કોંગ્રેસ નવા કૃષિ કાયદાની વિરુદ્ધ સરકારને ઘેરી લેવાના મૂડમાં છે. આ જોતા રાહુલ ગાંધી આજે રસ્તા પર ઉતરીને રાષ્ટ્રપતિ ભવન તરફ કૂચ કરવા નીકળ્યા હતાં. રાહુલ ગાંધીએ તેમના પક્ષના નેતાઓ સાથે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળ્યા હતા અને કૃષિ કાયદાની વિરુદ્ધ એકત્ર થયેલા 2 કરોડ લોકોની સહીઓ સોંપી હતી. રાષ્ટ્રપતિને મળ્યા બાદ રાહુલ ગાંધીએ કહ્યું, “મેં રાષ્ટ્રપતિને કહ્યું કે આ કૃષિ કાયદા ખેડૂત વિરોધી છે. દેશએ જોયું છે કે ખેડૂતો આ કાયદાની વિરુદ્ધ મક્કમ છે.”
રાહુલ ગાંધીએ પીએમ મોદી પર સવાલ ઉઠાવતા કહ્યું કે,અમે ત્રણ લોકો રાષ્ટ્રપતિ પાસે ગયા. અમે કરોડો ખેડૂતોની સહીઓ લીધી. અમે ખેડૂતોનો અવાજ રાષ્ટ્રપતિ સુધી પહોંચાડી છે. ઠંડીની સિજન છે અને આખો દેશ જોઈ રહ્યો છે કે ખેડૂત દુ:ખમાં છે, વેદનામાં છે અને મરી રહ્યો છે. પ્રધાનમંત્રીને સાંભળવું પડશે. હું અગાઉથી બોલું છું. મેં કોરોના પર કહ્યું કે નુકસાન થવાનું છે. આજે ફરી હું કહું છું કે ખેડૂતો અને મજૂરો સામે તાકાત નહીં ચાલે. આ ભાજપ-આરએસએસને નથી, પરંતુ દેશને નુકસાન થઈ રહ્યું છે. આ ખેડૂત વિરોધી કાયદો છે. આનાથી ખેડૂતો અને કામદારોને ભારે નુકસાન થશે. સરકારે કહ્યું હતું કે, કાયદો ખેડૂતના હિત માટે છે. પરંતુ ખેડૂત આ કાયદાની વિરુદ્ધ ઉભો છે. સરકારે એવું ન વિચારવું જોઇએ કે ખેડૂત અને મજૂર ઘરે જશે. જશે નહીં કાયદો પાછો ખેંચાય ત્યાં સુધી. સરકારે સંસદનું સંયુક્ત સત્ર બોલાવવું જોઈએ અને આ કાયદા તાત્કાલિક પાછા ખેંચવા જોઈએ.
રાહુલ ગાંધીની સાથે ગુલામ નબી આઝાદ અને અધિર રંજન ચૌધરી પણ રાષ્ટ્રપતિ ભવન ગયા અને રાષ્ટ્રપતિને મળ્યા હતા.
પ્રિયંકા ગાંધીની ધરપકડ
બીજી તરફ, દિલ્હી પોલીસે પ્રિયંકા ગાંધી અને કોંગ્રેસના અન્ય નેતાઓની ધરપકડ કરવામાં આવી હતી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને નિવેદન સોંપવા તેઓ રાષ્ટ્રપતિ ભવન તરફ પ્રયાણ કરી રહ્યા હતા.
કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધીને પોલીસે અટકાયતમાં લેતા પહેલા તેમણે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે,ભાજપ સરકાર ખેડૂતોના પેટ પર લાત મારી રહી છે અને ખેડૂતોની સાથે ઉભા રહેવું અમારૂ કર્તવ્ય છે, તેથી અમે અમારી ફરજ નિભાવશું. અમે લોકશાહીમાં જીવીએ છીએ અને તેઓ (રાહુલ ગાંધી અને કોંગ્રેસના અન્ય સાંસદો) સાંસદ ચૂંટાયા છે. તેને રાષ્ટ્રપતિને મળવાનો અધિકાર છે અને તેને મંજૂરી હોવી જોઈએ. તેમાં શું સમસ્યા છે? દિલ્હીની બોર્ડક પર અડગ લાખો ખેડૂતોના અવાજો સાંભળવા માટે સરકાર તૈયાર નથી.
