ફીસના ધંધાર્થીએ ફેસબુકથી સંપર્કમાં આવેલા ગોંડલ વેપારી સાથે કરી લાખો રૂપિયાની છેતરપિંડી

વિનય પરમાર, રાજકોટ: ગોંડલના વાસાવડમાં રહેતા અને ટ્રાવેલ્સના વ્યવસાય સાથે સંકળાયેલા મેમણ નદીમભાઇ ગફારભાઇ સાકરીયાએ વિરમગામના કોયલા ગામમાં રહેતા અલ્તાફ હબીબભાઇ સીદાની વિરૂધ્ધ રૂ. ૭ લાખની ઠગાઇની ફરિયાદ નોંધાવી છે.

નદીમભાઇએ ચાર માસ પૂર્વે ફીસ ફાર્મીંગનો ધંધો શરૂ કરવા ૮ લાખ માછલીના બચ્ચા(સ્પોન) અને માછલીના બચ્ચાનો ખોરાક (ફીડ) માટે ફેસબુકથી સંપર્કમાં આવેલા અલ્તાફ સીદાનીને ઓર્ડર આપી ૧ લાખ ૫૦ હજાર રોકડા તેમજ રૂ. ૭ લાખ આરટીજીએસથી મોકલાવ્યા હતા. પરંતુ આરોપીએ માત્ર ૧.૫૦ લાખનો માલ મોકલાવ્યો હતો. અને બાકીના પૈસા કે માલ નહીં મોકલાવી ઠગાઇ, વિશ્વાસઘાત કર્યાનો આરોપ મૂક્યો છે. પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા પ્રયાસ શરૂ કર્યા છે.

ઠગાઇની ફરિયાદ નોંધાવનાર નદીમભાઇ સાકરીયાએ પોલીસને જણાવ્યા મુજબ, ફીસ ફાર્મીંગના ધંધા માટે મિત્ર કરમસીભાઇ શિવદાસભાઇ શાંખલાની માલિકીની પથ્થરની લીઝની જગ્યા સંબંધના નાતે રાખી હતી. આ જગ્યામાં માછલી ઉછેર કેન્દ્ર શરૂ કરવાનું હતું.

ચાર માસ પહેલાં ફેસબુક ઉપર વડોદરા માર્કેટીંગ નામના ગ્રુપ પરથી માછલીનો ધંધો કરતા અલ્તાફ સીદાનીનો સંપર્ક કર્યો હતો. મેસેન્જરથી વાતચીત કર્યા પછી મિત્ર કરમશીભાઇ અને કિર્તિભાઇને લઇને પોતે કોયલા ગામે અલ્તાફને રૂબરુ મળવા ગયા હતા અને માછલીના બચ્ચા,તેના ખોરાકની ખરીદી માટે વાત કરી હતી.

આ સમયે અલ્તાફે પોતે માછલીનો ડોક્ટર છે અને જ્યાં માછલી ઉછેર કેન્દ્ર શરૂ કરવા માગો છે એ જગ્યાનું જાત નિરિક્ષણ કર્યા પછી જ કેટલું બીજ નાખવું? એ નક્કી કરશું તેવી વાત કરી હતી. ત્યાર બાદ ૨૬ ઓગસ્ટના રોજ અલ્તાફ અને નતેનો બનેવી રફીક વાસાવડ ગામ આવ્યા હતા. અને કરમશીભાઇની લીઝની જગ્યા જોયા પછી અલ્તાફે અહીં ૧૦ થી ૧૨ લાખ સ્પોન નાખી શકાય તેમ કહ્યું હતું. વાત કર્યા પછી ૮ લાખ સ્પોન અને તેના માટે જરૂરી ફીડનો ઓર્ડર આપ્યો હતો. સોદા સમયે ૫૦ ટકા એડવાન્સ અને ૫૦ ટકા રકમ માલ મળ્યા પછી આપવાની શરત નક્કી થયું હતું.

૧૬ લાખના માલનો ઓર્ડર આપી રૂ. ૫૦ હજાર રોકડા ટોકન પેટે આપ્યા હતા. સોદાની શરતમાં ચાર દિવસમાં માલ મોકલી આપવાની વાત થઇ હતી. વધુમાં એક સ્પોનની કિંમત દોઢ રૂપિયા તેમજ સ્પોદોઢ ઇંચના આપશે તદુપરાંત સ્પોન મરણ પામે તો રીપ્લેશ કરી આપવાનું નક્કી થયું હતું. ત્યાર પછી નદીમભાઇએ રૂ. ૧ લાખ આઇએમપીએસ મારફત અલ્તાફના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા અને રૂ.૭ લાખ ૨૮ ઓગસ્ટના રોજ આરટીજીએસથી ટ્રાન્સફર કરાવ્યા હતા.

જોકે પેમેન્ટ કર્યા પછી પણ માલ નહીં મળતા અલ્તાફને ફોન કર્યો હતો. ત્યારે અલ્તાફે પોતે એરપોર્ટ જઇને માલ રવાના કરે છે તેમ કહી એક સપ્તાહ સુધી ખોટા બહાના બતાવ્યા હતા. ત્યાર પછી ૭ સપ્ટેમ્બરે અલ્તાફ અને તેના બનેવી રફીક સહિતના માણસો વ્હેલી સવારે ૧ લાખ સ્પોન અને ફીડ લઇને આવ્યા હતા.

આ સમયે નદીમભાઇના મિત્ર અભિષેક મિયાત્રા તેમજ કરમસીભાઇ હાજર હતા. બીજો માલ ક્યારે મોકલશો તેમ પૂછતા અલ્તાફે બે-ત્રણ દિવસનો વાયતો કર્યો હતો. પરંતુ ત્યાર પછી માલ મોકલ્યો નહીં અને અલ્તાફે માલ સપ્લાય કરી શકે તેમ ન હોવાથી જે માલ મોકલ્યો છે એના પૈસા બાદ કરીને બાકીની રકમ પરત એકાઉન્ટમાં જમા કરાવી દેવાની ખાતરી આપી હતી. અને પછી અલ્તાફે ફોન કરીને પોતે ૪.૫૦ લાખ સ્પોન તેમજ ફીડ મોકલ્યા હતા, એ રકમનો હિસાબ કરતા મારે હજી બે લાખ સામા લેવાના નિકળે છે તેમ કહી ફોન કાપીને નદીમભાઇનો નંબર બ્લોક લીસ્ટમાં મૂકી દીધો હતો. આ મામલે સમાધાનના પ્રયાસો ચાલે હોવાથી ફરિયાદ કરી ન હતી. પરંતુ સમાધાન શક્ય નહીં બનતા ઠગાઇની ફરિયાદ નોંધાવી હતી. પીએસઆઇ એમ.જે.પરમારે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap