બોધનનો સમય પૂર્ણ થતા કાર્યક્રમ આગળ વધારવો પડ્યો હતો.
એઈમ્સનો ઉદેશ્ય શ્રેષ્ઠ તબીબની ટીમ તૈયાર કરી આધુનિક સારવાર આપવાનો
એઇમ્સ સંસ્થા સંપૂર્ણ સ્વાયત્ત છે, જેના સંચાલન માટેની સંપૂર્ણ સ્વતંત્રતા કમિટીને સુપ્રત કરવામાં આવેલ છે. કેન્દ્ર સરકાર દ્વારા માત્ર ફંડિંગ પૂરું પાડવામાં આવે છે. સંસ્થા ખાસ “એઇમ્સ એક્ટ મુજબ કાર્ય કરે છે. રાજકોટ ખાતે સ્થપાનાર એઇમ્સનું રૂ. 1200 કરોડના ખર્ચે નિર્માણ થવા જઈ રહ્યું છે, ત્યારે દર્દીઓ તેમજ તબીબી વિદ્યા શાખાના વિદ્યાર્થીઓને અનેક ફાયદા થશે, તેમ એઇમ્સના ડેપ્યુટી ડાયરેક્ટર શ્રમદીપ સિંહા જણાવે છે.
એઇમ્સનો મુખ્ય ઉદેશ્ય શ્રેષ્ઠ ડોક્ટર્સની ટીમ દ્વારા આધુનિક સારવાર ન્યુનતમ દરે પુરી પાડવાનો છે. જેના માટે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઉચ્ચતમ આધુનિક સાધનોની સવલત પુરી પાડવામાં આવે છે.
ધો.12 પછી “નીટ ટેસ્ટના ટોચના વિદ્યાર્થીઓ એઇમ્સમાં દાખલ થતા હોય છે. વિદ્યાર્થીઓને સંશોધન આધારિત આધુનિક શિક્ષણ આપવામાં આવે છે. કોર્સ તેમજ વિષયની પસંદગી સમયાંતરે બદલવામાં આવે છે. પ્રેક્ટિકલ શિક્ષણ પણ એઇમ્સ હોસ્પિટલ ખાતે જ પૂરું પાડવામાં આવે છે. સંસ્થા નાણાકીય રીતે સ્વતંત્ર હોઈ ખર્ચની બાબતમાં કોઈ બાંધછોડ ન કરવામાં આવતી હોવાથી ઉચ્ચ કક્ષાનું શિક્ષણ તેમજ સારવાર દર્દીઓને પુરી પાડવામાં આવે છે.
કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો લાભ દર્દીઓને પૂરો પાડવામાં આવે છે. એઇમ્સ ખાતે સરકાર દ્વારા નિર્ધારિત દવાની દુકાન અમૃત સ્ટોર પણ ઉપલબ્ધ હોય છે, અહીં જેનેરિક દવા, સ્ટેન્ટ કિફાયતી દરે મળી રહેતા હોવાથી દર્દીઓની સારવારમાં ખાસ્સો ખર્ચ બચી જાય છે.
રાજકોટ ખાતે એઇમ્સ આવવાથી સમગ્ર ગુજરાતના ગંભીર દર્દીઓને સારવાર માટે અન્ય જગ્યાએ જવું નહીં પડે, તેમ સિંહાએ જણાવ્યું છે.
રાજકોટ એઇમ્સ માટે નીમાયેલ કમિટીમાં ગવર્નિંગ બોડીના ચેરમેન તરીકે ડો. પ્રદીપ દવે, ફાયનાન્સ કમિટીના ચેરમેન આરોગ્યને પરિવાર કલ્યાણ વિભાગના સચિવ રાજેશ ભૂષણ, સિલેક્શન કમિટીના ચેરમેન ડો. વી.કે. ગૌતમ, એકેડમિક કમિટીના ચેરમેન ડો. રાકેશ ખોછર સેવા આપશે.
