નેપાળમાં એક મોટું રાજકીય સંકટ ઊભું થયું છે. નેપાળના કાર્યકારી પ્રધાનમંત્રી કેપી ઓલીને શાસક નેપાળ કોમ્યુનિસ્ટ પાર્ટીમાંથી દૂર કરવામાં આવ્યા છે. આ સાથે પાર્ટીમાં તેમનું સભ્યપદ પણ ખતમ કરી દેવામાં આવ્યું છે. ત્યાર બાદ નેપાળમાં એક રાજકીય વાવાઝોડું ઊભું થયું છે, છેલ્લા ઘણા મહિનાઓથી પીએમ ઓલી સામે સતત બગાવતી સુર ઉઠયા હતા. ત્યારબાદ હવે તેમને પાર્ટીમાંથી નિકાળી દેવામાં આવ્યા છે.
પીએમ કેપી ઓલીને પાર્ટીમાંથી હટાવવામાં આવ્યાના થોડા કલાકો બાદ સંસદીય નેતાના પદ પરથી દુર કરી દેવામાં આવ્યા હતા. નેપાળ કોમ્યુનિસ્ટ પાર્ટીમાં છેલ્લા કેટલાક સમયથી બે જૂથો છે. જેનો એક ભાગ પીએમ કેપી ઓલી તરફ છે અને બીજો ભાગ પુષ્પ કમલ દહલ પ્રચંડ તરફ છે. પ્રચંડ સતત કેપી ઓલી સામે માહોલ બનાવવા માટે કામ કરી રહ્યો હતે. જેમાં હવે તેઓ એક હદ સુધી સફળ પણ જોવા મળ્યો છે.
કેપી ઓલીને સંસદીય નેતા પદ પરથી હટાવ્યા બાદ પુષ્પ કમલ દહલ પ્રચંડને સંસદીય પક્ષના નવા નેતા તરીકે ચૂંટવામાં આવ્યા. આ સાથે કેપી ઓલીને પાર્ટી અધ્યક્ષ પદ પરથી પહેલાથી હટાવી દેવામાં આવ્યા છે. અસલી વિવાદ ત્યારે વધી ગયો હતો જ્યારે ઓલીએ રાષ્ટ્રપતિને સંસદ ભંગ કરવા માટે અરજી કરી હતી. ત્યાર બાદ ઓલી મંત્રીમંડળના લગભગ 7 મંત્રીઓએ રાજીનામું આપ્યું હતું. તે બધા જ પક્ષના જ બીજા જૂથના સમર્થક હતા.
હવે રાષ્ટ્રપતિ વિદ્યા દેવી ભંડારીએ પીએમ ઓલીના આ પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે અને મધ્યવર્તી સામાન્ય ચૂંટણીઓની પણ જાહેરાત કરવામાં આવી છે. પ્રથમ તબક્કો નેપાળમાં 30 એપ્રિલે અને બીજો તબક્કો 10 મેએ યોજાશે. કમ્યુનિસ્ટ પાર્ટીમાં હાલમાં ફક્ત પ્રચંડ જૂથ જ મજબૂત જોવા મળે છે.
