કેવડીયા ખાતે 80મી અખિલ ભારતીય પીઠાસીન અધિકારી પરિષદ યોજાઈ, અનેક મહાનુભાવો રહ્યા હાજર

કેવડીયા: અખિલ ભારતીય પીઠાસીન અધિકારીઓની પરિષદમાં સંબોધન કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લોકશાહીના જતન અને સંવર્ધન માટે મુખ્ય ત્રણ બંધારણીય આધારશીલા સંસદ, પ્રશાસન અને ન્યાયતંત્ર લોકહિતમા સક્રીય રીતે કાર્યરત હોવાનું જણાવ્યું હતું.

CM રૂપાણીએ કહ્યું કે, આ વર્ષ આ પરિષદનું શતાબ્દી વર્ષ છે. તેથી આ પરિષદનું મહત્વ હજી વધારે છે. આ પરિષદમાં આપ સૌ દ્વારા વ્યક્ત કરવામાં આવેલા વિચારો અને બીજ આપણી પ્રણાલીને મજબૂત બનાવવામા ઉપયોગી થશે. 

લોકશાહી અધિકારનો આનંદ સાથે, અમે ફરજ પાલનના માર્ગ પર પણ આગળ વધીશું. સંસદીય લોકશાહીમા નવી પ્રથાઓ અને નવી પ્રક્રિયાઓ વિચારના આપ-લેના સ્વરૂપમા વિચારમંત્ર દ્વારા મેળવીશું.

લોકશાહીનું પ્રતિબિંબ જ્યાં ઝીલાય છે એવા ભારતીય બંધારણના ઘડવૈયા ડો. ભીમરાવ આંબેડકરના પુણ્યનામનું સ્મરણ કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ગુજરાતના બે વ્યક્તિઓએ પણ બંધારણમાં ફાળો આપ્યો છે જેના આધારે આજે આપણે વિશ્વના સૌથી મોટી લોકશાહી તરીકે સ્થાપિત થયા છીએ.

મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઇ પટેલના નેતૃત્વમા ગુલામીના સમયગાળાથી દેશને મુક્ત કરવા સ્વરાજ હાંસલ કરવાની ચળવળમાં દેશનું નેતૃત્વ કર્યું હતું.

ભારતીય વિદ્યા ભવનના સ્થાપકો અને સાહિત્યકારો કનૈયાલાલ મુનશી અને હંસાબેન જીવરાજ મહેતાએ બંધારણ સભાના સભ્યો તરીકે મૂલ્યવાન યોગદાન આપ્યું છે. આઝાદી પૂર્વે ભારતની પહેલી મધ્યસ્થ ધારાસભાના પ્રથમ ચૂંટાયેલા પ્રમુખ શ્રી વિઠ્ઠલભાઇ પટેલ અને સ્વતંત્ર ભારતની પ્રથમ લોકસભાના પ્રમુખ શ્રી ગણેશ માવલંકર ગુજરાતનાં હતાં. સ્વરાજના આર્કિટેક્ટ એવા બે ગુજરાતીઓ સાથે, સંસદીય વ્યવસ્થાને મજબૂત કરનારા ગૃહના પ્રથમ અધ્યક્ષ પણ બે ગુજરાતી રહી ચૂક્યા છે.

આપણા બંધારણમાં સાર્વભૌમત્વ અને સંયુક્ત રાષ્ટ્રની કલ્પના લાવવા માટે સરદાર સાહેબે ૫૬૫ દેશી રજવાડાઓને ભારતીય સંઘમાં એકીકૃત કરીને વિશેષ ફાળો આપ્યો છે. એટલા માટે આજે કચ્છથી કટક અને દ્વારકાથી દિબ્રુગઢ સુધી ભારતમાતા એક અને અખંડ છે.

