ગુજરાતના ભાજપના રાજ્યસભાના સાસંદ અને પ્રખ્યાત ધારાશાસ્ત્રી અભય ભારદ્વાજનું મંગળવારે બપોરે નિધન થયું છે. જુલાઈ મહિનામાં સાંસદ ભારદ્વાજને કોરોનાનું સંક્રમણ થયું હતું અને ત્યારબાદ તેમની તબિયત અત્યંત ગંભીર થતા તેમને ચેન્નાઈની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ફેફસામાં લોહીના ગઠ્ઠા જામી જતા ફેફસા કામ કરતા બંધ થતા ચેન્નાઈ ખાતે આજે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. અભાય ભારદ્વાજનું મૃત્યુ હાર્ટએટેકથી થયું હોવાનું તેમના નિકટના સ્વજનોએ જણાવ્યું હતું.
ચેન્નઈમાં ફેફસાંના નિષ્ણાંત ડોક્ટર બાલકૃષ્ણ પાસે અભય ભારદ્વાજની સારવાર કરાવવામાં આવતી હતી. તેઓને ECMO ટ્રીટમેન્ટ આપવામાં આવી હતી. ગુજરાત ભાજપાના રાજ્યસભા સાંસદ અભય ભારદ્વાજ 4 સપ્ટેમ્બરથી રાજકોટના ICU વોર્ડમાં સારવાર હેઠળ હતા.
સીએમ રૂપાણીએ રાજ્યસભા સાંસદ અભયભાઇ ભારદ્વાજને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલી આપી
સીએમ રૂપાણીએ રાજ્યસભાના સાંસદ અને ભાજપા અગ્રણી અભયભાઇ ભારદ્વાજના દુ:ખદ અવસાન અંગે ઘેરા શોકની લાગણી વ્યકત કરી ભાવસભર શ્રદ્ધાંજલિ પાઠવી છે.
મુખ્યમંત્રીએ અભયભાઇના અવસાનથી શોકમગ્ન સંવેદના સાથે તેમને ભાવાંજલિ આપતા શોક સંદેશમાં જણાવ્યું છે કે, પોતાના પરમ મિત્ર, અદના સાથી, સહકાર્યકર્તા અને તાજેતરમાં રાજ્યસભાના સાંસદ તરીકે ચૂંટાયેલા અભયભાઇના અવસાનથી ભાજપા અને વ્યકિતગત રીતે તેમને પોતાને અને ગુજરાતને મોટી ખોટ પડી છે
સીએમ રૂપાણીએ જણાવ્યું કે અભયભાઇ ખૂબ સારા ધારાશાસ્ત્રી હતા. ખાસ કરીને તેઓ લડાયક નેતૃત્વ કરવા સાથે દેશ, ધર્મ, સંસ્કૃતિ, સમાજ માટે તેમનું કમિટમેન્ટ-પ્રતિબદ્ધતા હતી. અભયભાઇ સૌને સાથે લઇને ચાલનારા સરળ સ્વભાવના વ્યકિતત્વના ધની હતા. તેમની વર્ષોથી ગ્રાસરૂટ લેવલના કાર્યકર્તાથી માંડીને રાજ્યસભાના સાંસદ તરીકેની જીવનયાત્રા રહી છે, તેનું પણ મુખ્યમંત્રીએ સ્મરણ કર્યુ હતું.
સીએમ રૂપાણીએ ઉમેર્યુ કે, તેમના અવસાનથી અભયભાઇના પરિવારને મોટી ખોટ પડી છે. ભારતીય જનતા પાર્ટીએ પણ એક સંનિષ્ઠ-સારા નેતા-કાર્યકતા ગુમાવ્યા છે. મુખ્યમંત્રીએ અભયભાઇ ભારદ્વાજના આત્માની પરમશાંતિની પરમાત્માને પ્રાર્થના કરવા સાથે તેમના પરિવાર પર આવી પડેલી આ કપરી વેળાને સહન કરવા પ્રભૂ હિંમત આપે દુ:ખ સહન કરવાની શકિત આપે તેમ પણ શોકાંજલી સંદેશમાં જણાવ્યું હતું.
