દિપાવલીનો સૌથી પહેલો ઉલ્લેખ જૈન સાહિત્યમાં જ જોવા મળે છે…!

પ્રકૃતિના તત્વોને પૂર્ણ આદર સાથે પૂજવાની પરંપરા ભારતીય સંસ્કૃતિનું આગવું લક્ષણ છે. જડ અને ચેતન તત્વોમાંથી સદાય શુભ પ્રેરણા લેવી હિન્દુધર્મની વિશિષ્ટ પરંપરા છે. ભૂમિ, જળ, પવન,અગ્નિ અને આકાશ પ્રકૃતિના પાંચ તત્વો છે. ભારતીય સંસ્કૃતિ આ પાંચ તત્વોને મહાભૂત ગણે છે. આ પંચહાભૂતો થકી સમગ્ર સૃષ્ટિ પોતાનું સંચાલન કરે છે. અગ્નિ આ પાંચ મહાભૂતો પૈકીનું એક આગવુ મહાભૂત છે. અગ્નિના અનેક પ્રકાર છે અને અગ્નિનું મૂળભૂત સત્વ પુંજ છે.આ પુંજ કે પ્રકાશ, જેને આપણે જયોતિરૂપ પરમ તેજ માની એની પૂજા કરીએ છીએ. દિવાળીનો તહેવાર આ તેજ તત્વ કે પ્રકાશ સાથે જોડાયેલો છે.દિવાળી એટલે દીપજયોતિના ઝળહળાટથી દૈદિપ્યમાન થવાનો અવસર. આ અવસર પ્રતિવર્ષ સમગ્ર ભારતવર્ષમાં અશ્વિન મહિનાના અંતમાં મનાવામાં આવે છે.

માનવીની અંદર રહેલા દુર્ગુણોરૂપી અંધકાર દૂર કરવા તથા સદ્‌ગુણોરૂપી તેજથી જીવનપથ ઉજાળવાના શુભ આશય સાથે આપણે દિવાળી કે દિપાવલીના તહેવારને ઉજવીએ છીએ. ભારત સિવાય નેપાળ અને હવે તો વિશ્વના ઘણા પરગણાઓમાં આ તહેવાર ઉજવવામાં આવે છે.

દીપ એટલે દિવડો. દીપાવલી એટલે દીવડાઓની હારમાળા ભગવાન રામ દ્વારા લંકાવિજય પછી અયોધ્યામાં આગમનનો દિવસ એટલે દીપાવલી. ભગવાન રામ રાવણવધ પછી માતા સીતા અને ભાઇ લક્ષ્મણ સાથે અયોધ્યામાં આગમન કરે છે એટલે અયોધ્યાવાસીઓ હરખઘેલા બને છે. ભગવાન રામના સ્વાગત માટે ઘીના દીવડા પ્રગટાવી લોકો પોતાની ખુશી પ્રગટ કરે છે.

દિવાળીના તહેવારનો આધ્યાત્મિક અર્થ પણ ભારે મહત્વ ધરાવે છે. ‘મનના પ્રકાશની જાગૃતિ’ એવા આધ્યાત્મિક અર્થને દિવાળીનો તહેવાર ઉજાગર કરે છે. આત્મા અવિનાશી છે અને આ આત્મતત્વ સ્વયં પ્રકાશિત પ્રકાશપુંજ છે. આ પ્રકાશપુંજ આપણા આંતરિક ઉજાસનું પ્રતિબિંબ માનવામાં આવે છે. ‘આત્મા’ આપણી વિચારધારા મુજબ તત્વજ્ઞાનનું કેન્દ્ર છે. દીવાળીમાં દીવડા પ્રગટાવવા એટલે એક રીતે આત્મતત્વરૂપી પ્રકાશપુંજની આરાધના કરવી.

વસુબારસ (ગાય વાછરડાની પૂજાનો દિવસ) ધનત્રયોદશિ (ધનતેરસ), નરક ચતુર્દશી (કાળી ચૌદશ) અને દીવાળીથી બેસતું વર્ષ અને ભાઇબીજ જેવા તહેવારોનું ઝૂમખુ એટલે દીવાળીનુ પર્વ. ધનતેરસના દિવસે આપણે ત્યાં લક્ષ્મીપૂજા અને સોનું ખરીદવાનો મહિમા છે. નરક ચતુર્દશીના દિવસે ભગવાન શ્રીકૃષ્ણએ નરકાસુર તરીકે ઓળખાતા રાક્ષસનો વધ કર્યો હતો એવી કથા શ્રીમદ્દભાગવત પુરાણમાં આવે છે. આ દિવસે સૂર્યોદય પહેલા સ્નાન કરવાનું મહત્વ રહેલું છે. પૂનમના દિવસે દિવાળી મનાવવામાં આવે છે. આ દિવસે લક્ષ્મીનું પૂજન કરવામાં આવે છે. સંપતિની દેવી લક્ષ્મીની પૂજાનું હિન્દુ ધર્મમાં અનોખુ મહત્વ રહેલું છે. દિવાળીના બીજા દિવસે કારતક સુદ એકમના આપણે બેસતું વર્ષ મનાવીએ છીએ. આ દિવસે ગોવર્ધન પૂજા પણ કરવામાં આવે છે .

કારતકનો બીજા દિવસ ભાઇબીજ તરીકે મનાવવામાં આવે છે. ભાઇ આ દિવસે બહેનને ત્યાં જમવા જાય છે. બહેન ભાઇને જમાડે છે. ભાઇ – બહેનના અતૂટ પ્રેમને ઉજાગર કરતો ભાઇબીજનો તહેવાર પ્રેમ અને લાગણીનું પ્રતીક છે.

જૈન ધર્મમાં પણ દિવાળીનું અનેરું મહત્વ રહેલું છે. જૈનોના ચોવીસમાં તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીના શિષ્ય ગણધર ગૌતમ સ્વામીને આ દિવસે કેવલજ્ઞાનની પ્રાપ્તિ થઇ હતી. મહાવીર સ્વામી પણ અમાસની વહેલી પરોઢે નિર્વાણ પામ્યા હતા.

દિપાવલીનો સૌથી પહેલો ઉલ્લેખ જૈન સાહિત્યમાં જ જોવા મળે છે. દિપાવલીનો સૌથી પ્રાચીન સંદર્ભ દિપાલીકાયા સાથે સંકળાયેલો છે. આ શબ્દ આચાર્ય જિનસેન દ્વારા લખાયેલ હરિવંશ પુરાણમાં જોવા મળે છે.

‘તતસ્તુ: લોકઃ પ્રતિવર્ષ ભારત એકો
પ્રસિદ્ધ દીપલિકયા ભારતે
સમુદ્યતઃ પૂજયિતું જિનેશ્વરં
જિનેન્દ્ર – નિર્વાણ વિભૂતિ – ભક્તિભાક ’

દિપાલીકાયા એટલે શરીરને છોડીને જતો પ્રકાશ, દિપાલિકા એટલે દીવાઓનો દિવ્ય પ્રકાશ. દિવાળીના તહેવારોમાં શ્વેતાંબર જૈનો ઉપવાસ અને ઉત્તર અધ્યન સૂત્રના પાઠ કરે છે.

બંગાળી લોકો દિપાવલીના તહેવારમાં દીવા પ્રગટાવી પૂર્વજોના આત્માનું સ્મરણ કરે છે. કાલિની દેવીની પૂજા કરી ઉત્સવ મનાવે છે. નેપાળમાં આ દિવસે પરિવાર મિલનને વધારે મહત્વ આપવામાં આવે છે. લોકો ‘દેઉસી અને ભઇલો ’ રમત રમે છે. ગીતો ગાય છે. અને નૃત્ય કરે છે. એકબીજાને ફળ, ધાન્ય, અને નાણા આપી શુભકામનાઓ પાઠવે છે. નેપાળમાં દિવાળીને ‘તિહાર’ કે ‘સ્વાન્દી’ તરીકે ઓળખવામાં આવે છે. મલેશિયામાં દિવાળીને ‘હરી દિપાવલી’ કહેવામાં આવે છે. મલેશિયન હિન્દુઓ પરંપરાગત રીતે આ તહેવારને મનાવે છે.

આજે વિશ્વના ખૂણેખૂણે ગુજરાતીઓ અને ભારતીઓ પ્રસરી ગયા હોવાથી વિશ્વના લગભગ દરેક ખૂણે દીવાળીના તહેવારને ભારે ધામધૂમથી ઉજવવા વાળા લોકો મળી રહે છે.

આપણે ત્યાં હોળીથી આરંભાતા તહેવારો દીવાળીના તહેવારે આવી વિરામ લે છે. ભારતીય સંસ્કૃતિ અને ધર્મમાં તહેવારોનું વિશિષ્ટ મહત્વ રહેલું છે. તહેવારો માણસને નવી ઊર્જા, આનંદ અને ખૂશી સાથે પ્રેરણા આપે છે. તહેવારો માનવીને જીવનજીવવા તરફ પ્રેરિત કરે છે. પ્રકૃતિ સાથે તાદાત્મ અને સંસ્કૃતિના જતનમાં તહેવારોનું વિશેષ મહત્વ રહેલું છે. 

આજકાલ દરેક હિન્દુ ધર્મની ઉજવણી સમયે નીતનવી રસમો દ્વારા તહેવારોમાં વિવાદ ઊભા કરવાની ફેશન ચાલી રહી છે. ત્યારે તહેવારો પાછળના મૂળ હાર્દને સમજીને સાથે પરંપરાનું જતન કરી ઉત્સવના આનંદથી જીવનને ભર્યુ ભર્યુ કરવાનું જે દિવસે આપણે શીખી જઇશું તે દિવસે સમગ્ર માનવવત ધન્યતાનો અનુભવ કરશે.

દિવાળીના આ પરંપરાગત તહેવાર નિમિત્તે આપણે એ પણ વિચારવું જોઇએ કે દિવાળી સૌના જીવનમાં ઉજવાતી હોવી જોઇએ. એક માનવી ઉત્સવમાં ઓતપ્રોત હોય અને બીજો એની પરાકાષ્ટાથી પરેશાન હોય તો એને આપણે તહેવાર કઈ રીતે કહી શકીશું ? સમગ્ર માનવજાતિ સહિયારો આનંદ લૂંટે અને સૌ આપસમાં ભાતૃભાવ કેળવી પોતાના હૃદયરૂપી કોડિયામાં સ્નેહનું દિવેલ પૂરી પ્રેમનો પ્રકાશ પ્રગટાવે તો સમગ્ર સૃષ્ટિ આપોઆપ ઝળહળી ઊઠશે. જો આમ થશે તો આપણે સાચુકલી દીવાળીની ઉજવણી કરી એમ ગણાશે.

(લેખક-રવજી ગાબાણી)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap