વિનય પરમાર,રાજકોટ: શહેરમાં દારૂ જુગારના કેસો કરવાની સૂચના અન્વયે ડીસીબીએ રાધેકૃષ્ણ રોડ ઉપરથી કારમાં 1,87,770 રૂપિયાની દારૂની 249 બોટલ લઈને નીકળેલા રાજકોટ-જસદણના બે બુટલેગરોને ઝડપી લઇ કાર, બે ફોન સહીત 6,40,270 રૂપિયાનો મુદામાલ કબ્જે કર્યો છે જયારે ખોડિયારનગરમાં બીજો દરોડો પાડી 48 બોટલ દારૂ સાથે એક બુટલેગરને દબોચી લઇ સપ્લાયરની શોધખોળ હાથ ધરી છે જયારે ભગવતિપરાના વૃદ્ધને આજી ડેમ પોલીસે લોઠડા પાસેથી 6 બોટલ દારૂ સાથે દબોચી લઇ જરૂરી કાર્યવાહી કરી હતી.
શહેરમાં તહેવાર ટાણે બમણી કમાણી કરવાના ઇરાદે બુટલેગરો બેફામ બની જતા હોય છે ત્યારે આવી દારૂની હેરાફેરી ઉપર ખાસ વોચ રાખવાની સૂચના અન્વયે ડીસીબી પીઆઇ વી કે ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એચ બી ધાંધલ્યા અને તેમની ટિમ પેટ્રોલીંગમાં હતી.
દરમિયાન રઘુવીરસિંહ વાળા, સુભાસભાઈ ઘોઘારી અને શક્તિસિંહ ગોહિલને મળેલી બાતમી આધારે પ્રદીપસિંહ જાડેજા, સિધ્ધરાજસિંહ જાડેજા, રાજેશભાઈ બાળા અને અશોકભાઈ ડાંગરને સાથે રાખીને રાધેકૃષ્ણ રોડ ઉપ્પર ગોપાલ મંડપ સર્વિસ પાસે વોચ ગોઠવી બાતમીવાળી સ્વીફ્ટ કાર પસાર થતા તેને અટકાવી જડતી લેતા તેમાંથી જુદી જુદી બ્રાન્ડનો 1,87,770 રૂપિયાનો 249 બોટલ દારૂ મળી આવતા રાજકોટ રૈયા રોડ ગ્રામજીવન સોસાયટીના સંજય ઉર્ફે માજન પ્રફુલભાઇ લાઠીગરા અને જસદણ પુષ્કરધામ સોસાયટીના દીપેશ નરેશભાઈ રાજાણીને ઝડપી લઇ ગુનો નોંધી દારૂ, કાર અને બે ફોન સહીત 6,40,270 રૂપિયાનો મુદામાલ કબ્જે કર્યો છે આ બેલડીએ રાજસ્થાનથી દારૂનો જથ્થો લાવ્યા હોવાની કબૂલાત આપી છે.
સંજય અગાઉ પણ ગાંધીગ્રામમાં દારૂના કેસમાં પકડાઈ ચુક્યો હોવાનું જાણવા મળ્યું છે તેમજ પી બી જેબલીયા અને તેમની ટીમે 150 ફૂટ રિંગ રોડ ખોડિયારનગરમાં રાજુ ભગવાનજી સોલંકીના ઘરમાં દરોડો પાડતા ત્યાંથી 19200 રૂપિયાનો 48 બોટલ દારૂ મળી આવતા કબ્જે કરી રાજુની ધરપકડ કરી પૂછતાછ કરતા તેને ગોંડલ રોડ આંબેડકરનગરમાં રહેતો રામો આપી ગયો હોવાનું જણાવતા તેના વિરુદ્ધ ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.
જ્યારે આજી ડેમ પીઆઇ વી જે ચાવડાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એમ એમ ઝાલા અને સ્ટાફ પેટ્રોલીંગમાં હતો દરમિયાન લોઠડાથી પડવલા જતા રોડ ઉપર એક શખ્સ બાચકામાં દારૂનો જથ્થો ભરીને ઉભો છે તેવી બાતમી આધારે દોડી જઈ બાતમીવાળા શખ્સને સકંજામાં લઇ નામઠામ પૂછતાં પોતે ભગવતીપરામાં રહેતો વલીમામદ ઓસ્માણભાઈ સોરા હોવાનું જણાવતા તેની પાસે રહેલ બાચકું ચેક કરતા અંદરથી દારૂની 6 બોટલ મળી આવતા 2400 રૂપિયાનો દારૂ કબ્જે કરી ગુનો નોંધી ધરપકડ કરી હતી.
