વિનય પરમાર,રાજકોટ: વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસનો નામોશીભરી હાલત પછી હવે નગરપાલિકા અને મહાનગરપાલિકાઓની ચૂંટણીમાં ફરી પાણી મપાઇ જવાનું છે. જો કે કોંગ્રેસને ફરી બેઠી કરવા માટે પ્રદેશના મવડી મંડળે જે પ્રયાસ શરૂ કર્યા છે,એ દરમિયાનમાં આજે રાજકોટ મનપાની ચૂંટણી લડવા ઇચ્છુક દાવેદારોને સાંભળવા માટે પ્રદેશમાંથી નરેશ રાવલ, અમીબેન યાજ્ઞિક અને શૈલેષ પરમાર સહિત ત્રણ નિરિક્ષકો સેન્સ માટે આવ્યા છે. આજે વોર્ડ નં.૧થી ૯નો વારો રાખવામા આવ્યો હતો. પ્રત્યેક વોર્ડમાંથી ટીકીટ માટે બબ્બે ડઝન દાવેદારોનો રાફડો ફાટ્યો હતો.

મહાપાલિકાની ચૂંટણીની આચારસંહિતા અમલી બનવાની ઘડીઓ ગણાઇ રહી છે. એ પુર્વે જ મુખ્ય બન્ને પક્ષ ભાજપ અને કોંગ્રેસે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ગ્રુપ મિટિંગ, મહોલા મિટિંગનો ધમધમાટ શરૂ થઇ ચુક્યો છે. આ વખતે ત્રિપાંખિયો જંગ થવાનો છે. આમઆદમી પાર્ટી પણ એડીચોટીનું જોર લગાવવા મેદાન ઉતરી છે.
આવી સ્થિતિ વચ્ચે કોંગ્રેસની સેન્સ પ્રક્રિયાનો આજથી પ્રારંભ થયો છે. ચૂંટણી લડવા ઇચ્છતા હોય તેવા દાવેદારોને સાંભળવા માટે પ્રદેશમાંથી નરેશ રાવલ, અમીબેન યાજ્ઞિક અને શૈલેષ પરમારને રાજકોટ મોકલવામા આવ્યા છે. ઢેબર કોલોની ખાતે આવેલા શહેર કોંગ્રેસના મધ્યસ્થ કાર્યાલય ખાતે સેન્સ લેવામા આવી રહી છે. આજે વોર્ડ નં.૧ થી ૯નો વારો હતો. આવતીકાલે વોર્ડ નં.૧૦થી ૧૮નો વારો રહેશે.

દરમિયાન આજે પ્રથમ દિવસે વોર્ડ નં.૧થી ૯માં પ્રત્યેક વોર્ડમાંથી ૨૦થી ૨૫ દાવેદારોનો રાફડો ફાટ્યો હતો. સૌ કોઇએ મજબૂત રીતે દાવેદારી કરી હતી. જ્ઞાતિ સમીકરણથી માંડી તમામ પરિબળને ધ્યાનમાં રાખીને નિરિક્ષકો દાવેદારોમાંથી મજબૂત હોય તેવા ઉમેદવારની પેનલ બનાવીને મવડી મંડળ સમક્ષ મુકશે.
કોંગ્રેસનો પોકેટ એરિયા હોય એ વોર્ડમાં ટીકીટ મેળવવા પડાપડી
જ્યા કોંગ્રેસની પરંપરાગત વોટબેંક હોય તેવા વિસ્તાર વોર્ડ નં.3, ૪ સહિતના વિસ્તારોમાં ચૂંટણી લડવા માટે દાવેદારોનો સૌથી વધુ રાફડો ફાટ્યો છે. જો કે આ વખતે સીમાંકન અને અનામત સીટમાં ધરખમ ફેરફાર થયો છે. એ જોતા પરંપરાગત વોટબેંકવાળા વોર્ડમાં ઉથલપાથલ થવાની પ્રબળ સંભાવના છે.
“માત્ર દાવેદારી, ફરિયાદ સાંભળવા નથી આવ્યા!”
કોંગ્રેસમાં આંતરિક જૂથવાદ, ટાંટિયાખેંચ રાજકારણ એ જુની પંકાયેલી છાપ છે. જેટલા નેતા એટલા જૂથ. આવી સ્થિતિ વચ્ચે આજે સેન્સ પ્રક્રિયા દરમિયાન દાવેદારી માટે આવેલા અમુક મુરતિયાઓએ નારાજગી વ્યક્ત કરવાની તક છોડી ન હતી. જો કે નિરિક્ષકોએ એવુ કડકાઇથી કહી દીધુ હતુ કે, માત્ર દાવેદારી જ કરો. અમે તમારી ફરિયાદ સાંભળવા નથી આવ્યા!
પ્રત્યેક વોર્ડને દોઢથી બે કલાકનો સમય ફાળવાયો
સેન્સ માટે અગાઉથી જ કાર્યક્રમ જાહેર કરી દેવામા આવ્યો છે. ક્યા વોર્ડનો વારો કેટલા વાગે છે એ પણ અગાઉથ જ જાહેર કરી દેવામા આવ્યુ છે. પ્રત્યેક વોર્ડ માટે દોઢથી બે કલાકનો સમય ફાળવવામા આવ્યો છે.
