વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિના અભિભાષણના ધન્યવાદ પ્રસ્તાવ પર લોકસભામાં જવાબ આપી રહ્યાં છે. આ વચ્ચે કોંગ્રેસના સાંસદોએ ગૃહમાંથી વોકઆઉટ કર્યું. મોદીના ભાષણ દરમિયાન અત્યાર સુધીમાં 8 વખત હોબાળો થયો છે. છઠ્ઠી વખત હોબાળા બાદ મોદી ગુસ્સે થઈ ગયા અને કહ્યું કે આ વધુ પડતું થઈ રહ્યું છે.
વડાપ્રધાને કહ્યું, ‘ખેડૂત આંદોલનની પવિત્રતા છે. ભારતમાં આંદોલનનું મહત્વ છે, પરંતુ જ્યારે આંદોલનજીવી પવિત્ર આંદોલનને પોતાના લાભ માટે બરબાદ કરવા નીકળે છે તો શું થાય છે? રમખાણ કરનારા લોકો, સંપ્રદાયવાદી, નક્સલવાદી જેઓ જેલમાં બંધ છે, ખેડૂત આંદોલનમાં તેમની મુક્તિની માગ કરવી ક્યાં સુધી યોગ્ય છે. આ દેશમાં ટોલ પ્લાઝાને તમામ સરકારે સ્વીકાર્યો છે. તે ટોલ પ્લાઝા પર કબજો કરવો, તેને ન ચાલવા દેવા, આવી રીતે પવિત્ર આંદોલનને અપવિત્ર કરવાનો પ્રયાસ નથી? જ્યારે પંજાબમાં ટેલીકોમ ટાવર તોડી નાખવામાં આવે તો તે ખેડૂતોની માગ સાથે કઈ રીતે જોડાયેલા છે? ખેડૂતોના આંદોલનને અપવિત્ર કરવાનું કામ આંદોલનજીવીઓએ કર્યું છે. દેશને આંદોલનજીવીઓથી બચાવવો જરૂરી છે.’
તેઓએ કહ્યું, ‘આ કોરોના કાળમાં 3 કૃષિ કાયદાઓ પણ લાવવામાં આવ્યા. આ કૃષિ સુધારા માટે ઘણું જ જરૂરી છે. વર્ષોથી આપણાં કૃષિ ક્ષેત્રે પડકારો જ જોવા મળતા હતા, અમે તેમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કર્યો. ભવિષ્યના પડકારો સામે આપણે અત્યારથી તૈયાર રહેવું પડશે. હું જોઈ રહ્યો હતો કે અહીં કોંગ્રેસના સાથીઓએ ચર્ચા કરી કે તેઓ કાયદાના કલરને લઈને ચર્ચા કરી રહ્યાં હતા. બ્લેક છે કે વ્હાઈટ. સારું હોત જો તેઓ કન્ટેન્ટ પર, તેના ઈન્ટેન્ટ પર ચર્ચ કરતા કે જેથી દેશના ખેડૂતો સુધી યોગ્ય વાત પહોંચી શકી હોત. દાદા (અધીર રંજન ચૌધરી)એ પણ ભાષણ આપ્યું અને થયું કે તેઓ ઘણો અભ્યાસ કરીને આવ્યા હશે. પરંતુ વડાપ્રધાન બંગાલની યાત્રા કેમ કરી રહ્યાં છે, તેઓ તે વાતમાં જ રચ્યાપચ્યા રહ્યાં. દાદાના જ્ઞાનથી વંચિત રહી ગયા. ચૂંટણી પછી તમારી પાસે તક હશે તો… આ (બંગાળ) કેટલો મહત્વપૂર્ણ પ્રદેશ છે, તેથી તો કરી રહ્યાં છીએ. તમે એટલું પાછળ છોડી દીધું, તેથી અમે તેને પ્રમુખતા આપવા માગીએ છીએ.’
વડાપ્રધાને વધુમાં કહ્યું કે, ‘જ્યાં સુધી આંદોલનનો સવાલ છે, તો તેઓ ખોટી માન્યતાઓનો શિકાર બન્યાં છે. (હોબાળો થવા લાગ્યો તો વડાપ્રધાને કહ્યું….) મારું ભાષણ પૂરું થાય તે પછી આ બધું કરજો, તમને તક મળી હતી. તમે ખેડૂતો માટે કોઈ પણ ખોટા શબ્દો બોલી શકો છે, અમે ન બોલી શકીએ. (રોક-ટોક થવા લાગી તો મોદીએ કહ્યું…) જુઓ હું કેટલી સેવા કરું છું. તમારે જ્યાં રજિસ્ટર કરાવવાનું હતું, ત્યાં થઈ ગયું.’
