મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનો વધુ એક સંવેદના સ્પર્શી નિર્ણય

નિરાધાર-વંચિત વ્યક્તિઓ-વયસ્ક વડિલોને આધાર કાર્ડના પુરાવા વિના રસીકરણમાં આવરી લેવાનો ઉદાત્ત ભાવ
……
રાજ્યમાં આવેલા ભિક્ષુક ગૃહો-વૃદ્ધાશ્રમો-દિવ્યાંગ કલ્યાણ સંસ્થાઓમાં વસવાટ કરતા ૪પ થી ૬૦ વર્ષના કોમોરબીડ અને ૬૦ થી વધુ વયના વરિષ્ઠ વડિલોનું આધાર કાર્ડ વિના પણ રસીકરણ કરાશે
……
રાજ્યમાં કોરોના રસીકરણથી કોઇ વંચિત ન રહે-રસીકરણનો વ્યાપ વધારી ‘હારશે કોરોના-જિતશે ગુજરાત’ સાકાર કરવા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની પ્રતિબદ્ધતા
……
મુખ્યમંત્રીના દિશા નિર્દેશનમાં રાજ્યમાં કોરોના વેકસીનેશન અંતર્ગત સરેરાશ દરરોજ ૧.પ૦ લાખથી વધારી ૩ લાખ લોકોને આવરી લેવા આરોગ્ય વિભાગ સજ્જ
……
અત્યાર સુધીમાં ૩૯.૩૬ લાખ વ્યક્તિઓને રસી આપવામાં આવી
……
રાજ્યભરમાં પ૩૮૧ સરકારી અને ૪પર ખાનગી રસીકરણ કેન્દ્રો કાર્યરત
……
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ વિશ્વવ્યાપી મહામારી કોવિડ-19 ના સંક્રમણ સામે આરોગ્યરક્ષા કવચ આપતી કોરોના વેકસીનનો લાભ સમાજના નિરાધાર-વંચિત વ્યક્તિઓ-વયસ્ક વડિલોને પણ આપવાનો સંવેદનશીલ નિર્ણય કર્યો છે.
મુખ્યમંત્રીના આ નિર્ણય અનુસાર રાજ્યમાં આવેલા ભિક્ષુક ગૃહો, વૃદ્ધાશ્રમો તેમજ દિવ્યાંગ કલ્યાણ સંસ્થાઓ-ગૃહોમાં વસતા ૪પ થી ૬૦ વર્ષની વય જૂથના અને કોમોરબીડ એટલે કે અન્ય ગંભીર બિમારી ધરાવતા વ્યક્તિઓને આધાર કાર્ડના પૂરાવા સિવાય પણ વેકસીનેશન અભિયાનમાં આવરી લેવાશે.
એટલું જ નહિ, આવી સંસ્થાઓ એટલે કે ભિક્ષુક ગૃહો, વૃદ્ધાશ્રમો તેમજ દિવ્યાંગ કલ્યાણ સંસ્થાઓમાં વસતા ૬૦ વર્ષથી ઉપરની વયના વયસ્ક વડીલોને પણ તેમની પાસે આધાર કાર્ડ ન હોય તો પણ કોરોના વેકસીન આપવામાં આવશે તેમ તેમણે જાહેર કર્યુ છે.
મુખ્યમંત્રીએ આ અગાઉ રાજ્યમાં વિવિધ સ્થાનોએ વિચરણ કરતા હોય, સ્થિર વસવાટ ન હોય તેવા સાધુ સંતો, ભગવંતો, મહારાજ સાહેબ-મૂનિઓને આધાર કાર્ડ વિના પણ આ રસીકરણ અભિયાનમાં આવરી લેવાનો નિર્ણય કરેલો છે.
હવે, તેમણે સમાજના નિરાધાર, વંચિત, અનાથ વ્યક્તિઓને પણ કોરોના મહામારી સામે આરોગ્ય સુરક્ષા કવચ આપવા તેમને પણ આધાર કાર્ડના પૂરાવા વિના રસીકરણમાં આવરી લેવાની અને સૌના વ્યાપક રસીકરણથી ‘‘હારશે કોરોના-જિતશે ગુજરાતનો’’ મંત્ર સાકાર કરવાની પ્રતિબદ્ધતા દર્શાવી છે.


મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશના રાજ્યોની કોરોના સ્થિતી અને રસીકરણની સમીક્ષા અંગે તાજેતરમાં યોજેલી વિડીયો કોન્ફરન્સમાં ગુજરાતમાં દૈનિક સરેરાશ રસીકરણની સંખ્યા ૧.પ૦ લાખથી વધારીને બે ગણી એટલે કે ૩ લાખ સુધી લઇ જવાની નેમ વ્યકત કરી હતી.
મુખ્યમંત્રીની આ નેમને સાકાર કરવા રાજ્યના આરોગ્ય વિભાગે કોરોના રસીકરણને ઝૂંબેશ સ્વરૂપે ઉપાડીને અત્યાર સુધીમાં ૪પ થી ૬૦ની વયજુથના કોમોરબીડ અને ૬૦ વર્ષથી ઉપરના વરિષ્ઠો એમ કુલ ૩૯ લાખ ૩૬ હજાર ૧૦૪ વ્યક્તિઓનું રસીકરણ પૂર્ણ કર્યુ છે.
આ હેતુસર સમગ્ર રાજ્યમાં પ૩૮૧ સરકારી અને ૪પર ખાનગી મળી કુલ પ૮૩૩ રસીકરણ કેન્દ્રો કાર્યરત કરવામાં આવેલા છે.
મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીના માર્ગદર્શનમાં ગુજરાતે રસીકરણ માટે પાત્રતા ધરાવતા હોય તેવા ૩૯.૩૬ લાખ વ્યક્તિઓના રસીકરણ દ્વારા દેશભરમાં પાંચ અગ્રીમ હરોળના રાજ્યોમાં સ્થાન મેળવ્યું છે.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના સૌ નાગરિકોને કોરોના-કોવિડ-19 સામેના રક્ષણાત્મક ઉપાય-તરીકે આ રસીકરણમાં તેમનો વારો આવે ત્યારે અવશ્ય વેકસીન લેવા પ્રજાજોગ અપિલ પણ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap