વિનય પરમાર,રાજકોટ: શહેરમાં પોલીસ ઉપર હુમલાના વધુ એક બનાવમાં મોટા મવા ગામાં સ્મશાન સામે નવદુર્ગાપરામાં એક ઓરડીમાં દારૂનો દરોડો પાડવા ગયેલા યુનિવર્સિટી પોલીસ મથકના સ્ટાફ ઉપર બુટલેગર અને મહિલાઓ સહિતના શખસોએ પથ્થરમારો કરી સરકારી, ખાનગી વાહનોમાં નુકશાન કર્યું હતું. પોલીસે ઓરડીમાંથી દારૂ સાથે બે શખસને ઝડપીને જીપમાં બેસાડ્યા ત્યારે આરોપીઓને ભગાડી જવા માટે ચાર મહિલા સહિતના શખસોએ પથ્થરમારો કર્યો હતો. પોલીસે પથ્થરમારો કરીને ભાગી રહેલા એક શખસને ઝડપી લીધો હતો. નાસી છૂટેલા બુટલેગર અને ત્રણ મહિલા સહિત ૭ ની શોધખોળ ચાલુ છે.
પ્રાપ્ત વિગત મુજબ, યુનિવર્સિટી પોલીસ મથકના પીએસઆઇ એ.બી.જાડેજા, મદદનીશ હરપાલસિંહ જસુભા જાડેજા સહિતનો સ્ટાફ ગત રાતે આકાશવાણી ચોકમાં વાહન ચેકીંગમાં હતો. દરમિયાન મોટા મવા સ્મશાન સામે નવદુર્ગાપરા-3 માં રહેતા નામચીન અંકિત જયંતીભાઇ પરમાર, સિધ્ધાર્થ મુકેશભાઇ વાઘેલા અને ધર્મદીપ મુકેશભાઇ વાઘેલાએ ઓરડીમાં દારૂનો જથ્થો ઉતાર્યો હોવાની કોન્સ્ટેબલ જેન્તીગીરી ગોસ્વામીને બાતમી મળી હતી.
પીઆઇ એ.એસ.ચાવડાની સૂચનાથી પીએસઆઇ એ.બી.જાડેજા, પીએસઆઇ એ.બી.વોરા, મદદોનીશ યુવરાજસિંહ ઝાલા, મહેન્દ્રસિંહ ડોડીયા, જેન્તીગીરી ગોસ્વામી, મુકેશ ડાંગર, અજય ભુંડીયા અને કૃષ્ણદેવસિંહ ઝાલા સહિતનો સ્ટાફ સરકારી જીપ અને ખાનગી કારમાં રાતે ૧૦:૧૫ વાગે બાતમી મુજબની જગ્યાએ પહોંચ્યા હતા. પતરાની ઓરડીમાં છાપો મારતા સ્થળ પર હાજર સિધ્ધાર્થ ઉર્ફ સીધલો મુકેશભાઇ વાઘેલા (ઉ.વ.૨૭, ધંધો, ડ્રાઇવીંગ, રહે, નવદુર્ગાપરા-3) અને ધર્મદીપ ઉર્ફે ધમો મુકેશભાઇ વાઘેલા (ઉ.વ.૨3, ધંધો કડીયા કામ, રહે, નવદુર્ગાપરા-3) ને અટકાયતમાં લઇ લેવાયા હતા. ઓરડીમાં પૂંઠાના ખોખાઓ હતા જેમાં દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો અને ખાલી બોટલો મળી આવી હતી. ઓરડી સાવ નાની હોવાથી ત્યાં મુદ્દામાલની ગણતરી થઇ શકે તેમ ન હોવાથી ખાલી,ભરેલી બોટલ ભરેલા ખોખા સરકારી વાહનોમાં મૂકાવ્યા હતા તેમજ ઓરડીની બહાર પાર્ક કરેલું એક્ટિવા સ્કૂટર કબજે કરાયું હતું. આ સ્કૂટર સૂત્રધાર અંકિત પરમારનું હોવાનું અને આ સ્કૂટર દારૂની હેરાફેરી માટે ઉપયોગમાં લેવાય છે તેવી પકડાયેલા આરોપીએ કબૂલાત આપી હતી.
