ચોરી ઉપરથી સીના જોરી ? ‘હોસ્પિટલ સીલ કરી તો એકપણ દર્દીની સારવાર નહીં કરીએ’ રાજકોટ IMAની ‘લુખ્ખી ધમકી’

વિનય પરમાર,રાજકોટ: રાજકોટમાં ગોકુલ હોસ્પિટલ સંચાલિત ઉદય કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગથી ૫ દર્દી જીવતા ભુંજાઇ ગયાની ઘટના બાદ જાગેલી મહાપાલિકાએ ફાયર એન.ઓ.સી. વગરની હોસ્પિટલને સીલ કરી દેવામા આવશે તેવુ અલ્ટીમેટમ આપ્યુ છે. અત્યાર સુધી ફાયર સેફ્ટીને અભેરાઇએ મુકી દેનાર તબીબી આલમ મનપાના આ અલ્ટીમેટમથી થરથર ધ્રુજીને ફાયર સેફ્ટી નાખીને એન.ઓ.સી. મેળવવા માટે મુદત વધારી આપે તેવી માગણી સાથે મનપા કચેરીએ દોડી આવ્યા હતા. ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના નેજા હેઠળ આ માગણી કરવામા આવી હતી. મનપા જો હોસ્પિટલને સીલ કરવાની કાર્યવાહી કરશે તો રાજકોટની એક પણ ખાનગી હોસ્પિટલ દર્દીને દાખલ નહીં કરે એવી ચીમકી આપીને ખાનગી તબીબોએ મ્યુનિ. કમિશનરને સામે રિતસર શિંગળા ભરાવ્યા છે.

ફાયર સેફ્ટીની બાબતે રાજકોટ મહાપાલિકા તંત્ર આમતો પહેલેથી જ ગુનાહિત નિષ્ક્રિયતા દાખવતી આવી છે. મોટાભાગની શાળા-કોલેજ, રહેણાંક કે કોમર્શિયલ બિલ્ડીંગ, હોસ્પિટલોમાં ફાયર એન.ઓ.સી. નથી. અને જો જે તે વખતે કઢાવ્યુ હોય તો નિયમ મુજબ રિન્યુ કરાવેલુ નથી. ગોકુલ હોસ્પિટલ સંચાલિત ઉદય કોવિડ હોસ્પિટલમાં એકસાથે ૫ દર્દી જીવતા ભુંજાઇ ગયાની ઘટના પછી મહાપાલિકા જાણે અચાનક જ કુંભકર્ણની નિંદ્રામાંથી જાગી હોય તેમ હોસ્પિટલોમાં ફાયર સેફ્ટીની ચિંતા સતાવા લાગી. જો કે દેર સે આયે દુરસ્ત આયે એ કહેવત મુજબ દર્દી અને તેમના સગા વ્હાલાની સુરક્ષા માટે મહાપાલિકાએ ફાયર એન.ઓ.સી. વગરની હોસ્પિટલ સામે કડક પગલાં લેવાનું શરૂ કર્યુ છે.

૧૫ દિવસમાં ફાયર સેફ્ટીના સાધનો અને તેને લગતા જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ફેરફાર કરવામા નહીં આવે તો હોસ્પિટલ સીલ કરી દેવામા આવશે તેવી નોટિસ આપતા ખાનગી તબિબો બેબાકળા બની ગયા છે. આજે ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના પ્રમુખ ડો.જય ધીરવાની, સેક્રેટરી ડો.રુકેશ ઘોડાસરા સહિતના હોદેદારોનું એક ડેલીગેશન મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલને રૂબરૂ મળવા દોડી આવ્યા હતા. હોસ્પિટલ સીલ કરવાની નોટિસનો વિરોધ કર્યો હતો. ફાયર સેફ્ટીના સાધનો વસાવવા સામે વાંધો નથી પરંતુ ફાયર સેફ્ટીને લગતા ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ફેરફાર કરવો શક્ય નથી. મનપાએ જે ગાઇડલાઇન આપી છે એ મુજબ ફેરફાર કરવામા ઓછામાં ઓછા ૮ થી ૧૨ મહિના લાગી જાય તેમ છે. અમુક હોસ્પિટલ જુના બિલ્ડીંગમાં હોય ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ફેરફાર કરવો શક્ય નથી. તેમ કહીને રાજકોટ મેડિકલ એસોસિએશને એવી ખુલ્લી ધમકી આપી છે કે, જો એકપણ હોસ્પિટલ સીલ કરવામા આવશે તો રાજકોટની એકપણ ખાનગી હોસ્પિટલમાં દર્દીને દાખલ કરવાનું બંધ કરી દેવામા આવશે તેમ એસોસિએશનના પ્રમુખ ડો. જય ધીરવાનીએ ચીમકી આપી છે. એક રીતે કહીએ તો તબીબી આલમે મ્યુનિ. કમિશનરને સામે શિંગળા ભરાવ્યા છે.

મેડિકલ એસોસિએશને માગણીનો લીથો કમિશનરના હાથમાં પકડાવ્યો!

-બધા જ ડોકટરોને એકસરખા નિયમોમાં ઠોકી બેસાડવાના બદલે નર્સિંગ હોમનું વર્ગિકરણ કરવામા આવે. બેડની સંખ્યા પ્રમાણે વર્ગિકરણ કરવામા આવે.
-સારવાર પ્રમાણે આઇ.સી.યુ. અને નોન આઇ.સી.યુ. હોસ્પિટલ એમ અલગ માપદંડ રાખવામા આવે.
-કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં નર્સિંગ હોમમાં ફાયર સેફ્ટીના સાધનોની પુતર્તા કરવાની તૈયારી છે છતા પણ કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં અન્ય એકમોના કારણે ના-વાંધા પ્રમાણપત્ર આપવામા આવતુ નથી. તે બાબત ધ્યાનમાં રાખીને નિરાકરણ લાવવામા આવે.
-પ્રવર્તમાન નર્સિંગ હોમ, હોસ્પિટલ કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં કાર્યરત છે. જે તે સમયના નિયમ અનુસાર બનેલી છે. હવે ત્યા કોઇપણ પ્રકારની માળખાકીય તોડફોડ કે ફેરફાર કરવો શક્ય નથી.
-હાલ ફાયર સેફ્ટીનું કામ કરનાર કોઇ પેઢી કે એજન્સી પાસે સાધનો અત્યંત મર્યાદિત હોય છે. ફાયર સેફ્ટીના સાધનોની માગ વધતા કાળાબજાર થવાની શક્યતા હોય પ્રાઇઝ કેપીંગ કરી આપવામા આવે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap