વિનય પરમાર,રાજકોટ: વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ આજે રાજકોટ ખાતે નિર્માણ પામનાર એઇમ્સનું વર્ચ્યુઅલ ખાતમુહૂર્ત કરતાં જણાવ્યું હતું કે રાજકોટની એઇમ્સ દ્વારા દેશના આરોગ્ય ક્ષેત્રના આંતરમાળખાને મજબૂત બનાવનાર વધુ એક કડી ઉમેરાઇ છે, જેના થકી ગુજરાતની સાથે સમગ્ર દેશમાં સ્વાસ્થ્ય-સેવાને નવું બળ મળશે.
વડાપ્રધાને 2020નું વર્ષ હેલ્થ ચેલેન્જીઝનું વર્ષ ગણાવતાં કહયું હતું,કે ગત વર્ષના પડકારો સામે 2021નું વર્ષ હેલ્થ સોલ્યુશનનું વર્ષ બની રહેશે. તથા ભારત ફયુચર ઓફ હેલ્થ અને હેલ્થ ઓફ ફયુચર બંને ક્ષેત્રમાં મહત્વપૂર્ણ બની રહેશે.
વડાપ્રધાન મોદીએ કોરોના યોધ્ધાઓના સમર્પણને બિરદાવતાં કહયું હતું કે, મુશ્કેલ સમયમાં દેશની જનતાએ એક થઇને કોરોના સામે આપેલી લડતથી આપણે કોરોનાના સંક્રમણને ખાળી શકયા છીએ. એક કરોડથી વધુ કોરોના સંક્રમિતોની સારવાર કરીને ભારતે સમગ્ર વિશ્વને બતાવી દીધું છે કે, દેશનું સ્થાન વિશ્વ આરોગ્ય ક્ષેત્રમાં અગ્રિમ હરોળનું છે.
2020નું વર્ષ આરોગ્ય ક્ષેત્રના અભૂતપૂર્વ પડકારો લઇને આવ્યું હતું, જેને નવી આરોગ્ય સવલતના ઉદયથી આપણે વિદાયમાન પાઠવીએ છીએ, એ આપણા માટે ગૌરવની વાત છે. આ તકે રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ અપાણીએ એઈમ્સ દ્વારા રાજયના આરોગ્ય ક્ષેત્રે વધુ એક યશકલગી ઉમેરાઈ તેમ જણાવી આશા સેવી હતી કે મેડીકલ ટુરીઝમ અને રોજગારીના સર્જનમાં એઈમ્સ નિમિત્ત બનશે. જયારે નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇએ કહ્યું હતું કે છેલ્લા બે દાયકામાં 31 મેડીકલ કોલેજ અને 6000થી વધુ મેડીકલ સીટ ઉપલબ્ધ બનાવનાર ગુજરાત દેશનું અગ્રીમ રાજય બની ગયું છે.
