ગુજરાત ટ્રેડર્સ ફેડરેશન તરફથી કોરોના વેક્સિનને લઈને રાજ્ય સરકારને કરી આવી વિનંતી

અમદાવાદ: સૌ પ્રથમ ગુજરાત ટ્રેડર્સ ફેડરેશન તરફથી કોરોનાની વેક્સિન મૂકવાની અંગે સીએમ રૂપાણીને એક પત્ર લખ્યો છે, આ પત્રમાં તેઓએ લખ્યું છે કે, કોરોના મહામારીને નાથવા અને તેમાં સપડાયેલા લોકોને યોગ્ય સારવાર આપવા માટે ગુજરાત સરકારે કોવિડ ટેસ્ટ સેન્ટર શરૂ કરવાથી માંડીને હોસ્પિટલોમાં સારવારના ભાવ નિશ્ચિત કરવા સુધીના જે પગલા ભર્યા છે તે ખરેખર સરાહનીય છે. રાજયભરના વેપારીઓનું પ્રતિનિધિત્વ કરતી અમારી સંસ્થાને આશા છે કે, વેક્સિનના મોરચે પણ ગુજરાત આખા દેશમાં ઉત્તમ ઉદાહરણરૂપ બની રહેશે.

વેક્સિન આપવામાં મોટી ઉંમરના વડીલો, કો-મોબિડિટી ધરાવતા દર્દીઓ તથા કોરોના વોરિયર્સ જેવા કે ડોક્ટર્સ, પેરામેડિક્સ, પોલીસકર્મી અને સફાઈકર્મીઓને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે તે ખરેખર સરાહનીય છે. જો કે કોરોના લોકડાઉનના કપરા સમયમાં લોકોને જીવન જરૂરિયાતની ચીજો મળતી રહે તે માટે પોતાનો જીવ જોખમમાં મૂકીને પણ કામ કરનારા વેપારીઓ-રિટેલરોને આ યાદીમાંથી બાકાત રખાયા છે.
ઉલ્લેખનીય છે કે લોકડાઉનના સમયમાં અનાજ, શાકભાજી-ફૂટ, દૂધ, દવાનો સહિતની જીવન જરૂરિયાતની ચીજોની અછત ન સર્જાય તે માટે અનેક વેપારીઓએ પોતાના અને પોતાના પરિવારના સભ્યોના જીવ જોખમમાં મૂકીને પણ દુકાનો ચાલુ રાખી હતી. વેપારીઓના પ્રતિનિધિ તરીકે અમે આપને આવા વેપારીઓને પણ કોરોના વોરિયર્સ ગણીને તેમને રસી માટે પ્રાયોરિટી લિસ્ટમાં મૂકવા વિનંતી કરીએ છીએ.

સંસર્ગથી ફેલાતી કોરોના જેવી બીમારીનો ચેપ લાગવાની સૌથી વધુ શકયતા વેપારીઓને પણ રહેલી છે કારણ કે તેઓ દિવસમાં સેંકડો ગ્રાહકોના સંપર્કમાં આવે છે, ચીજો તથા રોકડની આપ-લે કરે છે. વેપારીઓને રસીમાં પ્રાધાન્ય આપવાથી તેમને તો કોવિડ-૧૯ સામે રક્ષા મળશે જ, પણ સાથોસાથ વેપારીઓ મારફતે તેમની દુકાને આવનારા ગ્રાહકો કે અન્ય લોકોને ચેપ ફેલાવવાનો ભય પણ ઓછો થઈ જશે.

આ કારણે આ મહામારી વધુ ઝડપથી કાબુમાં લાવી શકાશે, આ ઉપરાંત મહામારી ચરમસીમાએ હતી. ત્યારે પણ ગુજરાતના અને દેશના લાખો વેપારીઓએ જે કર્તવ્યનિષ્ઠા દાખવી છે તે માટે સરકારે તેમને કોરોના વોરિયર્સની યાદીમાં શામેલ કરવા જ જોઈએ.

અમને અપેક્ષા છે કે કોરોનાની મહામારીમાં વેપારીઓએ સરકારની ગાઈડલાઈન મુજબ લોકો સુધી જીવન જરૂરિયાતની ચીજો પહોંચાડવા જે કવાયત કરી છે તેનું મૂલ્ય ગુજરાત સરકાર ઓછુ તો નહિ જ આંકે અને અમારી રજૂઆત પર ગંભીરતાપૂર્વક વિચાર કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap