બાયો બબલ સિક્યુરિટીના ઉલ્લંઘનને લઈને આલોચના થઈ રહેલા BCCI અને ભારતીય ક્રિકેટ ટીમ માટે રાહતના સમાચાર આવ્યા છે. BCCIએ એક નિવેદન બહાર પાડ્યું છે કે, ટીમ ઈન્ડિયાના પ્લેઈંગ મેમ્બર્સ અને સપોર્ટ સ્ટાફના કોરોના વાયરસ ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. થોડા દિવસો પહેલા પાંચ ભારતીય ક્રિકેટરો-રોહિત શર્મા, ઋષભ પંત, શુભમન ગિલ અને પૃથ્વી શો અને નવદીપ સૈની મેલબોર્નની એક રેસ્ટોરન્ટમાં જોવા મળ્યા હતા, ત્યારબાદ બાયો બબલના ઉલ્લંઘનને લઈને તપાસ ચાલી રહી હતી.
ન્યૂઝ એજન્સી ANI અનુસાર, BCCIએ પોતાના નિવેદનમાં કહ્યું, ‘ભારતીય ક્રિકેટ ટીમના પ્લેઈંગ મેમ્બર્સ અને સપોર્ટ સ્ટાફની કોવિડ -19 માટે 3 જાન્યુઆરી 2021 ના રોજ RT-PCR ટેસ્ટ કરાયું હતું. દરેકના પરિણામો નેગેટિવ આવ્યા છે.”
ટીમ ઈન્ડિયાના ખેલાડીઓનું સંપૂર્ણ ધ્યાન આગામી ટેસ્ટ મેચ પર છે, જે 7 જાન્યુઆરીએ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે. સૂત્રોએ જણાવ્યું હતું કે, “ખેલાડીઓ બહારની દુનિયાથી પૂર્ણ રીતે કટ થઈ ગઈ છે અને કોણ શું બોલી રહ્યું છે તેના પર પણ તેઓ ધ્યાન આપતા નથી. અમને ખાતરી છે કે પ્રોટોકોલનું ઉલ્લંઘન નથી. અમારું ધ્યાન હવે ત્રીજી ટેસ્ટ મેચ તરફ છે. અમે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર ટેસ્ટ મેચના અંતે 2-1થી પરિણામ લાવવા માંગીએ છીએ.”
ટીમ ઈન્ડિયાના પાંચ ખેલાડીઓ મેલબોર્નની એક રેસ્ટોરન્ટમાં જમતા જોવા મળ્યા હતા. સોશિયલ મીડિયા પર એક યુઝરે દાવો કર્યો હતો કે તેણે ખેલાડીઓનું બિલ ચૂકવ્યું હતું અને પંતે પણ તેમને ગળે પણ મળ્યો હતો. જો કે, ત્યાર બાદ યુઝરે સ્પષ્ટતા કરી હતી કે તે એક્સાઈટમેન્ટમાં આવું કહ્યું હતું, અને પંતે તેમ કર્યું ન હતું.
વીડિયો સામે આવ્યા બાદ, બીસીસીઆઈ અને ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ મળીને આ મામલાની તપાસ શરૂ કરી હતી અને ખેલાડીઓને આઈસોલેશનમાં મોકલી દેવામાં આવ્યા હતા.
