પાર્થ મજેઠીયા, ભાવનગર: શહેર ખાતે બે બાળકોના દત્તક વિધિ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, ગાંધીનગર અનુદાનિત સામાજિક સંસ્થા શ્રી તાપીબાઈ આર.ગાંધી વિકાસગૃહ ખાતે વિશિષ્ટ દત્તક સંસ્થાઓ દ્વારા ભારત સરકારની ગાઈડલાઈન અનુસાર સંસ્થા ખાતે ઉછેર પામતા બે ફૂલ સમાં બાળકોને માતાનો પાલવ અને પિતાનું પ્રાંગણ મળવાનો રૂડો અવસર વિકાસગૃહના આંગણે જીલ્લા કલેકટર અને ટ્રસ્ટીઓની ઉપસ્થિતિમાં યોજાયો હતો.

ભાવનગર તાપીબાઈ વિકાસ ગૃહ ખાતે ઉછરી રહેલા કલ્પ અને જિયાન નામના બે બાળકોનો દત્તક વિધિ સમારોહ જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. આ કાર્યક્રમમાં શહેરના ભામાશા જેવા નગરશ્રેષ્ઠીઓ આ પવિત્ર અવસરના સાક્ષી બની ભગવાન સ્વરૂપ ફૂલડાંઓને વાત્સલ્યસભર આશીર્વાદ આપવા ઉપસ્થિત રહયા હતા. કાર્યક્રમનો પ્રારંભ દીપપ્રાગટ્ય કરી કરવામાં આવ્યો હતો.

તાપીબાઈ સંસ્થા ૧૯૬૨ થી આ વિશિષ્ટ સેવાકીય પવિત્ર કામ કરી રહી છે. જેમાં અત્યાર સુધીમાં ૩૧૪ બાળ ફૂલડાઓને ઘર પરિવારમાં પુન: સ્થાપન કરવાની સાથે સાથે સમાજની આવી ૧૧૮ દીકરીઓને લગ્નની ગાંઠથી જોડીને સમાજમાં પુન: સ્થાપન કરવાનું ભગીરથ કાર્ય આ સંસ્થા દ્વારા કરવામાં આવ્યું છે. ત્યારે આજે નવસારી અને નડિયાદ ખાતેના બે દંપતીઓ દ્વારા દત્તકની ઓનલાઈન કાનૂની પ્રક્રિયા પૂર્ણ કરી આજે કલ્પ અને જિયાન ને દતક લીધા હતા. ઉપસ્થિત મહાનુભાવો ના હસ્તે આ બંને બાળકોને તેમના માતાપિતા ને સોપવામાં આવ્યા હતા. જયારે આ ક્ષણે અનેક આંખો ભીંજાય ગઈ હતી.
આ સંસ્થામાં દીકરીઓને પગભર થઈ સમાજમાં માનભેર રહી શકે તે માટે તેમના અભ્યાસની સાથે સાથે આરોગ્ય અને સ્વાવલંબી થવા માટે કૌશલ્યવર્ધન તાલીમ પણ સંસ્થામાં જ આપવામાં આવે છે. દાતાઓના સહયોગથી આ સેવાભાવી સંસ્થામાં આ દીકરીઓ સ્વાવલંબી બની પોતાની નવી જિંદગીની કેડીઓ કંડારી રહી છે.
