પાર્થ મજેઠીયા,ભાવનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફેરી સર્વિસથી શું ફાયદો થવાનો છે. તે અંગેના પ્રતિભાવ જાણવા ભાવનગરવાસીઓ સાથે ઈ-માધ્યમથી સીધો સંવાદ કર્યો હતો.
આ અવસરે ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના નાના પાદરા ગામના વતની જેમભાઈએ જણાવ્યું કે, હું ખેતીવાડી કરું છું. અને વર્ષ 1987 થી અમારા વિસ્તારમાં ઉત્પાદિત થતાં રીંગણાં ટ્રક મારફતે વેંચાણ અર્થે સુરત લઈ જાઉં છું.આ દરમિયાન મારે સુરત પહોચવા 10 થી 12 કલાકનો સમય લાગતો.પરંતુ હવે રો-પેક્સ ફેરી સર્વિસ થકી અમને ખૂબ જ ફાયદો થશે.સૌ પ્રથમ તો અમારો સમય બચશે.તેમજ ડ્રાઈવરને પણ પૂરતો આરામ મળશે.જ્યારે ફેરી સર્વિસમાં એ.સી. કન્ટેઇનરનો લાભ મળતો હોવાથી અમારૂ શાકભાજી પણ તાજું જ રહેશે જેના થકી અમોને તેનો સારો ભાવ પણ મળશે.
મૂળ પાલિતાણાના ગણધોળ ગામના વતની અને સુરત ખાતે સ્થાઈ થયેલા રત્નકલાકાર શ્રી ગીરીશભાઈ નાથાભાઈ વાઘેલાએ વડાપ્રધાનશ્રી સાથે વાતચીત કરતા જણાવ્યું કે, અમે વર્ષમાં ચારથી પાંચ વાર અમારા વતન જઈએ છીએ. આ સુવિધા શરૂ થવાથી અમારા જેવા હજારો રત્નકલાકારો પોતાના વાહન સાથે સરળતાથી જઈ શકશે. જેના કારણે રોડ પરનું ભારણ ઘટવાની સાથે ટ્રાફિક સમસ્યા હળવી બનશે અને અકસ્માતોની સંખ્યા ઘટશે.
