નથુ રામડા,જામનગર: સહિત રાજ્યભરમાં મોટાભાગની સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની મુદત પૂર્ણ થતા હાલ વહીવટદાર સાસન લાગુ પડી ગયું છે. જામનગર મહાનગરપાલિકામાં પણ વહીવટદાર તરીકે કમિશ્નરને સતા સોંપાઈ છે. બીજી તરફ ટર્મ પૂરી થતા પદાધિકારીઓને મળેલ સરકારી સવલત પરત લઇ લેવામાં આવી છે. સરકારી કાર જમા લઇ લેવામાં આવતા ગઈ કાલ સુધી મેયર રહેલા પૂર્વ મેયર આજે સાયકલ લઇ કચેરી પહોચ્યા હતા.
જામનગર મહાનગર પાલિકાની ટર્મ પૂરી થઇ ગયા બાદ ચૂંટણીનું બ્યુગલ વાગી ચુક્યું છે. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા મતદાન પ્રક્રિયાને લઈને કાર્યવાહીનો ધમધમાટ શરુ કરી દીધો છે. તંત્ર દ્વારા પદાધિકારીઓને આપેલ સરકારી સવલતો પરત લેવા કાયવાહી કરી છે. આજે જામનગર મહાનગરપાલિકાના પદાધિકારીઓના સરકારી વાહનો કબજે લેવામાં આવ્યા છે.
લાખેણી કાર કબ્જે કરી લેવામાં આવતા આજે પૂર્વ બની ગયેલ મેયર હસમુખ જેઠવા ફરી મેદાનમાં આવી ગયા છે. કાર ચાલી જતા પૂર્વ મેયર આજે પોતાની સાયકલ લઇ મહાનગરપાલિકા કચેરીએ પહોચ્યા હતા. પોતે જમીન પરના નેતા હોવાનું જણાવી ફરી મેદાન પર આવી લોકકાર્યો કરવા તૈયાર હોવાનું જણાવ્યું હતું.
