તમિલ સુપરસ્ટાર રજનીકાંતે જાહેરાત કરી છે કે, તેઓ 31 ડિસેમ્બરે પોતાની પોલિટિકલ પાર્ટી બનાવવાની જાહેરાત કરવા જઈ રહ્યા છે. ત્યાર બાદ તે જાન્યુઆરીમાં તેમની પાર્ટીની શરૂઆત કરશે. રજનીકાંતની જાહેરાત બાદ તેમની રાજનીતિમાં પ્રવેશને લઈને જે પણ અટકળો કરવામાં આવી રહી હતી તેનો અંત આવી ગયો છે. રજનીકાંતે આ જાહેરાત રજની મક્કલ મંદ્રરમના ઉપરી અધિકારીઓને મળ્યા બાદ કરી હતી.
રજનીકાંતે પણ તમિલમાં પોતાની પાર્ટી બનાવવાની જાહેરાત અંગે ટ્વિટ કર્યું હતું. તેમણે લખ્યું હતું- ‘પાર્ટીની જાહેરાત 31 ડિસેમ્બરે થશે અને પાર્ટી જાન્યુઆરીમાં શરૂ કરવામાં આવશે.’
રજનીકાંતે બુધવારે કહ્યું હતું કે, તેઓ જલ્દીથી લોકોને તેમના રાજકીય નિર્ણય વિશે જણાવશે. આ સિવાય 30 નવેમ્બરના રોજ તેમના સમર્થકો સાથે બેઠક કર્યા બાદ તેમણે કહ્યું હતું કે તેઓ ટૂંક સમયમાં ચૂંટણીલક્ષી રાજકારણમાં પ્રવેશવાના તેમના નિર્ણય અંગે જાહેરાત કરશે.
રજનીકાંતે કહ્યું હતું કે,તેઓ ‘રજની મક્કલ મંદ્રમ’ (આરએમએમ)ના જિલ્લા સચિવોને મળ્યા છે અને રાજકારણમાં આવવાની સંભાવના અંગે ચર્ચા કરી હતી.
જણાવી દઈએ કે, તમિલનાડુમાં વિધાનસભાની ચૂંટણીઓ એપ્રિલ-મે 2021માં યોજાવાની છે. ગયા મહિને, રજનીકાંતે કહ્યું હતું કે, 2016માં તેમની કિડનીનું યુ.એસ. માં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે અને કોરોના વાયરસના મહામારીને પગલે ડોકટરો તેમની રાજનીતિમાં પ્રવેશ કરવા વિરુદ્ધ છે.
