રવિ નિમાવત, મોરબી: દેશના પ્રધાનમંત્રી નાગરિકોને માસ્ક પહેરવા તેમજ ‘દો ગજ કી દુરી’ માટે વારંવાર અપીલ કરી રહ્યા છે. કોરોના મહામારીથી બચવા વેક્સીન ન આવે ત્યાં સુધી માસ્ક અને સોશિયલ ડીસટન્સ જ યોગ્ય ઉપાય હોવાનું જણાવ્યું હતું. જો કે પીએમ મોદીની વાત ભાજપ આગેવાનોને જ ગળે ઉતરતી ના હોય ત્યારે સામાન્ય લોકો પાસે નિયમ પાલનની અપેક્ષા કેવી રીતે રાખી સકાય વાંકાનેરના ગામડામાં ભાજપ આગેવાનો અને કાર્યકરોની મીટીંગમાં કોઈએ માસ્ક જ પહેર્યું ના હતું.
વાંકાનેર તાલુકાના ભેરડા ગ્રામ પંચાયતના સરપંચ ભુપતભાઈ દ્વારા વાંકાનેર ભાજપ અગ્રણી જીતુભાઈ સોમાણીના માર્ગદર્શન હેઠળ સ્થાનિક સ્વરાજ ચૂંટણી અને તાલુકા-જિલ્લા પંચાયત ચૂંટણી તૈયારીના ભાગરૂપે ભેરડા રામાંપીર મંદિરે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોની મીટીંગ મળી હતી. જેમાં મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકરો જોડાયા હતાં.

જો કે આગેવાનો અને કાર્યકરો માસ્ક વિના જોવા મળ્યા હતા અને સોશિયલ ડીસટન્સના નિયમનું પણ પાલન કરવામાં આવ્યું ન હતું. જે ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ જોવા મળે છે. ભાજપ આગેવાનો જ નિયમનું પાલન કરતા નથી સત્તાધારી પક્ષના આગેવાનો નિયમ પાલન કરીને સમાજમાં ઉદાહરણ પૂરું પાડવું જોઈએ તેના બદલે સોશિયલ ડીસટન્સ ભંગ અને માસ્ક ના પહેરવાના અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવી ચુક્યા છે.
