એક શ્રેષ્ઠ આધ્યાત્મિક સુટેવ

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ એવું કહેતા કે “આવો વિચાર સવારમાં કરવો- હું ગુણાતીત છું ને મારા જીવમાં સ્વામીશ્રીજી સાક્ષાત બેઠા છે. પ્રત્યક્ષ બ્રહ્મ-સ્વરૂપ પોતાને માનવો.”આવો વિચાર કરવાની, આવી આધ્યાત્મિક ટેવ રાખવાની ખૂબ જરૂર છે.

સવારના પહોરમાં આવું બ્રહ્મસ્વરૂપી મનન કરવાની આદત પાડવાથી મન ખૂબ શાંત થાય છે. આખો દિવસ આનો પાવર રહે છે.

આજના સમયમાં બહુધા લોકો સવારના ઉઠતાની સાથે મોબાઈલ જોતાં થઈ ગયા છે. જાણે કે પ્રભાતે કરદર્શનમ્. તેમાં પણ સૌ પ્રથમ તો વોટ્સએપ વ. ના મેસેજ જોઈ વાંચી જ લેવાના. આ સિવાય પણ વ્યક્તિને પૈસાના, ખાવાના, પીવાના, મોજ મજા કરવાના, વેપારના, કોઈએ અપમાન કર્યું હોય તો તેનો ગુસ્સો વગેરે અનંત વિચારોના આવ્યા જ કરે છે.

ગુણાતીત એટલે શું? ગુણાતીત એટલે સત્ત્વ, રજ અને તમોગુણથી પર વર્તવાની માનસિક ભુમિકા. હું ત્રણ ગુણથી પર ગુણાતીત ( સત્પુરુષ ) છું તેવું માનવું. શ્રીમદ્ ભગવત્ગીતાના 14 માં અધ્યાય ગુણત્રયવિભાગયોગમાં શ્લોક 22, 23, 24, અને 25 માં ગુણાતીત અવસ્થાનાં લક્ષણો દર્શાવ્યાં છે. તે મુજબ દ્વંદ્વોથી ઉપર ઉઠવું તે ગુણાતીત કહેવાય. મનુષ્યે આમાંથી પ્રેરણા પ્રાપ્ત કરી રોજ સવારે સુખદુઃખ આપતા દ્વંદ્વોને પાર કરવાનો વિચાર કરવાની સુટેવ પાડવી જોઈએ.

જ્યારે માણસ કોઈ કંપનીમાં સીઈઓ તરીકે કામ કરે છે ત્યારે તે પોતાને તે ટાઇટલ સમજી તે અનુસાર વર્તે છે. તેનાથી તે સામાન્ય કર્મચારી કે ઓફિસરથી અલગ પડી જાય છે. તેવી જ રીતે કોઈ ટીમનો કેપ્ટન પોતાને કેપ્ટન માનીને તે પ્રમાણે રમત રમે તો તેની અસર અલગ થાય છે. તેવી રીતે પોતાને ગુણાતીત માનવાથી વ્યક્તિ એક વિશિષ્ટ ભૂમિકામાં સરી પડે છે. આ એક think out of box નો અનુભવ છે. એવું કહેવાય છે કે જેની સવાર સારી તેનો આખો દિવસ સારો જાય છે.

પોતાને ગુણાતીત સમજવાની ટેવ પાડવાથી અનેક દિશાઓમાં અનેકાનેક વિચારો અને વિષયોનાં વમળોમાં ઘુમરાતી આપણી વૃત્તિ આત્મામાં સ્થિર થાય છે.

આટલું કર્યા પછી એમ વિચાર કરવો જે “મારામાં સ્વામીશ્રીજી સાક્ષાત્ બેઠા છે.” ગુણાતીત માન્યા પછી આ એક અઘરું પગથિયું આવ્યું. પરંતુ જેમ તલમાં તેલ છે, ફૂલમાં સુગંધ છે અને દૂધમાં ઘી રહેલું છે તેમ આત્મામાં પરમાત્મા ભક્તે સહિત બિરાજમાન છે. અહીં એમ નહીં માનવાનું કે આત્મા સો પરમાત્મા. આ તો હૃદયમાં રહેલા ભગવાનને પામવાની તૈયારી છે. એક મંથન છે. જેટલા ભગવાન બહાર છે તેટલા જ અંતરમાં વસે છે.

ફક્ત તેને ઉદ્દઘાટિત કરવાની વાર છે. એથી કવિએ ગાયું છે કે એક જ દે ચિનગારી..તેઓ ગુરુના ચરણોમાં વિનંતી કરે છે કે એવું જ્ઞાન આપો ને મારું એવું ઘડતર કરો કે મારા હૃદયમાં ભગવાન પ્રગટી જાય. અક્ષર પુરુષોત્તમ મહારાજ બેસી જાય.

પછી એવી વાત આવી કે ” પ્રત્યક્ષ બ્રહ્મસ્વરૂપ પોતાને માનવો.” ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં એવું કહ્યું છે કે એકરસ પરિપૂર્ણ એવું જે બ્રહ્મસ્વરૂપ તેને વિષે અમે અમારા આત્માને લીન કરી રાખ્યો છે. ( ગ.મ. 50). તેનું એમ સમજવું કે તેઓ પોતાની વાત કરી આપણને સત્પુરુષમાં સ્નેહથી જોડાવાનો ઉપદેશ આપે છે. જેમ ગોપીઓ કૃષ્ણ પરમાત્મા સાથે અતિશય પ્રેમલક્ષણા ભક્તિથી જોડાઈ ગઈ હતી તો તેઓને એવું અનુભવાતું કે હું કૃષ્ણ છું. જ્યારે તેઓ બાજુનાં ગામમાં માખણ વ. વેચવા જાય ત્યારે એવું બોલે કે લો કૃષ્ણ..લો કૃષ્ણ..

પ્રત્યક્ષ ગુરુહરિ ગુણાતીત સંત સાથે આવી એકતા થાય છે ત્યારે આવી સ્થિતિ થાય છે. તેને સંત-ભગવંતમાં મજિયારો ન વેચાય એવું થઈ જાય.

આવી આધ્યાત્મિક સ્થિતિ થઈ શકે છે. તે થાય ત્યારે રોજ આનંદ, હર્ષ અનુભવાય. દિન દિન દિવાળી થઈ જાય. દીપાવલીનાં કોડિયાંની જેમ આધ્યાત્મિક આત્મદીપ પ્રગટાવવાની સુટેવ પાડી પડી શકે છે.

ચાલો, દિવાળી પર્વે અને નૂતન વર્ષે આવી સુટેવોના દીપ પ્રજ્વલિત કરીએ..પોતે આલોકિત થઈએ અને બીજાને પણ પ્રકાશિત કરીએ.

એક શ્રેષ્ઠ આધ્યાત્મિક સુટેવ

Sadhu Amrutvadandas
(Author. Orator. Artist)
BAPS Swaminarayan Sanstha

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap