રાજેશ દેથલીયા અમરેલી: જિલ્લા કલેકટરશ્રી આયુષ ઓક અને જિલ્લા વિકાસ અધિકારી તેજસ પરમારએ આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જિલ્લાના તમામ પ્રાંત અધિકારીશ્રીઓ તથા તાલુકાઓની તમામ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટશ્રીઓ તેમજ તમામ તબીબી અધિકારીઓ સાથે કોવિડની પરિસ્થિતિ, સારવાર સુવિધાઓ, ધન્વંતરિ રથો દ્વારા થઈ રહેલી કામગીરી, રેપિડ સર્વે હેઠળ આરોગ્ય કામગીરીની વિગતવાર સમીક્ષા કરીને કામગીરીને વધુ અસરકારક બનાવવાનું માર્ગદર્શન આપ્યું હતું.
જિલ્લા કલેક્ટરએ જણાવ્યું હતું કે હાલ દિવાળીના તહેવારો અને આવનાર લગ્નના મુહૂર્તને ધ્યાને લઇ તમામ મિઠાઇની દુકાનો, ફાસ્ટફુડ દુકાનો, કેટરીંગ, રેસ્ટોરન્ટ, પાર્ટી પ્લોટ, વાડીના કર્મચારીઓના તેમજ ભીડભાડ વાળી દુકાનો, લારી, પાનના ગલ્લા વાળા, ધાર્મિક સ્થળોની નજીકમાં લોકોના વધુમાં વધુ સેમ્પલ લેવા સંબંધિત અધિકારીઓને તાકીદ કરી હતી. આ ઉપરાંત જે જે વિસ્તારોમાંથી વધુ કોરોનાના કેસ મળી આવ્યા છે તે વિસ્તારોમાં ટેસ્ટિંગ વધારવા સૂચના આપવામાં આવી હતી.
નોંધનીય છે કે અન્ય મહાનગરોની જેમ અમરેલીમાં કોવિડ કેસોમાં કોઈ નોંધપાત્ર વધારો થયો નથી. પરંતુ આરોગ્ય તંત્ર દ્વારા અગમચેતીના ભાગરૂપે આ ઝુંબેશ હાથ ધરવામાં આવશે.
જિલ્લા કલેકટર દ્વારા બહાર પાડવામાં આવેલા જુદા જુદા જાહેરનામા સબબ ચેક લીસ્ટ તૈયાર કરી તે પ્રમાણે તમામ દુકાનોની ચકાસણી કરવા તેમજ માસ્ક, સોશ્યલ ડીસ્ટન્સ, હેન્ડ ગ્લવ્ઝ, હેન્ડ સેનીટાઇઝર વગેરેની ચકાસણી માટે માર્ગદર્શન આપ્યું હતું. મોડી સાંજ કે રાત્રિના સમયે ખાણી પીણી બજારમાં કે હોટલ અને રેસ્ટોરન્ટમાં સ્પેશ્યલ ડ્રાઈવ યોજવા સૂચના આપવામાં આવી હતી.
આરોગ્ય અધિકારીઓને કલેક્ટરશ્રીએ માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે ફ્લુના લક્ષણ વાળા લોકો એન્ટીજન ટેસ્ટ કરાવે અથવા ૧૪ દિવસ માટે હોમ ક્વોરેન્ટાઇન થાય તે અત્યંત જરૂરી છે તેમજ આરોગ્ય વિભાગ તરફથી હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ સઘન કરવાનું રહેશે. આ ઉપરાંત મેડીકલ સ્ટોર કે ખાનગી હોસ્પીટલમાં ફ્લુ સારવારના દર્દીની ત્વરીત હોમ મુલાકાત કરી તેનું તાપમાન, SpO2 માપી સારવાર આપવી તથા જરૂર જણાયે હોસ્પીટલમાં રીફર કરવાના રહેશે.
કલેક્ટરએ ધન્વંતરી રથને વેગવાન કરવા અને લોકોના ઘરે જઇ વધુમાં વધુ ટેસ્ટીગ કરવા અને સારવાર આપવા જણાવ્યું હતું. તેમજ જાહેરનામાના ભંગ બદલ કાયદેસરની કાર્યવાહી જેવી કે, નિયત દંડ વસુલવો, એપેડેમીક એકટ અંતર્ગત એફ.આઇ.આર. કરવા સબંધિત વિભાગને તાકીદ કરી હતી.
આ વીડિયો કોન્ફરન્સમાં અધિક જિલ્લા કલેકટરશ્રી, જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, જિલ્લા સર્વેલન્સ અધિકારીશ્રી, તમામ પ્રાંત અધિકારીશ્રી, તમામ તાલુકાના મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી, તાલુકા હેલ્થ ઓફીસરશ્રી અને મેડીકલ ઓફીસરશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
