વિનય પરમાર, રાજકોટ: શહેરમાં થર્ટી ફર્સ્ટની ઉજવણીને નશીલી બનાવવા માટે બુટલેગરો અનેકવિધ કીમિયા અજમાવી રહ્યા છે. પરંતુ પોલીસ એક કદમ આગળ હોય તેમ બુટલેગરોથી એક સ્ટેપ આગળ વિચારીને તેઓના મનસુબા ઉપર પાણી ફેરવી રહી છે. એસઓજી બ્રાન્ચે બેટી ગામ પાસેથી કપ-રકાબીની આડમાં છુપાવી ધ્રોલ જતા દારૂ ભરેલા આઇશરને ઝડપી લઇ હરિયાણાના શખ્સની ધરપકડક કરી છે. પોલીસે 6 લાખનો 1488 બોટલ દારૂ, આઇશર અને ફોન સહીત 13,94,200 રૂપિયાનો મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
થર્ટી ફર્સ્ટ માટે મંગાવવામાં આવતા દારૂ ઉપર ખાસ વોચ રાખવા અને બુટલેગરોની તમામ ગતિવિધિ ઉપર બાજનજર રાખી દારૂના દુષણને ડામી દેવાની ઉચ્ચ અધિકારીઓની સુચના અન્વયે એસઓજી પીઆઇ આર વાય રાવલના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ અતુલ સોનારા અને ડીસીબીની ટિમ પેટ્રોલીંગમાં હતી. દરમિયાન સમીરભાઈ શેખ અને અજીતસિંહ પરમારને મળેલી બાતમી આધારે નિલેશભાઈ ડામોરને સાથે રાખીને અમદાવાદ હાઇ-વે ઉપર બેટી ગામના પાટિયા પાસે વોચ ગોઠવી હતી.
દરમિયાન બાતમીવાળું આઇશર પસાર થતા તેને અટકાવી જડતી લેતા પ્રથમ તેમાંથી કપ-રકાબી સહીત કિચનવેરની આઇટમોના બોક્સ મળી આવ્યા હતાં. જે હટાવી ચેક કરતા અંદરથી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ગણતરી કરતા અંદરથી જુદા-જુદ બ્રાન્ડનો 6,01,200 રૂપિયાનો 124 પેટી એટલે કે 1488 બોટલ દારૂ મળી આવતા હરિયાણાના મેવાત જિલ્લાના તાવડું તાલુકાના છારોડા ગામના આઝમ આસખાન છારોરા નામના ડ્રાયવરની ધરપકડ કરી હતી.
પોલીસે દારૂ, 90 હજારના 450 કપ-રકાબીના બોક્સ, 7 લાખનું આઇશર અને એક ફોન સહીત 13,94,200 રૂપિયાનો મુદામાલ કબ્જે કર્યો હતો અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. ધ્રોલ કોને તારું પહોંચાડવાનો હતો તે જાણવા આરોપીના કોરોના રિપોર્ટ કરાવી રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરવામાં આવશે.