સમાન બંધારણના સિદ્ધાંતોને અનુસરીને, સંસદીય પ્રણાલીમાં ગૃહ લોકસભા અને સંસદનો સમાવેશ થાય છે, જે લોકશાહીના સુપ્રીમ મંદિર સમાન છે. આ વિશેષ ગૌરવની વાત છે કે આ સર્વોચ્ચ મંદિરની નિષ્ઠા અને સરળ કામગીરીની શિખરે ગુજરાતના બે પુત્રો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી અને ગૃહમંત્રી શ્રી અમીતભાઇ શાહ પર ગર્વ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી વર્ષ ૨૦૧૫થી સમગ્ર દેશમાં ૨૬ નવેમ્બરને બંધારણ દિન તરીકે મનાવવાની શરૂઆત થઇ છે, એ બાબતનો મુખ્યમંત્રીશ્રીએ વિશેષ ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે, મા ભારતીને વિશ્વના સર્વોચ્ચ સ્થાને સ્થાપિત કરવાના વડાપ્રધાનશ્રીના સ્વપ્નને સાકાર કરવા સૌ પોતાનું યોગદાન આપે એવું આહ્વાન કર્યું હતું.

તેમણે ગુજરાતની પવિત્ર ભૂમિનો ખ્યાલ આપતા કહ્યું કે, ભગવાન શ્રી કૃષ્ણનું ધામ દ્વારકા, દ્વાદશ જ્યોતિર્લિંગમાંથી પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ, ૧૬૦૦ કિલોમીટર લાંબો દરિયાકિનારો, કચ્છનું વિશાળ રણ – પર્યટન વિશ્વ, એશિયન બબ્બર સિંહ અને ભારતનું પ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદ અને ચાંપાનેર અને વર્લ્ડ હેરિટેજ સાઇટ  રાણીની વાવ જેવી પર્યટન વિવિધતા છે.  તેવી જ રીતે, વિશ્વના સૌથી પ્રાચીન બંદરના મેન્યુફેક્ચરિંગ હબ, ઉદ્યોગો અને લોથલ ઉપરાંત, હવે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સી-પ્લેનની સેવાઓ સાથે ગુજરાતે પોતાનું પ્રથમ સ્થાન જાળવી રાખ્યું છે.

રાષ્ટ્રપતિ માનનીય રામનાથ કોવિંદનું ઉદબોધન

વિશ્વના અનેક દેશોમાં લોકશાહી સામે સવાલો ઉઠી રહ્યા છે, ત્યારે  ભારતની લોકશાહી અખંડ અને મજબૂત છે. ભારત એ લોકશાહીનું જનક છે.આજે દેવઊઠી અગિયારસના પાવન અવસરે  સરદાર સાહેબની પ્રતિમાના સાનિધ્યમાં આજનો દિવસ ગૌરવ પૂર્ણ છે. સરદાર સાહેબની પ્રતિમાને statue of unity નો દરજ્જો ઉચિત છે. આ આપણા માટે પ્રસન્નતા અને  ગૌરવની ઘટના છે, કારણ આપણે સૌ સરદારની સૌથી ઊંચી પ્રતિમાના સાનિધ્યમાં છીએ. એક સમયે સ્ટેચ્યુ ઓફ લિબર્ટી હતું અને આજે સ્ટેચ્યુ ઑફ યુનિટી સૌથી ઉંચી પ્રતિમા છે.

આજે દેવઉઠી એકાદશી છે, આ દૈવી સંયોગ છે કે, આજથી માંગલિક કર્યો શરૂ થયા છે. આ કાર્ય પણ.આ ઐતિહાસિક કાર્યક્રમમાં સંમિલિત થવાની મને ખુશી છે. સંવિધાન દિવસનું આપણા માટે વિશેષ મહત્વ છે. શ્રી વિઠ્ઠલભાઈ પટેલ કેન્દ્રીય વિધાનસભાના પ્રથમ અધ્યક્ષ રહ્યા. જે સરદારના મોટાભાઈ અને ગુજરાતના હતા. શ્રી ગણેશ વાસુદેવ માવલંકર લોકસભાના પહેલા સ્પીકર બન્યા. યોગાનુયોગ તેઓ પણ ગુજરાતમાં જન્મ્યા હતા.

