છેલ્લા એક અઠવાડિયાથી રાજ્યમાં ચાલી રહેલી પંચાયત આરોગ્ય કર્મચારીઓની હડતાલનો મુદ્દો વધુ ગુંચવાઇ ગયો છે. આરોગ્ય કર્મચારીઓની હડતાલને તોડવા માટે એપીડેમીક ડીસીઝ એક્ટ મુજબ ક્લેક્ટર કચેરીથી કર્મચારીના નામ સાથેની નોટિસ ફટકારી ફરજ પર હાજર થવાના આદેશ બાદ પણ આરોગ્ય કર્મચારી જ્યાં સુધી માગ નહીં સ્વીકારાય ત્યાં સુધી હડતાલ ચાલુ રાખવાના મૂડમાં દેખાઇ રહ્યાં છે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા 3 વર્ષથી વિવિધ પ્રશ્નોના ઉકેલ જિલ્લા પંચાયતના આરોગ્ય કર્મચારી મંડળ દ્વારા અંદાજે 7થી વધુ વખત સરકારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. બે વખત હડતાલનું શસ્ત્ર પણ ઉગામ્યું છતા આજદીન સુધી તેઓની સમસ્યાનું કોઇ સમાધાન ન થતા આરોગ્ય કર્મચારીઓ ત્રીજી વખત હડતાલ પર ઉતર્યા છે. એક તરફ કોરોના મહામારીને નાબુદ કરવા અતિ મહત્વના રસીકરણની પ્રક્રિયા ચાલી રહી છે એવા કામગીરીમાં અડચણો આવવાને કારણે રાજ્ય સરકાર પણ આકરાપાણીએ હોય તેમ લાગી રહ્યું છે.
હડતાલની શું અસર થઇ ?
આરોગ્ય કર્મચારીઓની હડતાલની સીધી અસર વેક્સિનેશન, કોવિડના સર્વે સહિતની અલગ અલગ અનેક પ્રકારની આરોગ્ય સેવાની કામગીરી પર પડી રહી છે. જિલ્લા પંચાયતના આરોગ્ય કર્મચારીઓ હડતાળ પર હોવાને કારણે છેવાડાના ગામડાઓમાં રહેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને પેટા આરોગ્ય કેન્દ્રોમાં અલગ અલગ આરોગ્ય સેવાઓ ઠપ્પ થઇ ગઇ છે.
એપીડેમિક ડીસીઝ મુજબ કાર્યવાહી
એક તરફ હડતાલ પર ઉતરેલા કર્મચારીઓ પોતાની માગ પર અડગ છે તો બીજી બાજુ સરકારે પણ કડક કાર્યવાહીના આદેશ આપી દીધા છે. જે મુજબ રાજ્યના આરોગ્ય કમિશનરે એપીડેમીક ડિસીઝ એક્ટ-1897 અંતર્ગત હડતાલ ઉપરના કર્મચારીઓને તાત્કાલિક ફરજ ઉપર હાજર થવાનો આદેશ કર્યો છે. હડતાલ ઉપરના તમામ કર્મચારીઓ બિનશરતી ફરજ ઉપર હાજર નહી થાય તો દર્શિત ધ એપીડેમીક ડિસીઝ એક્ટ-1897ના જાહેરનામાની જોગવાઇ મુજબ કલેક્ટરોને કાર્યવાહી કરવાનો આદેશ કર્યો છે. જોકે મંગળવારના રાજ્યભરના 33 જિલ્લાના આરોગ્ય કર્મચારી મંડળના પ્રમુખોની બેઠક મળી હતી જેમાં કર્મચારીઓ પર એક્શન લેવાને બદલે તેમની કામગીરીને ધ્યાનમાં રાખીને પ્રશ્નો ઉકેલવાની માંગણી કરી છે.
વિપક્ષે પણ કાર્યવાહીને અયોગ્ય ગણાવી
હડતાલ લાંબી ચાલતા અને સરકાર દ્વારા કાર્યવાહી બાદ વિપક્ષે પણ નિવેદનો આપવાનું શરૂ કર્યું છે. આ માટે કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી નીતિન પટેલને પત્ર લખ્યો છે. આ પત્રમાં ધાનાણીએ લખ્યું કે ‘આ એ જ કોરોના વોરિયર્સ છે જેમણે દિવસ-રાત જોયા વગર જીવના જોખમે કોરોના સામે ઢાલની જેમ ઊભા રહીને ફરજ બજાવી હતી. આ કોરોના વોરિયર્સના સન્માનના કાર્યક્રમો રાજય સરકાર દ્વારા યોજવામાં આવ્યા હતા. આ કોરોના વોરિયર્સ આજે જયારે તેમની માંગણીઓ પુરી કરવા, પોતાના અધિકાર મેળવવાની વાતો કરે છે ત્યારે તેમની સામે ધ એપીડેમિક ડીસીઝ એક્ટ -1897ના જાહેરનામાની જોગવાઇ મુજબ કાર્યવાહી કરવાના હુક્મ કરવામાં આવે છે.’
