પાર્થ મજેઠીયા,ભાવનગર:જિલ્લાના ભાલ તાલુકા પંથકમાં પીવાના પાણીની સમસ્યા દિવસેને દિવસે વધુ વિકટ બનતી જાય છે. આજુ-બાજુના ગ્રામજનો ઘણા વર્ષોથી પીવાના પાણીની સમસ્યાથી મુશ્કેલીઓ ભોગવી રહ્યા છે. આઝાદીના ૭ (સાત) દાયકા પછી પણ પીવાના પાણી માટે ગ્રામજનોને ના છુટકે ઘરે-ઘરે ભટકવું પડે તેવી પરિસ્થિતિ સર્જાઇ છે.
ગામમાં મહી પરીએજની પીવાના પાણીની લાઈન લાખો રૂપિયાના ખર્ચે નાખવામાં આવી છે. પરંતુ આજદિન સુધી પીવાના પાણીનું ટીપું પણ મળ્યું નથી તો પછી સરકાર દ્વારા શા માટે ખોટા વાયદા આપી લાખો. રૂપિયાના ખર્ચો પીવાના પાણીની લાઈન નાખી છે ? તેવું ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે, ગ્રામજનો દ્વારા અવારનવાર પીવાના પાણીના પ્રશ્ને પાણી પુરવઠા તેમજ ઉચ્ચ અધિકારીઓને લેખિત તેમજ ઉગ્ર આંદોલન દ્વારા રજૂઆત કરવામાં આવી છે ધારાસભ્યને પણ અવાર નવાર રજૂઆત કરેલ છે તેમ છતાં ગામમાં પીવાના પાણીની વિકટ સમસ્યાનો આજ દિન સુધી નિરાકરણ આવ્યું નથી, ત્યારે ગામલોકોએ ચીમકી આપી છે કે જો આગામી દિવસોમાં પીવાના પાણીની સમસ્યા હલ નહીં થાય તો ના છુટકે ગ્રામજનો ગાંધીચીંધ્યા માર્ગે ભાવનગર કચેરી તેમજ પાણી પુરવઠા વલ્લભીપુર કચેરીનો ઘેરાવ કરશે.

ભાલ પંથકમાં લાખો રૂપિયાના ખર્ચે પીવાના પાણીની લાઇન નાખવામાં આવી છે તો શા માટે પાણી આપવામાં આવતું નથી ?
ભાલ પંથકના ગામોમાં પીવાનું પાણી મળી રહે તે માટે વર્ષોથી રજૂઆત કરી રહ્યા છે, શું આમાં પણ રાજકારણ થઈ રહ્યું છે?
સરકાર ગતિશીલ ગુજરાત બનાવવા માટે કરોડોના ખર્ચે વિકાસના કામો કરી રહી છે પરંતુ ગામોમાં પીવાના પાણી માટે લોકો વલખાં મારી રહ્યા છે!