ભારતમાં લોકતંત્રના પાયા મજબૂત છે. આપના પ્રાચીન ગ્રંથોમાં ગણતંત્રનો ઉલ્લેખ છે. બિહારના પ્રાચીન ગણરાજ્ય વૈશાલી કપિલવસ્તુનો ઉલ્લેખ છે. છેલ્લા કેટલાક વર્ષોમાં લોકોની અપેક્ષા લોકપ્રતિનિધિ પાસેથી વધી છે. માધ્યમોના આ ગતિશીલ યુગમાં સંસદ, વિધાનસભાની કામગીરીનું જીવંત પ્રસારણ કરાય છે. આ સ્થિતિમાં અમર્યાદિત આચરણ પીડાદેહ છે. જનપ્રતિનિધિ સંસદીય પ્રણાલિકાનું પાલન કરે તેવું પ્રજા ઈચ્છે છે. આ વ્યવસ્થામાં વાદને વિવાદ ન બનાવતા સંવાદથી સમાધાન કરે. શિષ્ટ સંવાદથી લોક સમસ્યાનું નિરાકરણ લાવી કામ કરે. નિષ્પક્ષ કામગીરી અતિ આવશ્યક છે.

આ ઉપરાંત બંધારણીય સમિતિના સભ્યો દ્વારા રજૂ કરવામાં આવેલા મતોની માહિતી દ્રષ્યશ્રાવ્ય માધ્યમથી રજૂ કરાઇ છે. જેમાં ૧૫૦થી વધુ સ્લાઇડ મૂકવામાં આવી છે.પરિષદ પૂર્ણ થયા બાદ લોકો તેને નિહાળી શકશે.

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીનું  ઉદબોધન

કેવડીયા ખાતે યોજાઈ રહેલ ૮૦મી અખિલ ભારતીય પ્રિસાઈડીંગ ઓફિસર કોન્ફરન્સમાં સ્વાગત પ્રવચન કરતા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી રાજેન્દ્ર ત્રિવેદીએ કોન્ફરન્સમા ઉપસ્થિત સૌ અધિકારીઓને ગુજરાતની પાવન ધરતી પર સ્વાગત કરતાં કહ્યું કે, આ પરિષદ ગુજરાતમાં યોજાઈ રહી છે તે સૌ ગુજરાતીઓ માટે ગૌરવરૂપ છે. કેમ કે આવી પરિષદ રાજ્યમા સૌ પ્રથમ વાર યોજાઈ રહી છે, અને એમા પણ આદરણીય રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદજી, ઉપરાષ્ટ્રપતિ શ્રી વૈંકૈય્યાહ નાયડુ, રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી, અને મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની પ્રેરક ઉપસ્થિતિ આ કોન્ફરન્સનુ ગૌરવ વધારી રહી છે.

મા નર્મદાની ગોદમાં લોહપુરુષ સરદાર સાહેબની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા “સ્ટેચ્યુ ઓફ યુનિટી” ખાતે યોજાઈ રહેલ છે. આ કોન્ફરન્સ સરદાર સાહેબના અખંડ ભારતના એકતાના પ્રતિક સમી બની રહેશે.

ગુજરાતના સપુત સરદાર સાહેબના “સ્ટેચ્યુ ઓફ યુનિટી”ના નિર્માણનો સંકલ્પ તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કર્યો હતો, એ તેમણે પૂર્ણ કરી દેશની એકતાને જોડવા માટેનો અપ્રતિમ પ્રયાસ કર્યો તે વિશ્વમા ગુંજતો થયો છે. કેવડીયા ખાતે “સ્ટેચ્યુ ઓફ યુનિટી” ના પ્રોજેક્ટ અંતર્ગત પ્રવાસનને પ્રોત્સાહિત કરવા માટે વિવિધ પ્રકલ્પોનુ નિર્માણ કરાયુ છે, તે વૈશ્વિક સ્તરે પ્રસ્થાપિત થયા છે.

વડાપ્રધાનના “સૌનો સાથ-સૌનો વિકાસ”ના મંત્રને મૂર્તિમંત કરવા માટે ગુજરાતનુ વિકાસ મોડેલ આજે દેશનુ રોલ મોડેલ પુરવાર થયુ છે.

તેમણે ઉમેર્યું કે, સમૃદ્ધ લોકશાહીના જતન અને સંવર્ધન માટે કેવડીયા ખાતે યોજાઈ રહેલી આ પરિષદમા વિવિધ રાજ્યોના અધ્યક્ષશ્રીઓ, અને ઉપાધ્યાક્ષશ્રીઓ દ્વારા હાથ ધરાયેલ નવીન આયામોના આદાન-પ્રદાન થકી સમૃદ્ધ લોકશાહીના જતન માટે નવી આશાનુ કિરણ લાવશે, તેવો દ્રઢ વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap