પાછલા ઘણા દિવસોથી ખેડૂતો દ્વારા દિલ્હી અને તેની બોર્ડર પર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. ખેડૂતોની માંગ છે કેન્દ્ર સરકારના નવા કાયદાને જલ્દી રદ કરવામાં આવે. આ મામલે કેન્દ્ર અને ખેડૂત નેતાઓ વચ્ચે પાંચમાં તબક્કાની બેઠકમાં વાતચીત પણ થઈ હતી,પરંતુ તેમાં કોઈ નિર્ણય આવ્યો ન હતો. હવે પ્રથમવાર ગૃહમંત્રી અમિત શાહ ખેડૂતો સાથે મુલાકત કરશે. અમિત શાહે ખેડૂત નોતાઓને આજે સાંજે 7 વાગ્યે બેઠકમાં બોલાવ્યા છે.
ગૃહમંત્રી અમિત શાહ સાથે થનારી આ અગત્યની બેઠકને લઈને ભારતીય ખેડૂત યૂનિયનના પ્રવક્તા રાકેશ ટિકેતે કહ્યું હતું કે, અમારી સાંજે 7 વાગ્યે ગૃહમંત્રી અમિત શાહ સાથે બેઠક યોજાશે. હાલમાં અમે સિંધુ બોર્ડર જઈ રહ્યા છે અને ત્યાથી અમે અમિત શાહને મળી છું.
ગૃહમંત્રી અમિત શાહ કોઈ સમાધાન શોધી કઢશે?
જણાવી દઈએ કે, આ બેઠકને લઈને પહેલાં કોઈ માહિતી નહોતી. અગાઉ કહેવામાં આવ્યું હતું કે, કેન્દ્ર સાથે છઠ્ઠા તબક્કાની બેઠક બુધવારે 9 ડિસેમ્બરના રોજ યોજાશે. જેમાં રાબેતા મુજબ કેન્દ્રીય કૃષિ મંત્રી અને પિયુષ ગોયલનો સમાવેશ થશે. પરંતુ ભારત બંધના દિવસે અચાનક શાહ સાથે મુલાકાત થયાના સમાચાર ચોંકવનાર છે. તેના પરથી સ્પષ્ટ થઈ ગયું છે કે હવે સરકાર કોઈ પણ સંજોગોમાં ખેડૂતોના આ આંદોલનને સમાપ્ત કરવા માગે છે. શાહ પ્રથમ વખત ખેડૂત નેતાઓ સાથે મુલાકાત કરશે, આવી સ્થિતિમાં ખેડૂત નેતાઓને ખાતરી આપવાનો અને પ્રદર્શન સમાપ્ત કરવાની વાત કરવાનો તેમનો પ્રયાસ રહેશે.
જોકે, ખેડૂતો સ્પષ્ટ કહે છે કે,જ્યાં સુધી કેન્દ્ર આ કાયદા પરત નહી લે, ત્યાં સુધી તેઓ વિરોધ પ્રદર્શન ચાલુ રાખશે. ખેડૂતોના આ પ્રદર્શન બાદ સરકાર દબાણ હેઠળ છે, સરકારને ચારે બાજુથી ઘેરી લેવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આવી સ્થિતિમાં શાહ સમક્ષ પડકાર એ હશે કે તેઓ કાયદાઓ અંગે ખેડૂત નેતાઓને કેવી રીતે મનાવી શકે અને દિલ્હીથી પરત ફરવા પર તેઓ તેમને કેવી રીતે રાજી કરે.
