વિનય પરમાર, રાજકોટ: શહેરમાં દારૂ જુગારના કેસો કરવાની સૂચના અન્વયે કુવાડવા રોડ પોલીસે બાતમી આધારે બેડી વાછક્પર ગામે તબેલામાં કટિંગ ટાણે જ દરોડો પાડી 3.36 લાખનો દારૂ ઝડપી લઇ એમપીના શ્રમિક સહીત 4 શખ્સોને દબોચી લઇ પોલીસે દારૂ, 3 વાહન, ફોન સહીત 18.48 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો જયારે નાશી છૂટેલા મુખ્ય સુત્રધારની શોધખોળ હાથ ધરી છે.
શહેરમાં દારૂની હેરાફેરી કરતા શખ્સો ઉપર બાજનજર રાખવાની ઉચ્ચ અધિકારીઓની સૂચના અન્વયે કુવાડવા રોડ પોલીસ સ્ટેશનના પીઆઇ એમ સી વાળાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ આર કે રાઠોડ અને તેમની ટિમ પેટ્રોલીંગમાં હતી દરમિયાન સ્ટાફને ખાનગીરાહે હકીકત મળી હતી કે બેડી વાછકપર ગામે એક તબેલામાં દારૂના મોટા જથ્થાનું કટિંગ થઇ રહ્યું છે.
આ બાતમી આધારે દરોડો પાડતા ત્યાં 4 શખ્સો મળી આવતા ચારેયને સકંજામાં લઇ નામઠામ પૂછતાં મૂળ પાટણનો હાલ રામાભાઈની આ વાડીમાં રહેતો ભીખા રાજુભાઈ ગોળવાડીયા, રાજકોટના ભીખાભાઇ ઉકાભાઇ ભરવાડ, આ જ વાડીમાં રહેતા પથુ ભુપતભાઇ વાંસકુડા અને મૂળ એમપીનો હાલ આ વાડીમાં રહેતો નાનજી ભુલસીંગ ગણાવા હોવાનું જણાવતા ચારેયની ધરપકડ કરી પોલીસે આ તબેલામાંથી દારૂની 636 બોટલ અને 180 એમએલના 816 ચપલા મળી આવતા 3.36 લાખનો દારૂ કબ્જે કર્યો હતો.
આ દારૂ ઉપરાંત બે કાર, એક ઠાઠાવાળી ગાડી અને બે ફોન સહીત 18.48 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો પ્રાથમિક તપાસમાં આ દારૂ રામાભાઇ દેવાભાઈ ભરવાડે ઉતાર્યો હોવાનું તપાસમાં ખુલતા પોલીસે તેના વિરુદ્ધ ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે.
