ડીસા તાલુકાના સણથ ગામના ખેતરમાંથી કાંકરેજ તાલુકાના શિયા ગામની માતા પુત્રીની લાશ મળી આવતા અરેરાટી સાથે ચકચાર મચી જવા પામી છે. જો કે પોલીસે ઝાટકા મશીનથી કરંટ લાગતા મોત નિપજ્યું હોવાનું પ્રાથમિક અનુમાન વ્યક્ત કરી વધું તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ ડીસા તાલુકાના જુના સણથ ગામની સીમમાં આવેલ ખેતરમાં મૃત હાલતમાં ૨ લાશો પડી હતી.જેને લઇને લોકોએ ભીલડી પોલીસને જાણ કરી હતી. તેથી પોલીસ દોડી આવી હતી અને તપાસ કરતા અમરતભાઇ ભીખાભાઇ રબારીના ખેતરમાં બટાકાના રક્ષણ માટે ઝાટકા મશીનનો વિજ કરંટ લાગવાથી કાંકરેજ તાલુકાના શીયા ગામના ગીતાબેન સરતનભાઇ રબારી (ઉ.વ. ૪૧) અને પુત્રી મિનલબેન સરતનભાઇ રબારી (ઉ.વ. ૧૫) મરણ પામેલ હોવાનું પ્રથમ નજરે જણાયું હતું.
૩ દિવસ અગાઉ આ માતા પુત્રી પોતાના પિયર મળવા જવુ છું તેમ કહીને નીકળી હતી. જેમની આજે સણથ ગામના ખેતરમાંથી રહસ્યમય સંજોગોમાં મૃત હાલતમા લાશ મળી આવી હતી. ભીલડી પી.એસ. આઇ. એ .બી. શાહ ઘટના સ્થળે દોડી જઇ આધાર કાર્ડ દ્વારા મૃતકોની ઓળખ વિધી કરીને તેમના વારસદારોને જાણ કરી હતી. બાદમાં ભીલડી સી. એચ. સી. ખાતે લાશો પોસ્ટમોર્ટ્મ અર્થે ખસેડવામા આવી હતી. આધારભૂત માહિતી મુજબ ખેડુતો પોતાના રવિ પાક ભુંડ અને જંગલી જનાવરોથી બચાવવા માટે ખેતરમાં ઝાટકા મશીનથી વિજ કરંટ મૂકે છે.
જેને લઇને અવાર નવાર આવા બનાવ બનતા હોય છે. પરંતુ મૃતક કાંકરેજ તાલુકાના શીયા ગામના વતની હતા. જેઓ સણથ ગામના ખેતરમાં કયા કારણસર આવ્યા ? કારણ તેઓને આ વિસ્તારમાં કોઇ સગા સંબધી પણ નથી તેવો સવાલ ઉઠતા ખુદ પોલીસ પણ મૂંઝવણમાં મુકાઇ છે. જેની વધુ તપાસ ભીલડી પી.એસ.આઇ .એ. બી. શાહ ચલાવી રહ્યા છે. હાલ તો મા પુત્રીની લાશને લઈ પંથકમાં અવનવા તર્ક વિતર્ક વહેતા થવા લાગ્યા છે.