પોલીસ સ્ટાફ મુદ્દામાલ કબજે કરી બન્ને આરોપીને સરકારી, ખાનગી વાહનોમાં બેસાડી પોલીસ સ્ટેશન જવા રવાના થયો હતો. જોકે શેરીમાંથી વણાંક વળ્યા એ સાથે પાછળથી સાથે હાકલા પડકારા પોલીસ ઉપર પથ્થરમારો શરૂ થયો હતો. પથ્થરમારામાં પોલીસની સરકારી જીપનો કાચ ફૂટી ગયો અને ખાનગી કારમાં પણ નુકશાન થયું હતું. વાહન ઉભા રાખીને હુમલાખોરોની પકડવા પોલીસ સ્ટાફ નીચે ઉતરતા હુમલાખોરો નાસી ગયા હતા. પોલીસે પીછો કરી એક હુમલાખોર રતીલાલ લાલજીભાઇ વાઘેલા (ઉ.વ.૪૨, ધંધો, ગેરેજ, રહે, પંચરત્ન પાર્ક, કણકોટ રોડ નજીક વાડીમાં) ને ઝડપી લીધો હતો.
હુમલો કરીને ભાગવાના પ્રયાસમાં પકડાયેલા રતીલાલની કબૂલાત મુજબ, પોલીસે દારૂની રેડ કરી ભત્રીજઓને ઝડપી લીધાની જાણ થતાં સગા,સંબંધીઓએ ભત્રીજાઓને છોડાવવા હુમલો કર્યો હતો. પોલીસે આરોપીની પુછપરછ કરી ત્રણ મહિલા સહિત અન્ય સાત હુમલાખોરોના નામ ઓકાવી લીધા હતા. તેમજ ઓરડીમાંથી કબજે થયેલી દારૂની ૨૭ ભરેલી બોટલ, ૨૨ ખાલી બોટલ તેમજ મોબાઇલ, એક્ટીવા સહિત કુલ ૫૭ હજારનો મુદ્દામાલ કબજે કરી પકડાયેલા ત્રણ આરોપી તેમજ ફરાર સૂત્રધાર અને ચાર સહિત કુલ ૧૦ આરોપી સામે પ્રોહિબિશન, રાયોટીંગ, હુમલો કરી પોલીસની ફરજમાં રુકાવટ અને સરકારી વાહનોમાં નુકશાન કરવાની કલમ મુજબ ગુનો નોંધી તમામને ઝડપી લેવા શોધખોળ શરૂ કરી છે.
દારુ, હુમલામાં પકડાયેલા તેમજ ફરાર આરોપીના નામ
૧. સિધ્ધાર્થ ઉર્ફે સિધલો મુકેશભાઇ વાઘેલા(નવદુર્ગાપરા, મોટા મવા સ્મશાન સામે) ધરપકડ
૨. ધર્મદીપ ઉર્ફે ધમો મુકેશભાઇ વાઘેલા (નવદુર્ગાપરા, મોટા મવા સ્મશાન સામે) ઘરપકડ
3.રતીલાલ લાલજીભાઇ વાઘેલા (રહે, પંચરત્ન પાર્કની બાજુમાં વાડીમાં, કણકોટ રોડ) ધરપકડ
૪. અંકિત જયંતીભાઇ પરમાર (મુખ્ય સૂત્રધાર, હાલ ફરાર)
૫. તુલસીભાઇ લાલજીભાઇ વાઘેલા (હાલ ફરાર)
૬. હિરેન જયંતીભાઇ પરમાર (હાલ ફરાર)
૭. લ્મીબેન મુકેશભાઇ વાઘેલા (હાલ ફરાર)
૮. જયાબેન જયંતીભાઇ પરમાર (હાલ ફરાર)
૯. જયોતીબેન સિધ્ધાર્થભાઇ વાઘેલા (હાલ ફરાર)
૧૦. રંજનબેન રતીલાલ વાઘેલા (હાલ ફરાર)
સૂત્રધાર અંકિત અગાઉ મર્ડર, દારૂની હેરાફેરીમાં પકડાઇ ચૂક્યો છે
દારુની હેરાફેરી અને પોલીસ ઉપર પથ્થરમારો કરવાના ગુનામાં મુખ્ય સૂત્રધાર તરીકે અંકિત જયંતીભાઇ પરમારનું નામ સામે આવ્યું છે. અંકિત પરમાર પાંચેક વર્ષ પહેલાં પુષ્કરધામ રોડ પર એક યુવકની હત્યાના ગુનામાં પકડાયો હતો. તેમજ તેની સામે દારૂની હેરાફેરીના ગુના પણ નોંધાઇ ચૂક્યા હોવાનું પોલીસસૂત્રોએ જણાવ્યું હતું.
