જ્યારે હજારો ખેડૂતો 3 નવા કૃષિ કાયદાને રદ કરવાની માંગ કરી રહ્યા છે, ત્યારે પીએમ મોદીએ ફરી એકવાર નવા કાયદાની પ્રશંસા કરી છે. પીએમ મોદીએ જણાવ્યું હતું કે FICCIના 93માં વાર્ષિક વર્ચુઅલ એક્સ્પોના ઉદ્ઘાટન દરમિયાન, નવા કૃષિ સુધારાઓ ખેડૂતોને ફાયદો પહોંચાડશે. નીતિ અને બજેટ સાથે ખેડૂતોના હિતની પૂર્તિ માટે સરકાર પ્રતિબદ્ધ છે.
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું કે,કૃષિ સંબંધિત દરેક વસ્તુથી દિવાલો દૂર કરી રહ્યાં છે. નવા કૃષિ કાયદો ખેડૂતોને નવા બજારો પૂરા પાડશે. નવા કૃષિ કાયદાથી ખેડૂતોની આવકમાં વધારો થશે. ખેડૂતોને કૃષિ ક્ષેત્રે રોકાણ કરવામાં મોટો ફાયદો થશે, તેઓને નવા વિકલ્પો, નવા બજારો મળશે.
પીએમ મોદીએ કહ્યું, “અમે કૃષિ ક્ષેત્ર અને તેની સાથે જોડાયેલા અન્ય ક્ષેત્રો વચ્ચેની દિવાલો જોઇ છે, જેમ કે કૃષિ માળખાગત સુવિધા, ખાદ્ય પ્રણાલી, સ્ટોરેજ, કોલ્ડ ચેઇન. હવે બધી દિવાલો હટાવવામાં આવી રહી છે, બધી અવરોધો દૂર કરવામાં આવી રહ્યા છે.”
પીએમ મોદીએ વધુમાં કહ્યું હતું કે,આ રિફોર્મ્સ બાદ ખેડૂતોને નવા બજારો, નવા વિકલ્પો, તકનીકનો લાભ મળશે, દેશનો કોલ્ડ સ્ટોરેજ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આધુનિક બનશે. આ તમામ કૃષિ ક્ષેત્રે વધુ રોકાણ થશે. મારા દેશના ખેડૂતને આ બધાથી સૌથી વધુ ફાયદો થવાનો છે. આજે ભારતમાં ખેડૂતો તેમની પેદાશો મંડી તેમજ બહારની જગ્યાએ વેચી શકે છે. ખેડૂતો ડિજિટલ પ્લેટફોર્મ પર પણ તેમની પેદાશોનું વેચાણ કરી શકશે. અમે આ તમામ પહેલ ખેડૂતોની આવક વધારવા અને તેમને વધુ સમૃધ્ધ બનાવવા માટે લઈ રહ્યા છીએ.
જણાવી દઈએ કે, મોદી સરકારના 3 કૃષિ કાયદાની વિરુદ્ધ છેલ્લા 17 દિવસથી હજારો ખેડૂત દિલ્હીની બોર્ડર બેઠા છે. સરકાર અને ખેડૂત સંગઠનો વચ્ચે અનેક રાઉન્ડની વાટાઘાટો બાદ પણ કોઈ સમાધાન મળ્યું નથી. સરકારે નવા કાયદામાં કેટલાક સુધારા કરવાની પણ વાત કરી હતી, પરંતુ ખેડૂત સંગઠનો આ ત્રણેય કાયદાને રદ કરવાની માંગ કરી રહ્યા છે. જેના કારણે આજે 12 ડિસેમ્બરે ખેડૂતોએ દિલ્હી-જયપુર હાઇવે, આગ્રા-દિલ્હી હાઈવે બંધ, ભાજપના નેતાઓના ઘર અને ઓફિસો પર ઘેરાવ, અદાણી-અંબાણી વિરુદ્ધ દેખાવો અને ઘણા વધુ કાર્યક્રમ રાખ્યો છે.
