સુરત: કીમ-માંડવી રોડ પર એક મોટો અકસ્માત સર્જાયો છે. એક બેકાબૂ ટ્રકે ફૂટપાથ પર સૂઈ રહેલા 18 જેટલા શ્રમજીવીઓને કચડી નાંખતા 15ના મોત નીપજ્યાં છે. આ ઘટનામાં મૃત્યુ પામેલા શ્રમજીવીને 2 લાખ રૂપિયાની સીએમ રૂપાણીએ જાહેરાત કરી છે.
માહિતી અનુસાર, મોડી રાત્રે એક ટ્રક કીમ-માંડવી નેશન હાઈવે પરથી પસાર થઈ રહ્યું હતું. આ દરમિયાન સામેથી શેરડી ભરીને આવી રહેલા ટ્રેક્ટર સાથે ધડાકાભેર ટકરાયું હતું. અકસ્માત બાદ ટ્રક ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા તે નજીકની ફૂટપાથ પર સૂઈ રહેલા શ્રમજીવીઓ પર ફરી વળ્યું હતું. જેમાં 15 જેટલા શ્રમજીવીઓ મોતને ભેટ્યા છે.
આ અકસ્માતની જાણ થતાં પોલીસ અને એમ્લ્બ્યુલન્સ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને બચાવ કામગીરી હાથ ધરી હતી. અકસ્માતનો ભોગ બનાનારા શ્રમજીવીઓ રાજસ્થાનના કુશલગઢના હોવાનું જાણવા મળ્યું છે. હાલ પોલીસે તમામ મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે કોસંબા ખસેડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
